ચાના ઉત્પાદનમાં પીછેહટ સામે નિકાસમાં વૃદ્ધિના નિર્દેશો
- ઊભી બજારે - દિલીપ શાહ
- ચાના પાંદડાઓ છોડ પરથી ચૂંટી કાઢવાની પ્લકીંગની પ્રક્રિયાની મુદત વધારવા ટી- બોર્ડ સમક્ષ કરાયેલી માગણી
દેશમાં ચા બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં તથા ચા ઉત્પાદક રાજ્યોના ઓક્શન કેન્દ્રોમાં ચાના ભાવ ઊંચા જતા જોવા મળ્યા હતા. આ વર્ષે ચાનું ઉત્પાદન કરતા વિવિધ રાજ્યોમાં હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે એકંદરે દેશમાં ચાના ઉત્પાદન પર અસર પડયાના વાવડ મળ્યા હતા. સરકાર હસ્તકના ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈના ૭ મહિનાના ગાળામાં દેશમાં ચાનું ઉત્પાદન આશરે ૧૨ થી ૧૩ ટકા ઘટી ૫૫૨૮થી ૫૫૨૯ લાખ કિલો આસપાસ થયાના નિર્દેશો મળ્યા હતા. દેશમાં ચાનું વિશેષ ઉત્પાદન આસામમાં થાય છે તથા આસામથી મળતા સમાચાર મુજબ ત્યાં આ વર્ષે ૨૦૨૪માં ચાના ઉત્પાદનમાં ૧૦૦૦ લાખ કિલોનો ઘટાડો થયો છે. તાજેતરમાં કલકત્તા, ગૌહતી, સિલીગુરી વિ. ખાતે ચાના ઓકશનોમાં ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. આ ઓક્શનોમાં ચાના સરેરાશ ભાવ પાછલા વર્ષના આ ગાળાની સરખામણીએ આશરે ૩૫થી ૩૬ ટકા જેટલા ઉંચા ઉપજ્યા હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. કલકત્તા ટી ટ્રેડર્સ એસોસીયેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ચાના ભાવ ખાસ્સા ઉંચા જતા જોવા મળ્યા હતા. જો કે ચાની મોસમમાં હવે ઓગસ્ટથી ઓકટોબર દરમિયાનનો સમય પુરવઠાની સર્વોચ્ચ વૃદ્ધીનો ગણાય છે તથા આ ગાળામાં ચાનું ઉત્પાદન કેવું થાય છે તેના પર હવે ચા બજારના ખેલાડીઓની નજર રહી છે. દેશમાં સામાન્યપણે ચાનું જે વાર્ષિક ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૪૫થી ૫૦ ટકા ઉત્પાદન આ ઓગસ્ટથી ઓકટોબર દરમિયાનના ગાળામાં થતું હોય છેૈ, એવું સૂત્રોએ જણાવ્યું હતું અને તેના કારણે હવે આ ગાળામાં ચાના ઉત્પાદન વિષયક કેવા આંકડા બહાર આવે છે તેના પર બજારની વિશેષ નજર રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દેશમાં એક બાજુ ચાના ઉત્પાદનમાં પીછેહટ દેખાઈ હતી ત્યારે બીજી તરફ ચાની નિકાસમાં વૃદ્ધી થતાં બજાર ભાવ ઉંચા જતા દેખાયા હતા. આ વર્ષે પ્રથમ ચાર મહિનાના ગાળામાં ચાની નિકાસમાં આશરે ૩૬થી ૩૭ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતની ચા માટે વિશ્વ બજારની માગ તાજેતરમાં વધતી જોવા મળી હતી. ચાની નિકાસમાં ગયા વર્ષે પીછેહટ થઈ હતી પરંતુ હવે નિકાસના આંકડાઓ બાઉન્સ બેક થતા દેખાયા છે. ૨૦૨૩-૨૪ના નાણાં વર્ષમાં ભારતમાંથી ચાની નિકાસ આશરે ૨.૬૦ લાખ ટન થઈ હતી. ભારતમાં મુખ્યત્વે સીટીસી, ઓર્થોડોકસ તથા ગ્રીન-ટી આમ ૩ પ્રકારની ચાનું ઉત્પાદન થાય છે. ભારતની ઓથોડોક્સ ચાની માગ વિશ્વ બજારમાં વિશેષ જોવા મળે છે. ભારતમાં ચાનું ઉત્પાદન મુખ્યત્વે આસામ, બંગાળ, કેરળ તથા તામિલનાડુમાં થાય છે. ચાના ઉત્પાદન પીછેહટ દેખાતાં 'ચા' પ્લકીંગ (ચાના પાંદડાઓ છોડ પરથી ચૂંટવાની પ્રક્રિયા)ની મુદત વધારવાની માગણી સ્મોલ ટી ગ્રોઅર્સ એસોસીએશનના સૂત્રોએ સરકાર હસ્તકના ટી-બોર્ડ સમક્ષ કર્યાના સમાચાર મળ્યા હતા. ખાસ કરીને બંગાળમાં આવી મુદત લંબાવવી આવશ્યક હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં ચાના ઉત્પાદનમાં ૧૩થી ૧૪ ટકાની પીછેહટ જોવા મળી હતી, તથા આ ગાળામાં ચાનું ઉત્પાદન ૬૩૮૦ લાખ કિલોથી ઘટી ૫૫૨૦ લાખ કિલો થયાના વાવડ હતા. હવે ઓગસ્ટથી ઓકટોબરના પીરીયડમાં થનારા ઉત્પાદન પર બજારની મીટ મંડાઈ છે. બંગાળમાં આ ગાળામાં ચાનું ઉત્પાદન ૨૦થી ૨૧ ટકા ઘટયું છે. તથા ત્યાં ચા ઉત્પાદન ૧૯૦૦ લાખ કિલોથી ઘટી ૧૫૦૦ લાખ કિલો થયાના વાવડ મળ્યા હતા. નોર્થમાં ઉત્પાદન ૧૪થી ૧૫ ટકા જ્યારે આસામમાં ઉત્પાદન ૧૧થી ૧૨ ટકા ઘટયાના સમાચાર હતા.દરમિયાન, નોર્થ ઈન્ડિયામાં ઓકશનોમાં ચાના ભાવ ઓગસ્ટ મહિનામાં આશરે ૨૩થી ૩૬ ટકા જેટલા જાતવાર વધ્યાના વાવડ મળ્યા હતા. ચાનું ઉત્પાદન ઘટતાં ભાવ પર અસર દેખાઈ હતી. ઈન્ડિયન ટી એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે આગળ ઉપર પણ ચાના ભાવ વધઘટે એકંદરે ઉંચા રહેવાની શકયતા જણાય છે.