- 2025માં સ્મોલ, મિડ કેપ શેરોમાં બહુમતી રોકાણકારોને નેગેટીવ વળતરે નિરાશા મળી
- મેટલ, ઓટો, ફાઈનાન્શિયલ શેરો ટોપ પરર્ફોમર નીવડયા : રિયાલ્ટી, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, સ્મોલ કેપ ટોપ લુઝર્સ
કેલેન્ડર વર્ષ ૨૦૨૫ વૈશ્વિક મોરચે અનેક પડકારો વચ્ચે વિદાય લઈ રહ્યું છે. યુક્રેન-રશીયા યુદ્વનો હજુ અંત આવ્યો નથી. ઈઝરાયેલ-હમાસ-ઈરાન યુદ્વનો વિરામ છતાં હજુ ટેન્શન યથાવત છે. ટ્રમ્પના ટેરિફ યુદ્વે વિશ્વના અર્થતંત્રને ડામાડોળ કરી મૂક્યું છે. ટેરિફ થકી અમેરિકાને સંકટમાંથી બહાર કાઢવાના ટ્રમ્પના પ્રયાસોમાં સફળતા હજુ દૂર દૂર દેખાઈ રહી નથી. આ પરિબળો વચ્ચે ભારતે ટેરિફની અસર ખાળવા ઘરઆંગણે જીએસટી-ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્ષ માળખામાં ધરમૂળ ફેરફારો કરીને ઉદ્યોગો, ગ્રાહકોને મોટી રાહત આપતાં અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના સતત રોકાણ પ્રવાહ થકી ભારતીય શેર બજારોમાં વર્ષ ૨૦૨૫નો ઉતરાર્ધ સેન્સેક્સ, નિફટીને નવા શિખરે લઈ જવામાં સફળ રહ્યો છે. પરંતુ જાણે સેન્સેક્સ, નિફટીની મેનેજ કરવામાં આવ્યા હોય એમ વર્ષ ૨૦૨૫ના ઉતરાર્ધમાં સેક્ટરલ ધોરણે ખાસ રોકાણકારોનો મોટો વર્ગ જે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે રોકાણ કરી ચૂકેલો છે એ વર્ગમાં નિરાશા છવાયેલી જોવાઈ છે. વળતરમાં આ વર્ગના ચહેરા પર અનેક શેરોમાં નેગેટીવ વળતરનો વસવસો સ્પષ્ટ જોવાઈ રહ્યો છે.
સેકેન્ડરી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની રેકોર્ડ રૂ.૧.૫૫ લાખ કરોડના શેરો વેચીને ડોલર ઘરભેગા કરવાના પરિણામે બજારે તેની વાસ્તવિક રોનક ગુમાવી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખાસ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ થકી શેરોમાં અવિરત ખરીદી કર્યા છતાં આ ખરીદી બજારને જોઈતો સપોર્ટ કે રોકાણકારોની ખુશી પાછી લાવવામાં નિષ્ફળ રહી છે. પ્રાઈમરી માર્કેટમાં ખાસ ઈક્વિટી આઈપીઓ થકી ઘણી મધ્યમથી મોટી કંપનીઓ મૂડી બજારમાં આવીને રૂ.૧.૭૭ લાખ કરોડ જેટલી મૂડી ઉલેચી ગઈ છે. પરંતુ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓમાં રોકાણકારોને વળતરમાં લિસ્ટિંગ ગેઈનમાં ઘણા આઈપીઓમાં નિરાશા હાથ લાગી છે. લિસ્ટિંગ બાદ પણ ઘણા આઈપીઓના શેરોના ભાવો ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં ઈન્વેસ્ટરોનો ઉત્સાહ વર્ષાંતે ઓસરતો જોવાયો છે.
સેન્સેક્સમાં વર્ષ ૨૦૨૫માં ૮.૮૩ ટકાનું વળતર અને નિફટી-૫૦ ઈન્ડેક્સમાં ૯.૬૮ ટકાનું વળતર નોંધાયું છે. સેન્સેક્સ જે ૩૧, ડિસેમ્બર ૨૦૨૪ના ૭૮૧૩૯.૦૧ સપાટીએ હતો, એ વર્ષ ૨૦૨૫ના અંતે ૨૬, ડિસેમ્બર ૨૦૨૫ના ૮૫૦૪૧.૪૫ રહ્યો છે. આજ પ્રમાણે નિફટી-૫૦ ઈન્ડેક્સ જે ૩૧, ડિસેમ્બર ૨૦૨૪ના ૨૩૭૪૩.૯૦ની સપાટીએ હતો, એ વર્ષ ૨૦૨૫ના અંતે ૨૬, ડિસેમ્બર ૨૦૨૫ના ૨૬૦૪૨.૩૦ની સપાટીએ રહી ૯.૬૮ ટકાની વૃદ્વિ નોંધાવી છે. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં એકંદર નિરૂત્સાહ જોવાયો છે. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ વર્ષ દરમિયાન ૫૫૧૮૧ની સપાટીથી ૭ ટકા ઘટીને ૫૧૩૧૮ની સપાટીએ રહ્યો છે. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ સાધારણ મજબૂતી સાથે સ્થિરતા બતાવી ૪૬૪૪૫ની સપાટીથી ૦.૫૯ ટકા વધીને ૪૬૭૨૧ની સપાટીએ રહ્યો છે.
