Get The App

દેશમાંથી બાસમતી સિવાયના ચોખાની નિકાસમાં 80 લાખ ટનની વૃધ્ધિ વચ્ચે રેકોર્ડ સર્જાયો

Updated: Jul 4th, 2021

GS TEAM

Google News
Google News
દેશમાંથી બાસમતી સિવાયના ચોખાની નિકાસમાં 80 લાખ ટનની વૃધ્ધિ વચ્ચે રેકોર્ડ સર્જાયો 1 - image


- નવી વધુ ઊંચી પેદાશ આપતી ચોખાની જાત વિકસાવાતાં આવી નિકાસમાં આગામી સમયમાં વધુ વૃધ્ધિની સર્જાયેલી શક્યતા

દે શમાંથી ચોખાની નિકાસ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણોમાં વિરોધાભાસી માહોલ જોવા મળ્યો છે. એક બાજુ વૈશ્વિક વેપારમાં માલોની હેરફેર દરીયાઈમાર્ગે કરતા કાર્ગો જહાજોના ભાડામાં તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે અને તેના પગલે દેશમાંથી થતી ચોખાની નિકાસ પર તેની અસર જોવા મળી છે ત્યારે બીજી તરફ ચોખાના નિકાસકારો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. ચોખાની એક નવતર પ્રકારની જાત વિકસાવવામાં આવી છે તેના પગલે નોન- બાસમતી ચોખાની નિકાસને વેગ મળશે એવી ગણતરી બજારના જાણકારો તાજેતરમાં બતાવી રહ્યા હતા.

ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા આ નવી જાત વિકસાવવામાં આવી છે. દક્ષિણ તરફના તથા પૂર્વ તરફના વિસ્તારોમાં સામ્બા મસૂરી ચોખાનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે અને આવા સામ્બા મસૂરી પર પરીક્ષણ કરીને તેમાં અપગ્રેડેશન તથા સુધારા- વધારા કરીને પુલા- સામ્બા ૧૮૫૦ના નામની એક નવી ચોખાની જાત વિકાસવવામાં આવી છે. દક્ષિણ ભારતના આંધ્ર- પ્રદેશ રાજ્યમાં આવેલા નેલોર જીલ્લાના અમુક ખેડૂતોએ આ વર્ષે એપ્રિલ મહિનામાં આ નવા પ્રકારના ચોખાનું વાવેતર કર્યાના સમાચાર આવ્યા છે. આ પ્રકારના ચોખામાં હેકટરદીઠ સરેરાશ આશરે ચાર ટન જેટલા ચોખાની ઉપરજ મળતી હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે. પુલા સામ્બા મસૂરી ચોખાને બીપીટી ૫૨૦૪ ચોખા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેને અપગ્રેડ કરીને વિકસાવવામાં આવેલી ઉપરોક્ત નવતર ચોખાની જાતને પુલા સામ્બા ૧૮૫૦ તરીકે ઓળખવામાં આવે છે.

પુલા સામ્બા મસુરી જાતના ચોખાનું વાવેતર દક્ષિણ ભારતમાં સામ્બા સિઝન નવેમ્બરથી માર્ચ દરમિયાન કરવામાં આવે છે તથા આવા ચોખાની દરીયાપાર નિકાસ પણ નોંધપાત્ર થાય છે. ઉત્તર પ્રદેશમાં મથુરા જીલ્લાના અમુક ખેડૂતોએ પણ હવે ખરીફ મોસમમાંનવા શોધી કાઢવામાં આવેલા પુલા- સામ્બા ૧૮૫૦ પ્રકારના ચોખાનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. આ નવા પ્રકારના ચોખામાં હેકટરદીઠ ઉપજ વધુ મળશે. ઉપરાંત જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે એવી ગણતરી કૃષીક્ષેત્રે બતાવાઈ રહી છે. આ ચોખામાં ફિલ્ડ ટ્રાયલમાં હેકટરદીઠ ઉપજ ૪ થી કરીને ઉંચામાં ૭ ટન સુધી મળ્યાના નિર્દેશો મળ્યા હતા.

સામ્બા મસૂરીની સરખામણીએ અપગ્રેડ કરાયેલી નવી જાત ખેડૂતો માટે વિશેષ ઉપયોગ બની રહેવાની શક્યતા ચર્ચાઈ રહી છે. સામ્બા મસૂરી ૧૯૮૯માં વિકસાવવામાં આવ્યા હતા અને હવે તેની અપગ્રેડ જાત આ વર્ષે વિકસાવાઈ છે. દેશમાં નેશન્સ સીડચેઈનમાં હાલ આશરે ૩૨૦ જેટલા ચોખાની વિવિધ જાતો ઉપલબ્ધ રહી છે. કર્ણાટકના અમુક વિસ્તારોમાં ફિલ્ડ ટ્રાયલમાં નવા ચોખાના વાવેતરમાં હેકટરદીઠ ૯.૩૦ ટન જેટલી ઉંચી ઉપજ પણ મળી હોવાના નિર્દેષો મળ્યા છે.

