FOLLOW US

અલ નિનો દેશના આર્થિક વિકાસ સામે અવરોધક પરિબળ બની રહેશે

Updated: Mar 12th, 2023


- આઝાદીના 76 વર્ષ બાદ પણ દેશનું  કૃષિ ક્ષેત્ર કુદરતના ભરોષે રહ્યું છે

ક લાયમેટ ચેન્જ તથા ઊંચા તાપમાન બાદ વર્તમાન વર્ષના ચોમાસામાં અલ નિનોની સ્થિતિ દેશના કૃષિ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પાડી શકે છે, તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન દેશમાં ચોમાસુ સારુ રહેતા આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રની કામગીરી પ્રોત્સાહક જોવા મળી હતી. કોરોનાના કાળમાં દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા મહત્વની સાબિત થઈ હતી, પરંતુ મોટેભાગે ચોમાસાના વરસાદ પર આધાર રાખતા દેશના કૃષિ ક્ષેત્ર માટે ૨૦૨૩નું વર્ષ પડકારરૂપ બની રહેવાના ભણકારાં વાગવા લાગ્યા છે.

ફુગાવાને નીચે   લાવવા  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયથી નાણાં નીતિને સખત બનાવી રેપો રેટમાં વધારો કરી રહી છે, ત્યારે  વર્તમાન વર્ષના ચોમાસામાં અલ નિનોની સ્થિતિ જોવા મળવાના વરતારાથી ફુગાવા સામે રિઝર્વ બેન્કની કવાયત નિષ્ફળ જવાની શકયતા ઊભી થઈ છે. ૨૦૧૫માં અલ નિનોને કારણે વરસાદની ૧૩ ટકા ખાધ રહી હતી. અલ નિનોની સ્થિતિમાં દેશમાં મોટેભાગે દૂકાળ તથા વરસાદની અછત ઊભી થતી હોવાથી કૃષિ પાકોના ઉત્પાદન પર તેની અસર પડતા વાર નથી લાગતી.  અમેરિકાના નેશનલ ઓસિયેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આ વર્ષે અલ નિનોની સ્થિતિનો વરતારો કરાયો છે, જેને લઈને આગામી નૈઋત્યનું ચોમાસુ ભારત માટે કેવું રહેશે તેને લઈને નીતિવિષયકોમાં ચર્ચાઓ થઈ  રહી છે. 

મુખ્ય ખરીફ પાક ચોખા, મગ, તુવેર દાળ, સોયાબીન તથા મગફળીના માટે સારો  વરસાદ જરૂરી છે. ભારતમાં માંડ ૪૫ ટકા જેટલો પાક વિસ્તાર સિંચાઈ સુવિધા ધરાવે છે, ત્યારે વરસાદની ઘટ ખરીફ પાક પર અસર કરશે જેને કારણે દેશમાં આગામી નાણાં વર્ષમાં અનાજના ભાવ ભડકવાની શકયતા નકારાતી નથી.   જો કે હવામાન નિષ્ણાતોની વાત માનીએ તો,  અલ નિનો અને ચોમાસાના વરસાદને કોઈ સીધો સંબંધ નથી અને તેની મૂળ અસરનો આધાર અલ નિનો કયારે આકાર પામે છે તે સમય અને માત્રા પર રહે છે. ભારતમાં અલ નિનોની અસર કેવી રહેશે તેની સ્પષ્ટ જાણકારી એપ્રિલ-મેમાં ભારતીય વેધશાળાના આવનારા અનુમાન પર રહેશે. 

વરસાદની અસમાન  સ્થિતિમાં   અનાજ ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે ખાસ કરીને ચોખાનો પાક નીચો ઊતરી શકે છે જેને કારણે કૃષિ ક્ષેત્રના વિકાસ દર સામે ઘટાડા તરફી અને ખાધાખોરાકીના ફુગાવામાં વધારા તરફી જોખમ રહેલું છે. 

દેશ આઝાદીના  અમૃત કાળની ઉજવણી કરી  રહ્યો છે ત્યારે કૃષિ ક્ષેત્રએ સંપૂર્ણપણે ચોમાસા પર જ આધાર રાખવો પડી રહ્યો છે એ વસમી હકીકત છે. ૭૬ વર્ષ પૂર્વે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે દેશના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું પચાસ ટકા યોગદાન હતું જે આજે ઘટીને ૨૦  ટકા આસપાસ આવી ગયું છે. 

