Get The App

ગુજરાત જમીન પચાવી પાડવાના કાયદાનો અસરકારક અમલ જરૂરી

Updated: Dec 19th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાત જમીન પચાવી પાડવાના કાયદાનો અસરકારક અમલ જરૂરી 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ નોટીસ આપવાની જોગવાઈ છે અને કલમ-૨૦૨માં દબાણકર્તાને દૂર કરવાની જોગવાઈ છે

- સરકારી જમીનો / ગૌચરની જમીનો ઉપર દબાણ કરનારાઓ સામે પણ કાર્યવાહીમાં ઉદાસીનતા

જમીન સ્થાવર મિલ્કત તરીકે એક સંશાધન (Resource) સ્વરૂપે અગત્યનું સાધન છે. ખેતીવિષયક કે બિનખેતી વિષયક હેતુ માટે જમીનનો દિન પ્રતિદિન ખેત ઉત્પાદનની દ્રષ્ટિએ કે વિકાસના હેતુ કે જેમાં ઔદ્યોગિક, ધંધાકીય રહેણાંકના હેતુ માટે ઉપયોગ વધ્યો છે તે સાથે જમીન અને મિલ્કતના વ્યવહારોમાં કે જેમાં તબદીલી / વેચાણનો સમાવેશ થાય છે તેમાં ગેરકાયદેસર રીતરસમોનું આચરણ વધ્યું છે જેમાં ખોટા બાનાખત - forgery, fraud, છેતરપિંડી અનઅધિકૃત દબાણ, કબજો, ટાઈટલ વગરની જમીનોના વેચાણ વ્યવહાર વિગેરે સાથો સાથ સરકારી / ગૌચરની જમીનો ઉપરાંત સ્થાનિક સત્તા મંડળો નગરપાલિકા / મહાનગરપાલિકા / ગ્રામપંચાયત દ્વારા ધારણ કરેલ જમીનો, ટ્રસ્ટે ધારણ કરેલ જમીનો વિગેરેમાં પણ બિનઅધિકૃતત દબાણ અથવા ગેરકાયદેસર વ્યવહારો થાય છે અને પ્રવર્તમાન કાયદાઓ દા.ત. સરકારી જમીન ઉપર દબાણ હોય તો જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ નોટીસ આપવાની જોગવાઈ છે અને કલમ-૨૦૨માં દબાણકર્તાને દૂર કરવાની જોગવાઈ છે. પરંતુ આ કાર્યવાહી ફોજદારી પ્રકારની નથી એટલે અસરકારક કાર્યવાહી થતી નથી અને તંત્રની ઉદાસીનતા પણ છે તેજ રીતે અસામાજીક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ હેઠળ જમીન પચાવી પાડનાર (Land Grabber) તરીકેની જોગવાઈ છે. પરંતુ તેમાં ખાનગી જમીનનો સમાવેશ થતો ન હતો અને PASAના કાયદામાં ટૂંકાગાળા માટે અટકાયત કરવાની જોગવાઈ હોવાથી તેમજ પુરાવાના અભાવે હાઈકોર્ટ કે પાસા (PASA) બોર્ડ અટકાયતીને છોડી મૂકવામાં આવે છે જેથી અપેક્ષિત સ્વરૂપે કાર્યવાહી થતી ન હતી. જો કે નવીન સુધારા કાયદા પ્રમાણે આ જોગવાઈઓ પણ કડક સ્વરૂપે કરવામાં આવી છે. પરંતુ જેમ જણાવ્યું તેમ કાયદાની જોગવાઈ પ્રમાણે માથાભારે / જમીન પચાવી પાડનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી ન થાય તો અસરકારકતા દેખાતી નથી.

