GSTના વેપારી આલમને ન ગમતી એવી માર્ગસ્થ માલની ચકાસણીની અગત્યની બાબતોની છણાવટ
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- કેટલાક વેપારીઓ કાયદાકીય જોગવાઈઓ અને નિયમોમાં દર્શાવેલ પ્રક્રિયાનું પાલન કરતા નથી તેની ચકાસણી કરવા માટે મોબાઈલ સ્કવોડ દ્વારા માર્ગસ્થ માલની ચકાસણી કરવામાં આવે છે, જે વેપારી આલમને ગમતું નથી.
કોઈપણ વેપારી જ્યારે ધંધો કરે છે ત્યારે તેને બેંકો, આંગડિયા, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, કસ્ટમ્સ, વગેરે સાથે ધંધાકીય વ્યવહાર અંગે સંપર્ક કરવાનો થાય છે અને ખાસ કરીને ગુડઝના કિસ્સામાં તેને ટ્રાન્સપોર્ટર અને વેરહાઉસ કે ગોડાઉન કીપરની મદદની જરૂર પડે છે.
ઓનલાઇન સપ્લાય કરનાર સહિત તમામ વેપારી દરેક વખતે પોતે માલ લેવા જતો નથી કે સપ્લાય કરવા જતો નથી. મોટાભાગના વેપારીઓ આ માટે રેલવે કે ટ્રક અથવા પાણીના જહાજ મારફતે પોતાના માલની રવાનગી કરે છે અથવા તો માલની ખરીદી કરતી વખતે તેમની સેવાઓ લેતા હોય છે.
આપણે જાણીએ છીએ કે જીએસટી કર-પ્રણાલી સેલ્ફ એસેસમેન્ટ ઉપર વધુ ભાર મૂકે છે. પરંતુ સાથે સાથે વેપારી ઇરાદાપૂર્વક ખોટું કરીને સરકારની વેરાકીય આવકને નુકસાન ન પહોંચાડે તે માટે વિવિધ જોગવાઈઓ પૈકીની એક જોગવાઈ માર્ગસ્થ માલની ચકાસણી કરવાની છે. આ માટેની વિગતવાર જોગવાઈ જીએસટી કાયદાની કલમ ૬૮ અને નિયમ ૧૩૮ હેઠળ આપવામાં આવેલ છે.
ઉપરાંત વેપારી પોતે માલની મુવમેન્ટ અંગે ઇલેક્ટ્રોનિક વે-બિલથી (GST EWB-01 to 06) જરૂરી વિગતો ડિકલેર કરે તે માટેનું મિકેનિઝમ પણ ગોઠવવામાં આવેલ છે. તેમ છતાં કેટલાક વેપારીઓ કાયદાકીય જોગવાઈઓ અને નિયમોમાં દર્શાવેલ પ્રક્રિયાનું પાલન કરતા નથી તેની ચકાસણી કરવા માટે મોબાઈલ સ્કવોડ દ્વારા માર્ગસ્થ માલની ચકાસણી કરવામાં આવે છે, જે વેપારી આલમને ગમતું નથી. માર્ગસ્થ માલની ચકાસણી સંબંધિત કલમ 129(Detention, seizure and release of goods and conveyances in transit), 130(Confiscation of goods or conveyances and levy of penalty) અને 131 (Confiscation or penalty not to interfere with other punishments) છે અને ફોર્મ્સ GST MOV 1 to 11 છે. આ ત્રણેય કલમો હેઠળ થયેલ કાર્યવાહી સામે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૫૫૦ થી વધુ કોર્ટ કેસ થયેલ છે. તે પૈકી ૧૭૦ જેટલા કેસ (૩૧%) એકલા ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જણાય છે.
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ઃ વર્ષ ૧૭૦૭ માં ભારતમાં શક્તિશાળી મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ બાદ પ્રાંતોના વડા એવા મુઘલ સુબા મનસ્વી રીતે વર્તવા લાગ્યા હતા. અને જ્યારે ૧૭૧૫ માં ફારુકશિયાર સમગ્ર ભારતના મુઘલ સમ્રાટ હોય છે ત્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી જોન સરમન દ્વારા અગાઉના ત્રણ ફરમાન રીન્યુ કરાવવા માટે વિનંતી કરવામાં આવે છે. ફારુકશિયાર દ્વારા બંગાળ, ગુજરાત અને હૈદરાબાદમાં કંપનીને ઘણા સારા વિશેષ અધિકાર આપવામાં આવે છે. બંગાળમાં રૂપિયા ૩૦૦૦ સામે ડયુટી ફ્રી વેપાર ઉપરાંત પોતાના માલના વહન માટે આજના જમાના જેવું e-way bill એટલે કે દસ્તક/પાસ ઇશ્યૂ કરવાની સગવડ કરી આપે છે જેથી રસ્તામાં તેમનો માલ કોઈ રોકે નહીં તેમજ કલકત્તાની આજુબાજુ જમીનો ભાડે લેવાની છૂટ પણ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપે છે.
