બોર્ડર પર તણાવના માહોલમાં સોના-ચાંદીમાં ટોચના મથાળે ભાવમાં બેતરફી વધઘટ
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી તાજેતરમાં વધારવામાં આવી
- કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં આયાત થતા સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં ભારત તથા પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં સોનાના ભાવ પ્રત્યાઘાતી આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ નવેસરથી ઉંચકાઈ ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.એક લાખની સપાટીને પાર કરી ગયા હતા. જો કે ત્યારબાદ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના જે તાજેતરમાં પ્રત્યાઘાતી ઘટી નીચામાં રૂ.૯૪૫૦૦ આસપાસ બોલાતા થયા હતા તે ત્યારબાદ ફરી ઉંચકાઈ રૂ.૯૭૦૦૦ આસપાસ બોલાતા થયા હતા. ઝવેરીબજારના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટયા પછી નવેસરથી ઉછળતાં તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ થતા સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ ફરી ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તેજીનો ચમકારો નવેસરથી દેખાયો હતો. વિશ્વબજારના સમાચાર મુજબ વૈશ્વિક સોનાના ભાવ ઔંશના જે ઉંચામાં ૩૫૦૦ ડોલરના નવા ઉંચા શિખરે પહોંચ્યા હતા. તે ત્યારબાદ ટોચ પરથી ગબડી નીચામાં ૩૨૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. તે ત્યારબાદ ફરી ઉછળી ઉંચામાં ૩૪૦૦ ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ત્યારબાદ વૈશ્વિક સોનાના ભાવ ફરી ઉંચેથી ઘટી નીચામાં ૩૪૦૦ ડોલરની અંદર ઉતરી ૩૩૩૫થી ૩૩૪૦ ડોલર સુધી ટ્રેડ થતા તાજેતરમાં જોવા મળ્યા હતા.
વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનાં વૈશ્વિક ઈન્ડેક્સની બેતરફી વધઘટના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં પણ બેતરફી ઉછળકુદ થતી રહી છે એવું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૯ તથા ઉંચામાં ૧૦૦ની સપાટી વચ્ચે અથડાતો જોવા મળ્યો છે તથા તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોની લે- વેચ થતી રહી છે. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધે છે તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો ફરી સોનું વેંચવા નિકળે છે, એવું વિશ્વબજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં થતી વધઘટની અસર પણ વૈશ્વિક સોના પર દેખાઈ છે. વિશ્વબજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા છે. ચાંદીના વૈશ્વિક ભાવ ઔંશના ૩૨થી ૩૩ ડોલર વચ્ચે ફરતા જોવા મળ્યા છે. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ નીચામાં ૯૦૦ ડોલર તથા ઉંચામાં ૧૦૦૦ ડોલર વચ્ચે અથડાતા રહ્યા છે. પેલેડીયમના ભાવમાં પણ પ્લેટીનમ જેવી વધઘટ દેખાઈ છે. ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ વોરના બદલે હવે વેપાર કરારનો તખ્તો ગોઠવાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા અને તેના પગલે વિશ્વબજારમાં સોનામાં સેફ હેવન સ્વરૂપની લેવાલી ધીમી પડી છે અને આવા માહોલમાં વૈશ્વિક સોનામાં ઉછાળા ટકતા નથી તથા ઉભરા જેવા નિવડતા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ચીનમાં અર્થતંત્રને પીઠબળ આપવા ત્યાં સરકારે વ્યાજ દરમાં ઘટાડો કરવા ઉપરાંત રિઝર્વ રેશિયો પણ ઘટાડયાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા.
દરમિયાન, કાશ્મીરમાં પાકિસ્તાનના ત્રાસવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનના ત્રાસવાદીઓના વિસ્તારમાં હવાઈ હુમલાઓ કર્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે અને તેની અસરે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો છે. રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૫ની સપાટી ફરી પાર કરી ગયાના સમાચાર આવ્યા હતા. ડોલર ઉંચકાતાં તથા રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે અને તેની અસર પણ દેશના ઝવેરીબજારો પર તેજી તરફી દેખાઈ હતી. દરમિયાન અમેરિકાથી મળતા સમાચાર મુજબ ત્યાં ફેડરલ રિઝર્વની તાજેતરમાં મળેલી મિટિંગમાં વ્યાજના દર જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વ્યાજ દરમાં ઘટાડો કરવાની હાકલ તાજેતરમાં ફેડરલ રિઝર્વને કરી હતી પરંતુ ફેડરલ રિઝર્વના અધ્યક્ષના જણાવ્યા મુજબ અમેરિકામાં ટેરીફ વૃધ્ધિ વચ્ચે ફુગાવો ઉંચો ગયો છે એવી સ્થિતિમાં હાલ તુરત ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરાય એવા સંજોગો નથી. જોકે વૈશ્વિક સૂત્રોના જણાવ્યા મુજબ ત્યાં મોટાભાગે જુલાઈ મહિનામાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા હાલ જણાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી તાજેતરમાં વધારવામાં આવી છે અને તેના પગલે વિશ્વબજારમાં સોનાના ભાવમાં તેજીના આંતરપ્રવાહો જળવાઈ રહ્યા છે. ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં ગોલ્ડનું મુલ્ય વધ્યુ ંછે. વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં સોનાના ભાવ આગળ ઉપર વધી ઉંચામાં ઔંશના ૩૭૦૦ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. અમુક જાણકારો તો ૪૦૦૦ ડોલરનો ભાવ થશે એવી આગાહી પણ કરતા થઈ ગયા છે. આમ થશે તો દેશના ઝવેરીબજારોમાં ઘરઆંગણે સોનાના ભાવ વધુ ઉછળી સવાથી દોઢ લાખ રૂપિયા બોલાય તો નવાઈ નહિં એવી ગણતરી પણ ઝવેરીબજારમાં બતાવાઈ રહી છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઉંચા મથાળે બેતરફી વધઘટે અથડાતા રહ્યા હોવાના સમચારા મળ્યા હતા.