 દેશમાં  પંજાબ તથા હરિયાણા જેવા   સિંચાઈ સુવિધા સાથેના રાજ્યને બાદ કરતા મોટાભાગના રાજ્યોની કૃષિ આજે  પણ સંપૂર્ણપણે ચોમાસા પર જ નિર્ભર છે. કૃષિ ક્ષેત્રની નબળી કામગીરીએકંદર અર્થતંત્ર પર અસર કરે છે. 

  પાણીની ટંચાઈ કહો કે  સિંચાઈ વ્યવસ્થાનો અભાવ  હવે  દૂર કરવા  રહ્યા. કૃષિ  ક્ષેત્રના વિકાસ માટે  પાણીની ઉપલબ્ધતા માટેના  પગલાં અત્યંત જરૂરી છે.  દેશમાં  જળ સ્રોતનું સંચાલન ખેડૂતો માટે મોટો પડકાર છે. વ્યાપક સિંચાઈ સુવિધા કૃષિ માટે  વરસાદના પાણી પરની નિર્ભરતા દૂર  કરે છે. સિંચાઈ વ્યવસ્થાથી કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા તથા નફામાં વધારો જોવા મળી શકે છે. જળ સંચાલનની ટેકનોલોજીઓ થકી  પાણીના કૃષિ, ઉદ્યોગ તથા ઘરેલું વપરાશ માટે થતાં સંઘર્ષને ટાળી શકાય એમ છે  એટલું જ નહીં નવી ટેકનોલોજીઓનો ઉપયોગ તથા સક્ષમ જળ સંચાલન પદ્ધતિ નવી પેઢીને કૃષિ વ્યવસાય તરફ આકર્ષી શકશે. કૃષિ  પાકના વિકાસ માટે ચોમાસાના વરસાદની નિર્ભરતા ઓછી કરવામાં તેનાથી આવશ્યક મદદ મળશે, તે અલગ.વરસાદ ઉપરાંત હવે કલાયમેટ ચેન્જે પણ કૃષિ પાકોના ઉત્પાદન પર અસર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ઘઉંના ઉત્પાદન અંદાજમાં આવી પડેલા ઘટાડા બાદ તેની નિકાસ પર પ્રતિબંધથી  દેશના કૃષિ ક્ષેત્રની નબળી બાજુ જગ જાહેર થઈ છે. 

નેવુંના દાયકાના પ્રારંભથી શરૂ થયેલા આર્થિક સુધારાએ ભારતના ઉદ્યોગોને વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું છે પરંતુ કૃષિ ક્ષેત્રને વિશ્વ સ્તરે સ્થાન અપાવી  તેને ટકાવી રાખવા  ઘણા સુધારા કરવાની આવશ્યકતા છે. કૃષિ પ્રધાન દેશ હોવા છતાં કૃષિ ક્ષેત્રે વૈશ્વિક સ્પર્ધા સામે  આપણે ટકી શકતા નથી એ આપણી કમનશીબી છે. કૃષિ નિકાસમાં અસ્થિરતા એ આપણી નબળાઈ રહેલી છે. કૃષિ નિકાસ નીતિ ત્યારે જ સ્થિર રહી શકશે જ્યારે કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા રહેશે  અને આ ત્યારે જ શકય બનશે જ્યારે દેશનું કૃષિ ક્ષેત્ર વરસાદ કરતા સિંચાઈ પર વધુ નિર્ભર બનાવવામાં આવે. 

૧૯૫૦થી અત્યારસુધીમાં જુન, જુલાઈ તથા ઓગસ્ટમાં કુલ ૧૬ વખત અલ નિનોની સ્થિતિ જોવા મળી છે. છેલ્લા ૨૨માંથી આઠ વર્ષમાં ભારતમાં ચોમાસા દરમિયાન વરસાદની ખાધ જોવા મળી હતી. છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારુ રહ્યું હતું તેને જોતા વર્તમાન વર્ષમાં ચોમાસા દરમિયાન ખાધ જોવા મળવાની સંભાવના વધુ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. એક તરફ ઊંચા તાપમાન જ્યારે બીજી બાજુ વરસાદની સૂચિત ખાધ ભારતના કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ બની રહેવાની વકી છે ત્યારે અન્ન સલામતિની ખાતરીને સરકારે પ્રાધાન્ય આપવાની રહેશે. 


Gujarat
Magazines