GST અગાઉ અને હવે ઃ જીએસટી કર પ્રણાલી આવી તે પહેલા આંતર-રાજ્ય વ્યવહારો માટે કેન્દ્રિય વેચાણવેરા અધિનિયમ-૧૯૫૬ અમલમાં હતો અને આંતર-રાજ્ય ખરીદીની વેરાશાખ મળવાપાત્ર થતી ન હતી તેથી બોર્ડર ચેકપોસ્ટ અને e-way bill નું મહત્વ વેરાકીય ચકાસણીની દ્રષ્ટિએ ઘણું મોટું હતું. GST માં પણ રજીસ્ટ્રેશન રાજ્યવાર હોઈ અને પ્લેસ ઓફ સપ્લાય મુજબ જે તે રાજ્યને ડેસ્ટીનેશનના સિધ્ધાંત મુજબ વેરો મળતો હોઈ e-way bill નું મહત્વ વેરાકીય ચકાસણીની દ્રષ્ટિએ જરાય ઘટવા પામેલ નથી.
અગત્યના કોર્ટ કેસ : કલમ ૧૩૦130: HariI Enterprisesvs Union Of India & Others Gujarat High Court R/Special Civil Application No. 4100 of 2024 આદેશ તારીખ : Apr 18, 2024
કેસની હકીકતો મુજબ પીટીશનર વેપારી હરી એન્ટરપ્રાઈઝસને આન્ધ્ર પ્રદેશના એક વેપારી એવા અશોક એન્ટરપ્રાઇઝ તરફથી કેટલીક ખેત પેદાશો સપ્લાય કરવા માટેનો ઓર્ડર મળેલ હતો. આવી ખેત પેદાશોની ચીજ વસ્તુઓ ભરેલ એક ટ્રક No.RJ-39-GB-5167 પાલનપુરથી અમીરગઢ તરફ જઈ રહેલ હતી. વહન થતા માલની ચકાસણી માટે ફરજ ઉપરના હાજર અધિકારીએ વાહન રોકેલ અને ઈ-વે-બિલની ચકાસણી હાથ ધરેલ. ચકાસણી દરમિયાન ધ્યાને આવેલ કે આ ધંધાકીય વ્યવહાર માટે GSTN પોર્ટલ પરથી કોઈ ઈ-વે-બિલ જનરેટ કરવામાં આવેલ નથી. અને આ વાહન કોઈ ઈ-વે-બિલ વગર જઈ રહેલ છે. તેથી GST કાયદાની જોગવાઈઓનો ભંગ ગણીને સંબંધિત અધિકારીએ આ વાહન ડીટેઇન કરેલ.
બાદમાં ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન ધ્યાને આવેલ કે તેમાં જીરુ, વરિયાળી, સરસવના દાણા અને તલ ભરેલ છે. અધિકારીએ નોંધ્યું કે પેકિંગના સ્થાને ગુજરાતના ઊંઝાના પ્રોસેસરનું નામ પ્રિન્ટ થયેલ હતું અને તેથી ફરજ ઉપરના હાજર અધિકારીને એવું માનવાને કારણે મળેલ કે આ માલ રાજસ્થાનના બદલે ગુજરાતના ઊંઝા ક્ષેત્રમાંથી આ વાહનમાં અપલોડ થયેલ જણાય છે. શરૂઆતમાં વાહનના ડ્રાઈવરે અધિકારીને જણાવેલ કે તેની પાસે કોઈ કાગળિયા નથી અને તેથી અધિકારીએ નિયત નમુના GST-MOV-01 માં તેનું નિવેદન રેકોર્ડ કરેલ અને જીએસટી GST-MOV-01 માં માલનું ફિઝિકલ વેરિફિકેશન કરવા માટે જણાવ્યું હતું. જોકે વાહન પાર્કિંગમાં લઇ ગયા ત્યારબાદ ડ્રાઇવર દ્વારા ઇનવોઈઝ અને એલ.આર રજૂ કરવામાં આવેલ. જેમાં Despatch From: Shop no 05, Ganapati Market, NH 68, Sanchore, Jalore, Rajasthan-343041 દર્શાવેલ હતું. પરંતુ રજુ થયેલ ઈ-વે-બિલમાં માલ ક્યાંથી રવાના થયેલ તે દર્શાવવામાં ન આવેલ.