જમીન પચાવી પાડવાના કાયદામાં જમીન પચાવી પાડનારની (Land Grabber) વ્યાખ્યામાં જમીન પચાવી પાડનાર વ્યક્તિમાં કોઈ વ્યક્તિની જમીનનો ગેરકાયદેસર કબજો લઈ લેનારને જમીન પચાવી પાડનાર તરીકે ગણી શકાય. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિની જમીન / મિલ્કત કે મકાન ગેરકાયદેસરરીતે કબજો લઈ લીધેલ હોઈ અને તેનો અન્ય રીતે ઉપયોગ કરી નિકાલ કર્યો હોય ઉદાહરણ સ્વરૂપે જમીન ઉપર અનઅધિકૃત બાંધકામ કરી, બાંધકામ કરેલ મકાનો જેવાં કે દુકાનો, ગોડાઉનો વિગેરે ભાડે આપી અનઅધિકૃત રીતે ભાડુ વસુલ કરવામાં આવતુ હોય, તેજ રીતે ખોટા નામે જમીનનું ધારણ કરતા હોવાનું જણાવીને વેચાણ, ભાડે અથવા અન્ય રીતે તબદીલ કરેલ હોય તો તેવી વ્યક્તિનો જમીન પચાવી પાડનાર વ્યક્તિમાં સમાવેશ થાય છે અને આવા કિસ્સામાં એક નહી પરંતુ સામુહિક રીતે બીજી વ્યક્તિઓ મળીને સામુહિક રીતે આવી પ્રવૃત્તિ કરતી હોય તો સમગ્ર સમુહને પચાવી પાડનાર તરીકે ગણી શકાય. જમીન પચાવી પાડનારની વ્યાખ્યા આ કાયદામાં વધુ વિસ્તૃત કરવામાં આવી છે અને તે મુજબ જે વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોય તેને ખાનગી રીતે ઉતેજન આપે આવી પ્રવૃત્તિમાં મદદગારી કરે (Abetment) અથવા મદદગારી કરવાનો પ્રયત્ન કરે, તેજ રીતે જો કોઈ કાયદેસરના જમીન / મિલ્કતના માલીકો હોય તેમને ધાકધમકી આપી, ગુનાહિત પ્રવૃત્તિથી ભાડુ, જમીન ઉપરનું વળતર અથવા તેમાંથી ઉગાડાતો પાકનો અનઅધિકૃત ભાગ અથવા ખેડૂત ખાતેદારો પાસેથી વસુલ કરે અથવા પ્રયત્નો કરે તો પણ જમીન પચાવી પાડનારની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિએ અનઅધિકૃત જમીન / મિલ્કત પચાવી પાડી હોય તે મૃત્યુ પામે તો તેના ઉત્તરાધિકારી તરીકે વારસદારો પણ આવુ આચરણ ચાલુ હોય તો પણ તેવી વ્યક્તિઓ / વારસદારો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તેમ સાબિત થાય છે. આ અધિનિયમમાં અનઅધિકૃત બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. હાલના સંજોગોમાં જમીનોની કિંમત વધવાને કારણે એકવાર જમીનનું બાનાખત થયા બાદ બીજી વ્યક્તિઓ સાથે બાનાખત કરવામાં આવે છે અથવા વેચાણ કરી દેવામાં આવે છે એટલે કે આર્થિક બાબતોને લગતા નાણાંકીય વ્યવહારો અને જમીન મિલ્કતને લગતા બનાવોનું ગુન્હાહિત આચરણ વધવાના પ્રસંગો ઉપસ્થિત થયા છે. આજ રીતે સરકારી જમીન, ગૌચર તેમજ સરકારી કંપનીઓ, સરકારના બોર્ડ, નિગમોએ ધારણ કરેલ જમીન તેમજ ધાર્મિક સંસ્થાઓ અથવા ચેરીટેબલ સંસ્થાઓએ ધારણ કરેલ જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરવાની પ્રવૃત્તિ તેમજ ખોટા દસ્તાવેજો અથવા કુલ મુખત્યારનામાના આધારે જમીન પચાવી પાડવાનું કૃત્ય થાય છે. આ બધાનો આ કાયદા હેઠળ જમીન પચાવી પાડનારની વ્યાખ્યામાં સમાવેશ થાય છે અને આ કાયદા હેઠળ ગુન્હો સાબિત થયે દસ વર્ષ કરતાં ઓછી નહી પરંતુ ચૌદ વર્ષની મુદ્દત સુધીની કેદની અને એવી મિલ્કતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષાની જોગવાઈ છે અને આ કાર્યવાહી માટે કાયદામાં સ્પેશ્યલ કોર્ટની રચના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિના પરામર્શથી કરવાની અને સેશન્સ જ્જના સમકક્ષ જ્જની નિમણૂંક કરવાની જોગવાઈ છે.

આ કાયદા અન્વયે જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં નિયત નમુનાની અરજી કલેક્ટરને કરવાની છે તેની જોગવાઈ કરવામાં આવી છે અને અરજી સાથે રૂ. ૨૦૦૦/- ની ફી ઈલેક્ટ્રોનીક માધ્યમથી ચૂકવવાની છે અને આવી અરજીની તપાસ ૨૧ દિવસમાં કરવાની છે અને સરકાર દ્વારા નિયત કરેલ, કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળની સમિતિ સમક્ષ આવી અરજીઓના અહેવાલ સાથે રજૂ કરવાનો છે અને ૨૧ દિવસમાં અરજી અંગે એફ.આઈ.આર. દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો ઑગસ્ટ-૨૦૨૦માં ઘડવામાં આવ્યો અને તેના નિયમો ડિસેમ્બર-૨૦૨૦માં ઘડવામાં આવ્યા એટલે કે એક વર્ષનો સમયગાળો આ કાયદો પસાર થયે થવામાં છે. પરંતુ જાણકારી મુજબ આ કાયદા હેઠળ અરજીઓ સંખ્યાબંધ થઈ છે. પરંતુ પરિણામલક્ષી અસરકારક દાખલા બેસે તેવી કાર્યવાહી ધ્યાનમાં નથી. આ કાયદાનો આશય એ હતો કે આવી અનઅધિકૃત જમીન / મિલ્કત પચાવી પાડવાનું આચરણ ન થાય. અલબત સરકારી જમીનો કે ગૌચરની જમીનો ઉપર સંખ્યાબંધ દબાણો / બાંધકામો છે. પરંતુ સરકારપક્ષે પણ આ કામગીરી અસરકારક થઈ હોવાનું જણાતું નથી. આશા રાખીએ કે જે ઉદ્દેશથી આ કાયદો ઘડવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ સિધ્ધ થાય તો જ જનમાસમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત થશે.