- પ્લાસ્ટિક કચરો દર વર્ષે 20%ના દરે વધી રહ્યો છે, 100માંથી માત્ર 30% જ રિસાયકલ થાય છે
- ભારતમાં ડમ્પિંગને બદલે રિસાયક્લિંગને પ્રોત્સાહિત કરવા માટે 'લેન્ડફિલ' અને 'ઈન્સિનરેશન' ટેક્સ લાદવો જોઈએ
છેલ્લા પાંચ વર્ષમાં પ્લાસ્ટિકનો વપરાશ ઝડપથી વધ્યો છે, પ્લાસ્ટિકનું ઉત્પાદન બમણું થયું છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દર વર્ષે ૧૩.૭ મિલિયન ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હતો. તે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૧૯.૮ મિલિયન ટન થયું છે. એટલે કે દર વર્ષે ૯.૭ ટકાના CAGRના દરે વધારો થયો છે તેમ ઈનોવેશન ઇન પ્લાસ્ટિક, ધ પોટેન્શિયલ એન્ડ પોસિબિલિટીઝ' અહેવાલમાં જણાવ્યું છે.
હાલમાં ભારતમાં દર વર્ષે ૧૯.૮ મિલિયન ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તેનો વાર્ષિક વિકાસ દર લગભગ ૧૦ ટકા છે. પરંતુ, તેના કચરા વિશે વાત કરીએ તો, તેમાં વધારો થવાનો દર પ્લાસ્ટિકના વપરાશના દર કરતાં વધુ છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન આપણા દેશમાં ૧૬ લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો હતો જે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૩૪ લાખ ટન થયો છે. જેનો અર્થ છે કે તે ૨૦.૭ ટકાના સીએજીઆરથી વધી રહ્યો છે.
દર વર્ષે ૩૪ લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. જેમાંથી માત્ર ૩૦ ટકા કચરાનો નિકાલ (રિસાયકલ) થાય છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે બાકીનો કચરો ક્યાં જાય છે? તો જવાબ છે કે બાકીનો પ્લાસ્ટિકનો કચરો કચરાના પહાડમાં જાય છે. જ્યાં કચરા માટે કોઈ ડમ્પિંગ યાર્ડ નથી ત્યાં તેને ખેતરોમાં ફેલાવવામાં આવી રહ્યો છે અથવા નદીઓ અને દરિયામાં ફેંકવામાં આવી રહ્યો છે. જેના કારણે પૃથ્વી ઉજ્જડ બની રહી છે, નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. હવે દરિયો પણ પ્લાસ્ટિકના કચરાથી અછૂતો રહ્યો નથી. તેથી જ માછલીઓના પેટમાંથી પણ પ્લાસ્ટિકના અવશેષો મળી રહ્યા છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં સૌથી આગળ છે. આ ત્રણ રાજ્યો મળીને ભારતમાં પેદા થતા કુલ પ્લાસ્ટિક કચરામાંથી ૩૮ ટકા યોગદાન આપે છે. આ રાજ્યોમાં મોટાભાગનો પ્લાસ્ટિક કચરો ઔદ્યોગિક છે, જેનો ઉપયોગ પેકેજિંગ માટે થાય છે. જો જોવામાં આવે તો પ્લાસ્ટિકના કચરાના જથ્થામાંથી ૫૯ ટકા માત્ર પેકેજિંગના ઉપયોગથી જ નીકળે છે. આ પછી, મકાન બાંધકામનો હિસ્સો ૧૩ ટકા છે. કૃષિ ક્ષેત્રનો હિસ્સો ૯ ટકા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકના કચરાનો સૌથી મોટો હિસ્સો પાંચ વસ્તુઓનો છે. આમાં પહેલું સ્થાન પોલીથીન બેગનું છે. તે પછી પ્લાસ્ટિકની બોટલો આવે છે. ત્યારબાદ એફએમસીજી પ્રોડક્ટનું પેકિંગ છે. આ સાથે, કરિયાણાની થેલીઓ અને ફૂડ રેપિંગ પણ ઘણો કચરો પેદા કરે છે. આ તમામ વસ્તુઓનો પ્લાસ્ટિક કચરો એક વર્ષમાં ૨૩ લાખ ટન જેટલો થાય છે.
પ્લાસ્ટિકના કચરાના વધતા જતા અનેક આડઅસર દેખાઈ રહ્યા છે. આની સૌથી વધુ અસર આબોહવા પર પડી છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જો સમયસર વરસાદ ન થાય તો કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. પ્લાસ્ટીકનો કચરો ધરતીમાં જવાને કારણે જમીન બંજર બની રહી છે. નદીઓ અને સમુદ્રો પણ પ્રદૂષિત છે. લોકો પ્રદૂષિત અનાજ ખાઈને રોગોનો શિકાર બની રહ્યા છે. એવું કહેવાય છે કે પ્લાસ્ટિકનો કચરો પણ કેન્સરનું મુખ્ય પરિબળ છે.
ભારતમાં ડમ્પિંગને બદલે રિસાયક્લિંગને પ્રોત્સાહિત કરવા માટે 'લેન્ડફિલ' અને 'ઈન્સિનરેશન' ટેક્સ લાદવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જો લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે તો તેને ઘટાડી શકાય છે.


