Get The App

ઉર્જા ક્ષેત્રના સુધારા - 'પરંપરાગત (Renewable) વીજળી ઉપર ભવિષ્ય

Updated: Oct 29th, 2023

GS TEAM

Google News
Google News
ઉર્જા ક્ષેત્રના સુધારા - 'પરંપરાગત (Renewable) વીજળી ઉપર ભવિષ્ય 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

- પર્યાવરણની જાળવણીમાં બિન પરંપરાગત ઊર્જાનો ઉપયોગ જરૂરી

ગતાંકથી ચાલુઃ-

આપણે ગયા બે લેખથી વીજળીના મહત્વ અંગે અને તે અંગેની વિકાસમાં ભુમિકા સાથે ટેકનીકલ અને કોમર્શીયલ બાબતોનું નિરૂપણ કર્યું અને જેમાં મોટા ભાગે ૭૫% સુધી વીજ ઉત્પાદન Fossil fuel એટલે કે કોલસા આધારિત વીજમથકો દ્વારા થાય છે તેમાં કુદરતી સંશાધનોના ઉપયોગ સાથે પર્યાવરણનો મુખ્ય મુદ્દો છે. 

વિશ્વમાં કે ભારત અને ગુજરાતમાં જોઈએ તો દિન પ્રતિદિન જે રીતે માથાદીઠ (Per capital) વીજળીનો વપરાશ વધી રહ્યો છે તે જોતાં અને અનિવાર્યતાને ધ્યાનમાં લેતાં વીજળી સિવાયનું માનવજીવન અને વિકાસ અને તે સાથે ટેકનોલોજીના ઉપયોગમાં વીજળી એ અગત્યનું અંગ બની ગયુ છે અને કોલસા આધારિત વીજઉત્પાદનની અનિવાર્યતા સાથે પર્યાવરણ મુદ્દાને ધ્યાનમાં લઈ વિશ્વકક્ષાએ જે સમિટ મળે છે તેમાં કાર્બન ઉત્સર્ગને કઈ રીતે રોકવો / અટકાવવો તે અંગે Protocol અને કરારો થાય છે. પરંતુ વાસ્તવમાં અપેક્ષિત રીતે લક્ષ્યાંકો સિધ્ધ થતા નથી. આપણા પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ભારત સરકાર દ્વારા અગાઉ ઉર્જા વિભાગ સાથે જ આ વિષય હતો પરંતુ વિશેષ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરવા અલગ મંત્રાલય Ministry of Renewable Energy વિભાગ શરૂ કરવામાં આવ્યા છે અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો સમગ્ર દેશમાં ગુજરાત એવુ રાજ્ય હતું કે પરંપરાગત વીજળી માટે GEDA – Gujarat Energy Development Agency સ્થાપવામાં આવેલ અને તેનો શ્રેય વડોદરાના જ્યોતિ લીમીટેડના ચેરમેન નાનુભાઈ અમીનને જાય છે. 

ભારત સરકાર દ્વારા ૨૦૩૦ સુધીમાં હાલની જે વીજ ઉત્પાદન ક્ષમતા છે તેમાં ૫૦% વીજળી Renewable Energyના માધ્યમથી પેદા કરવાની પ્રતિબધ્ધતા(Pledge) દર્શાવી છે અને તે મુજબ તબક્કાવાર કોલસા આધારીત વીજઉત્પાદનમાં ઘટાડો કરી પવન, સૌર, બાયોગેસ વિગેરેના માધ્યમથી પેદા કરવાનો નિર્ધાર છે અને તે મુજબ ગુજરાત સરકારે અનેક નિતીઓ ઘડી છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો અને Wind Velocity જોતાં પવન આધારિત (Wind Energy) વીજળી પેદા કરવાની ક્ષમતા છે. તે જ રીતે સૌર (Solar) ઉર્જા માટે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ક્ષમતા છે. 

ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને તામીલનાડુમાં સૌર ઉર્જા અંગેની ક્ષમતાઓ વધારે રહેલી છે. હાલના આંકડાઓ મુજબ રાજસ્થાન પછી બીજા નંબરે ગુજરાત સૌર ઉર્જા પેદા કરે છે અને જે રીતે ગુજરાત સરકારે તાજેતરમાં Gujarat Renewal Policy-૨૦૨૩ બહાર પાડી છે તે જોતાં ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે પ્રથમ રાજ્ય હશે. દેશમાં ગુજરાતમાં સૌ પ્રથમ પાટણ જીલ્લાના 'ચારણકા' ખાતે મોટામાં મોટો સોલારપાર્ક બનાવવામાં આવેલ ખાસ કરીને પાટણ, બનાસકાંઠા, કચ્છમાં વધારેમાં વધારે સૌર ઉર્જાની ક્ષમતા રહેલી છે એટલે ખાનગી મુડી રોકાણ કરવા માંગતા અથવા તો જે ઉદ્યોગ / ધંધા માટે જેમને વધુ વીજવપરાશ હોય તે પવન અથવા સૌર (Wind and Solar)ના માધ્યમથી વીજળી પેદા કરી પોતાના માટે ઉપયોગ કરી શકે અથવા રાજ્યની ઉર્જા કંપનીઓને પણ આપી શકે તેવા ઉદ્દેશ સાથે Gujarat Renewalle Energy Policy-૨૦૨૩ રાજ્ય સરકારના ઉર્જા વિભાગના તા. ૪/૧૦/૨૦૨૩ના ઠરાવ નં.REN/E-File/૨૦/૨૦૨૩/૬૭૪૬/B૧ અન્વયે બહાર પાડવામાં આવેલ છે અને તે મુજબ ૨૦૩૦ સુધીમાં ૫૦% ટારગેટને સિધ્ધ કરવા ૫ લાખ કરોડનું મુડીરોકાણ અને ૪ લાખ એકર જેટલા વિસ્તારમાં ૩૬ (Gw) ગીગાવોટ જેટલી સૌર અને ૧૩૬ (Gw) ગીગાવોટ જેટલી પરંપરાગત (Renewable) વીજળી પેદા કરવાની ક્ષમતા છે તેને અનુરૂપ ૨૦૨૩ની નિતી ઘડવામાં આવી છે આ નિતીના જુદા જુદા ઉદ્દેશો છે તેમાં દિવસ દરમ્યાન ખેડુતોને વીજળી આપવા માટેનો પણ છે. ગુજરાત સરકારે 'કિશાન સુર્યોદય યોજના' જાહેર કરી છે પરંતુ સમગ્ર રાજ્યમાં તમામ ખેત વિષયક ફીડરો ઉપર દિવસ દરમ્યાન વીજળી આપવાની થાય તો પવન / સૌર ઉર્જાના ઉત્પાદન સાથે ટેકનીકલ દ્રષ્ટિએ Power Evacuate કરવા માટે ટ્રાન્સમીશન સીસ્ટમ દ્વારા ૬૬ ણફ સબસ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે. 

ગુજરાતની પરંપરાગત નિતી ૨૦૨૩ (Renewal Energy) અંતર્ગત કોઈપણ વ્યક્તિ, કંપની, Body, Association સોલર / પવન અથવા સોલર-પવન હાઈબ્રીડ ટેકનોલોજીથી ઉર્જા ઉત્પાદન કરી શકાય છે. આ અંગે કોઈ મર્યાદા નથી કોઈપણ ખાનગી ઉદ્યોગકાર પોતાના વીજવપરાશ જેટલી (Captive) અથવા વધારે પણ કરી શકે છે. આ નિતીમાં સોલાર પાર્ક સ્થાપવાની જોગવાઈ છે તેમાં ઓછામાં ઓછો ૫ મેગાવોટ પાવર ઉત્પાદિત કરવાનો છે. આ પાર્ક ખાનગી જમીનમાં થઈ શકે છે અથવા તો જે જગ્યાએ સરકારી જમીનો ઉપલબ્ધ છે ત્યાં ઉર્જા વિભાગની ભલામણ અનુસાર મહેસુલ વિભાગ દ્વારા જમીન ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

પવન / સૌર ઉર્જા જે ઉત્પાદન કરવામાં આવે તેને ટ્રાન્સમીટ કરવા માટે ટ્રાન્સમીશન કંપની (GETCO) દ્વારા કરવા માટે જરૂરી મંજુરી લેવાની છે અને તે અંગે રાજ્યસરકાર દ્વારા જે પ્રવહન Charges (Wheeling) મંજુર કરવામાં આવે તે ભરપાઈ કરવાનો છે. વધુમાં જે ઉર્જા પેદા કરવામાં આવે તેનું વેચાણ કરવા માટે ઉત્પાદક પોતાના ઉપયોગ માટે અથવા તો રાજ્ય સરકાર હસ્તકની વીજવિતરણ કંપનીઓને (DISCOMs) આપી શકે છે. 

આ અંગે ઊર્જા વિકાસ નિગમ (GUVNL) દ્વારા સ્પર્ધાત્મક ધોરણે (Competitive Bidding) Bids  - હરાજી પધ્ધતિ અનુસરવામાં આવે છે અને તે રીતે લાંબાગાળાના PPA – Power Purchase Agreement કરવામાં આવે છે. આમ Renewable Energy તરીકે પવન અને સૌર ઉર્જા ક્ષેત્રનું મહત્તમ સ્ત્રોત ગુજરાતમાં છે અને તેને અનુલક્ષીને ગુજરાતની નિતી ૨૦૨૩ ઘડવામાં આવી છે આ નિતીના અમલીકરણ માટે રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ હસ્તકના GUVNL ને નક્કી કરવામાં આવ્યા છે તે જ રીતે નિતીના અર્થઘટન અંગે ઉર્જાવિભાગને સત્તાઓ આપવામાં આવી છે. આ અંગેનું વિવરણ આવતા સપ્તાહે કરવામાં આવશે.

(ક્રમશઃ)

Tags :