નવા પ્રકારના ચોખામાં ઉત્પાદન વૃધ્ધિ મેળવી શકાશે તો દેશમાંથી ચોખાની થતી નિકાસને વેગ મળી શકશે જેવી આશા બજારના જાણકારો બતાવી રહ્યા છે. દેશમાંથી ૨૦૨૦- ૨૧માં નોન- બાસમતી ચોખાની નિકાસ વધી ૧૩૦ લાખ ટનની સપાટી વટાવી ગઈ છે. નિકાસનો આ આંકડો રેકોર્ડ ગણાય છે અને નવી જાતના ચોખાથી આ રેકોર્ડ હજી વધુ આગળ વધી શકે તેમ છે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. ભારતમાંથી નોન- બાસમતી ચોખાની નિકાસ ૨૦૧૯- ૨૦માં આશરે ૫૦થી ૫૧ લાખ ટન જેટલી થઈ હતી. તે ઝડપી વધી ૨૦૨૦- ૨૧માં આશરે ૧૩૦થી ૧૩૧ લાખ ટન સુધી પહોંચી છે.

નોન- બાસમતી ચોખાની નિકાસનું કુલ મુલ્ય ૨૦૧૯- ૨૦માં આશરે રૂ.૧૪ હજાર ૪૦૦ કરોડ રૂપિયા હતું તે વધી ૨૦૨૦- ૨૧માં આશરે ૩૫ હજાર ૪૪૮ કરોડ રૂપિયા નોંધાયું છે. આગળ ઉપર નવી જાતના ચોખાનું વાવેતર વધશે તો આવી નિકાસમાં નવા રેકોર્ડ સર્જાવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. દરમિયાન, ચોખાની નિકાસ ૭ેત્રે એખ બાજુ આ સારા સમાચાર આવ્યા છે ત્યારે બીજી બાજુ નબળા સમાચાર એવા પણ આવ્યા છે કે દરીયાપાર દરીયાઈ માર્ગે મોકલાતા માલોની હેરફેર કરતા જહાજોના ભાડામાં ખાસ્સી વૃધ્ધિ થઈ છે અને તેની અસર હાલ તુરત ચોખાની નિકાસ પર જોવા મળી છે.

આવા જહાજી ભાડા  ૧૧થી ૧૨ મહિનાના ગાળામાં વધી તે આશરે બમણા થઈ ગયા છે. જહાજી ભાડા વધતાં ભારકતથી ખાસ કરીને આફ્રીકાના દેશોમાં થતી ચોખાની નિકાસ પર પ્રતિકૂળ અસર પડવાની ભીતી નિકાસ બજારમાં વર્તાતી થઈ છે. ધી રાઈસ  એક્સપોર્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ આફ્રીકાના દેશો આવા માહોલમાં વેઈટ એન્ડ વોચના મુડમાં આવવાની શક્યતા છે. ભારતમાંથી નોન- બાસમતી ચોખાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૫૩થી ૫૪ ટકા જેટલી નિકાસ આફ્રીકાના દેશો તરફ થતી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભારતથી આફ્રીકાના દેશોમાં આવી નિકાસ ૨૦૨૦- ૨૧ના વર્ષમાં આશરે ૨.૫૯થી ૨.૬૦ અબજ ડોલર જેટલી થઈ છે.

આવી નિકાસમાં હવે ઉંચા જહાજી ભાડાઓના પગલે વૃધ્ધિને બ્રેક લાગી છે. ૧૧થી ૧૨ મહિના પૂર્વે ભારતથી આફ્રીકા તરફ માલ મોકલવાના જહાજી ભાડા ટનદીઠ આશરે ૪૪થી ૪૫ ડોલર રહ્યા હતા તે હવે વધીને ૧૧૪થી ૧૧૫ ડોલર થઈ ગયા છે. ભારતમાંથી નોન- બાસમતી ચોખાની વિયેતનામ દ્વારા થતી ખરીદીને પણ તાજેતરમાં બ્રેક લાગ્યાના વાવડ મળ્યા છે.   દરમિયાન, ભારતમાં ચોખા (ડાંગર)ના ટેકાના ભાવ તાજેતરમાં સરકારે વધાર્યા છે.  આવા ટેકાના ભાવ કિવ.ના રૂ.૭૨ વધારીને સરકારે રૂ.૧૯૪૦ કર્યા છે. દશમાં ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન વધીને આશરે ૧૦૪૨થી ૧૦૪૩ લાખ ટન જેટલું થશે એવી ગણતરી સરકારી સૂત્રો બતાવી રહ્યા છે.

Tags :