દરમ્યાન સ્થળ ઉપર ટ્રાન્સપોર્ટર આવે છે. અધિકારી દ્વારા ફિઝિકલ વેરિફિકેશનનો રિપોર્ટ GST-MOV-04માં તૈયાર કરવામાં આવેલ અને ટ્રાન્સપોર્ટરને બજાવવામાં આવેલ તેમજ GST MOV-06 માં આ કેસમાં ધ્યાને આવેલ પ્રાથમિક ક્ષતિઓ જણાવીને ડિટેન્શન ઓર્ડર પણ તેઓને બજાવવામાં આવેલ. જોકે કોર્ટમાં પીટીશનર વેપારી હરી એન્ટરપ્રાઈઝસ દ્વારા ટ્રાન્સપોર્ટરને આમાં પક્ષકાર જોડવામાં આવેલ નથી. અધિકારી દ્વારા ફોર્મ GST MOV-11માં માલ જપ્તીનો આદેશ પસાર કરીને ટ્ર્રાન્સપોર્ટરને બજાવેલ હતો અને તેમાં જીએસટીની કલમ ૧૩૦ મુજબ વેરો, વ્યાજ અને દંડની ગણતરી જણાવેલ હતી.
પીટીશનર વેપારીએ અધિકારીને જણાવેલ કે તેમણે આ માલ રાજસ્થાનના સાચોર જાલોરના એક વેપારી પાસેથી ખરીદેલ છે પરંતુ તે અંગેના કોઈ પુરાવા તેઓશ્રીએ અધિકારી સમક્ષ રજૂ કરેલ નહીં.વધુમાં સીસ્ટમ ઉપર આ મતલબનું ઇનવર્ડ ઈ-વે-બિલ જનરેટ થયેલ હોય તેવું અધિકારીને મળેલ નહિ. અધિકારી દ્વારા પિટિશનરને રૂબરૂ સાંભળવાની તક આપવામાં આવેલ તેમ છતાં વેપારી તરફથી કોઈ હાજર રહેલ નહીં.
ત્યારબાદ ડિપાર્ટમેન્ટ તરફથી વેપારીને નમુના GST MOV-10માં જીએસટી કાયદાની કલમ ૧૩૦ હેઠળ કારણદર્શક સૂચના પાઠવવામાં આવેલ. વેપારીશ્રીએ ડિપાર્ટમેન્ટને જવાબ કરેલ અને હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન No. 197 of 2024 ફાઈલ કરેલ.
જેના અનુસંધાને કોર્ટના આદેશ મુજબ વેપારીએ જવાબ કરેલ પરંતુ કોઈ પુરાવા રજુ કરેલ નહિ તેથી અધિકારી દ્વારા પુનઃ કારણ દર્શક સૂચના પાઠવવામાં આવેલ. એવું પણ ધ્યાને આવેલ કે આ સમગ્ર કેસમાં ખોટી રીતે વેરા શાખપાસ ઓન કરવામાં અન્ય એક વેપારી પેઢી મે. કોહીનુંર એન્ટરપ્રાઇઝ પણ સામેલ હતી જેની ખરીદીઓ કરચોરીમાં સામેલ અને ab-initio રીતે રદ થયેલ વેપારીઓ પાસેની જણાયેલ હતી. પીટીશનર વેપારીનો એવો દાવો હતો કે ડીપાર્ટમેન્ટે એક વખત કલમ ૧૨૯ હેઠળ વાહન ડિટેન કરેલ હોય ત્યારબાદ તેઓ કલમ ૧૩૦ હેઠળ સત્તા ધરાવી શકતા નથી.
કેસની તમામ વિગતો ધ્યાને લઈને તથા વેપારીશ્રીનો જવાબ ધ્યાને લઈને અધિકારી શ્રી દ્વારા આદેશ પસાર કરવામાં આવેલ અને અધિકારીએ તેમાં દંડ આકારેલ હતો.
આ આદેશ સામે વેપારીએ પોતે અપીલ કરવાની તૈયારી દર્શાવેલ પરંતુ વેપારીશ્રી ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ન હોઈ અધિકારી દ્વારા કલમ ૨૫ અને નિયમ ૧૬ મુજબ તેમને ટેમ્પરરી નંબર જનરેટ કરી આપવામાં આવેલ જેને પણ કોર્ટમાં પડકારવામાં આવેલ.રાજસ્થાન જીએસટીના અધિકારી દ્વારા પીટીશનર વેપારીના ધંધાના સ્થળે તપાસ કરવામાં આવતા જાણવા મળેલ કે વેપારીશ્રી ત્યાં મળી આવતા નથી અને તે મુજબનું પંચનામું નામદાર હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ.પિટિશનર વેપારી કક્ષાએ કરવામાં આવેલ તમામ ક્ષતિઓ અને ડિપાર્ટમેન્ટની દલીલો ગ્રાહ્ય રાખીને જોકે છેલ્લે નામદાર કોર્ટે જણાવેલ કે આ કેસમાં ડિપાર્ટમેન્ટના અધિકારીએ હજી વધુ ઊંડાણપૂર્વકની ચકાસણી હાથ ધરવી જોઈએ અને વેપારીને કોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવેલ નહીં.