સેકન્ડરી માર્કેટમાં સેક્ટરલ વળતરમાં વર્ષાંતે તુલનાત્મક રીતે જોઈએ તો રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌથી નબળો દેખાવ રહી બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩૧, ડિસેમ્બર ૨૦૨૪ની ૮૨૩૪ની સપાટીથી ૧૬.૮ ટકા ઘટીને ૨૬, ડિસેમ્બર ૨૦૨૫ના ૬૮૫૧ લેવલે રહ્યો છે. જ્યારે બીએસઈ ઈન્ફોર્મેશન ટેકનોલોજી-આઈટી ઈન્ડેક્સ ૪૩૧૮૮ લેવલથી ૧૩.૩૬ ટકા ઘટીને ૩૭૪૨૦ લેવલે રહ્યો છે. આ સિવાય પાવર શેરોમાં નેગેટીવ વળતર સાથે બીએસઈ પાવર ઈન્ડેક્સ ૬૯૬૬ લેવલથી ૭ ટકા ઘટીને ૬૪૮૭ લેવલે, કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૪૩૬ લેવલથી ૭ ટકા ઘટીને ૫૯૯૩૩ લેવલે અને કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૪૪૩૬ થી ૭ ટકા ઘટીને ૫૯૯૩૩ લેવલે આવી ગયા છે. ટોપ પર્ફોર્મર સેક્ટરમાં મેટલ શેરોમાં તુલનાત્મક મોટી વૃદ્વિ જોવાઈ છે. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૮૯૨ લેવલથી ૨૩.૪૨ ટકા વધીને ૩૫૬૫૯ લેવલે અને ત્યાર બાદ ઓટો સેક્ટર ઈન્ડેક્સ ૫૧૬૬૩થી ૧૯.૨૫ ટકા વધીને ૬૧૬૧૦ લેવલે રહ્યા છે. ફાઈનાન્શિયલ સર્વિસિઝ સેકટર ઈન્ડેક્સ પણ ૧૧૩૮૪થી ૧૫.૦૨ ટકા વધીને ૧૩૦૯૪ લેવલે રહ્યા છે. બેંકેક્સ ૫૭૭૪૨થી ૧૪.૨૮ ટકા વધીને ૬૫૯૯૦ લેવલે રહ્યા છે.

જંગી વોલેટિલિટી ધરાવતા બિટકોઈને ૧,૨૬,૦૦૦ ડોલરની ઐતિહાસિક સપાટી બતાવી
જોખમી એસેટસ ગણાતી મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈને વિતી રહેલા વર્ષના ઓકટોબરમાં ૧,૨૬,૦૦૦ ડોલરથી વધુની નવી ટોચ દર્શાવી રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. ૨૦૨૪ના અંતે બિટકોઈન ૯૧૩૮૪ રહ્યો હતો. વીતિ રહેલા વર્ષમાં રોકાણકારોના ક્રિપ્ટોેકરન્સીઝના એકંદર હોલ્ડિંગમાં ૮.૧૦ ટકા હોલ્ડિંગ બિટકોઈનનું રહ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીઝની તરફેણમાં પોલિસી ઘડી કાઢશે અને નિયમનકારી બોજા હળવા રાખશે તેવી ગણતરી સાથે વર્તમાન વર્ષમાં બિટકોઈનમાં જંગી રેલી જોવા મળી હતી અને એક તબક્કે વર્તમાન વર્ષમાં બિટકોઈનમાં ૪૦ ટકા જેટલુ વળતર છૂટતુ હતું. ૨૦૨૪ના નવેમ્બરમાં ટ્રમ્પના વિજય બાદ ક્રિપ્ટોકરન્સીઝ બજારને લઈને રોકાણકારોના માનસમાં સુધારો જોવાયો હતો.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, એકસઆરપી, કારડાનો, અવલાન્ચમાં પણ સુધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ આવેલા એક અહેવાલમાં દેશની ક્રિપ્ટોકરન્સી બજારમાં સંસ્થાકીય રોકાણકારોના સહભાગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાનું જણાવાયું હતું. મુડરેકસ, ઝેબપે, કોઈનસ્વિચ જેવા દેશના ક્રિપ્ટો એકસચેન્જમાં વર્તમાન વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટસમાં ૩૦થી ૫૦ ટકા જેટલો વધારો થયો છે.

ટેરિફ પડકાર વચ્ચે જીડીપીમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતે સ્થિતિ મજબૂત બનાવી
વિશ્વના મોટાભાગના દેશો સામે ૨૦૨૫માં પણ રાજકીયભૌગોલિક પડકારો ચાલુ રહ્યા હતા ત્યારે ટ્રમ્પ દ્વારા ટેરિફ વસૂલવાનું શરૂ કરાતા મોટાભાગના દેશોના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી) આંક નબળા જોવા મળી રહ્યા છે પરંતુ ભારતના જીડીપી આંક ૭.૫૦ ટકાથી ઉપર જોવા મળી રહ્યા છે. ઘરઆંગણે આવકવેરામાં રાહત તથા જીએસટીમાં ઘટાડાને કારણે માગમાં વધારો જોવા મળ્યો છે જેને પગલે જીડીપી આંક ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો જીડીપી આંક ૮.૨૦ ટકા સાથે અપેક્ષા કરતા સારો આવ્યો હતો જેને પરિણામે વિશ્વની મોટાભાગની રેટિંગ એજન્સીઓએ ભારત માટેના પોતાના જીડીપી અંદાજમાં વધારો કરવાની ફરજ પડી છે.
૨૦૨૫માં સારી સ્થિતિ ઉપરાંત દેશનો ૨૦૨૬નો જીડીપી આંક પણ વિવિધ એજન્સીઓ દ્વારા ઊંચો મૂકવામાં આવી રહ્યો છે. વર્લ્ડ બેન્કે ૬.૫૦ ટકા જ્યારે એડીબીએ ૬.૭૦ ટકા તથા આઈએમએફ જેવી વૈશ્વિક સંસ્થા દ્વારા ૬.૨૦ ટકા જીડીપી અંદાજ મુકાયો છે.
રૂની આયાતમાં નોંધાયેલી વૃદ્ધિઃ સરકારે કપાસની ઈમ્પોર્ટ ડયુટી દૂર કરી!
રૂ બજાર તથા કાપડ અને ગારમેન્ટ બજાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિદાય લેતું વર્ષ વિવિધ ઘટનાઓ વચ્ચે પસાર થયું હતું. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સરકારે કપાસની ઈમ્પોર્ટ પરની ૧૧ ટકાની ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કર્યા પછીના ગાળામાં દેશમાં રૂની આયાતમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી હતી. તથા બજારમાં રૂના ભાવ પણ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. દેશમાં ૨૦૨૪-૨૫માં રૂનું ઉત્પાદન ૨૯૭ લાખ ગાંસડી થયું હતું.
તથા કોટન કોર્પોરેશને ૧૦૦ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી આવી ખરીદી તાજેતરમાં નોંધપાત્ર વધી હતી. ૨૦૨૩-૨૪માં રૂનું ઉત્પાદન ૩૨૫ લાખ ગાંસડી તથા સીસીઆઈની ખરીદી ૩૨થી ૩૩ લાખ ગાંસડી નોંધાઈ હતી. દેશમાં રૂની આયાત વધતાં સ્પેશીયલ વેરાઈટી ધરાવતું રૂ દેશમાં વધુ ઉપલબ્ધ થતું પણ દેખાયું હતું તથા નિકાસ લક્ષી કાપડ ઉત્પાદનમાં પણ વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
જો કે આયાત વધતાં તથા સરકારી ખરીદી અપેક્ષાથી ધીમી રહેતાં રૂના બજાર ભાવ દબાણ હેઠળ રહેતાં રૂ ઉગાડતા ખેડૂતોમાં નારાજગી પણ દેખાઈ હતી.
ભારતમાં કોટન આયાત વધી ૫૦ લાખ ગાંસડીને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારત તથા બાંગલાદેશ વચ્ચે તાજેતરમાં તંગદીલી વધતાં તથા સંબંધો વણસતા બાંગલાદેશ દ્વારા ભારતના બદલે બ્રાઝીલથી રૂની આયાત કરવાનું શરૂ કર્યાના વાવડ પણ વર્ષ દરમિયાન મળ્યા હતા.


