- લોકાભિમુખ માર્ગદર્શન- એચ.એસ. પટેલ IAS (નિ.)
- ખેતીની જમીનમાં કૌટુંબિક ભાઈઓ ભાગ વેહચણીમાં ટુકડા ધારાની જોગવાઈ નાબૂદ કરવી જરૂરી
- કૌટુંમ્બિક વ્યવસ્થામાં વારસા અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે લોહીના સબંધોમાં કુટુંમ્બનો દરેક વ્યક્તિ વડીલોપાર્જીત જમીન / મિલ્કતમાં સહભાગીદાર છે
જમીન / મિલ્કત ઉપરના કબજેદારોના હક્ક જાળવણી / નિભાવણીની જોગવાઈ જમીન મહેસુલ અધિનિયમ અંતર્ગત હક્ક પત્રકના નિયોમો હેઠળ થાય છે.
સામાન્ય સિધ્ધાંત મુજબ મુળભુત સ્વરૂપે કબજેદારોનું રેકર્ડ અદ્યતન રાખવાનો ઉદ્દેશ કોની પાસેથી જમીન મહેસુલ વસુલ કરવું અને કોણ જમીન મહેસુલ ભરવાને પાત્ર છે તે જમીનનો રેકર્ડ નિભાવવાનો પાયો છે. સાથોસાથ દરેક વ્યવહાર અને ખાસ કરીને જમીન / મિલ્કત ઉપરના હક્કો માટે દરેક તબક્કે રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની જરૂરીયાત નથી.
કારણકે કૌટુંમ્બિક વ્યવસ્થામાં વારસા અધિનિયમ Indian Succession Actની જોગવાઈઓ પ્રમાણે લોહીના સબંધોમાં (Blood Relationship) કુટુંમ્બનો દરેક વ્યક્તિ વડીલોપાર્જીત જમીન / મિલ્કતમાં સહભાગીદાર છે. જમીન મહેસુલ વ્યવસ્થાપનમાં હક્કપત્રકના નિયમો મુજબ જ્યારે જમીન / મિલ્કતના હક્ક અંગે હસ્તાંતરણ થાય (Transfer of Rights) ત્યારે ગામના નમુના નં-૬ કે જેને હક્કનું પત્રક (Record of Rights) તરીકે ઓળખવામાં આવે છે તેમાં ફેરફાર કરવામાં આવે છે અને તે આધારે ગામના નં-૭માં પ્રમાણિત નોંધના આધારે ફેરફાર કરવામાં આવે છે.
મહેસુલ વિભાગ દ્વારા ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હયાતીમાં વહેચણી, વારસોના નામ દાખલ કરવા, હક્ક કમી કરવા વિગેરેની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં તમામ હિત ધરાવતા પક્ષકારો સમંત હોય તો ફક્ત એફીડેવીટના આધારે રૂ. ૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર વિધીવત રીતે રજીસ્ટર્ડ દસ્તાવેજ કર્યા વગર હયાતીમાં નામ દાખલ, કમી, વહેંચણ વિગેરે થઈ શકે છે એટલેકે જમીનના ધારકનું મૃત્યું થાય ત્યાર બાદ જ વારસાઈ થઈ શકે તેવું ધોરણ નથી. આ જોગવાઈથી સૌ ખાતેદારોને સમજ આપવાનો આશય એ છે કે જમીન / મિલ્કત ઉપરના ઝગડા / વિવાદ કબજેદારના મૃત્યું બાદ થાય છે.
વધુમાં ખેતીની જમીનનું વહેચણ પણ ભાઈઓ / ભાઈઓ વચ્ચે સમજુતીથી થયેલ હોય છે અને પ્રત્યક્ષ અલગ રીતે ખેતી પણ કરતા હોય છે. પરંતું જમીનના કબજેદાર તરીકે મૂળ વ્યક્તિઓનું નામ ચાલું હોય છે. જેથી હયાતીમાં જ મહેસુલ વિભાગના ૨૦૧૬ના પરિપત્ર પ્રમાણે હયાતીમાં નામ દાખલ અને વહેચણ કરાવી લેવાની જરૂર છે.
તે ઉપરાંત બેન્ક લોન / ધીરાણ વિગેરે લેવું હોય તેમજ સરકારની યોજનાઓનો પણ લાભ સરળતાથી લઈ શકાય છે. કારણકે ખાતામાં ચાલતા અન્ય કબજેદારોની સમંતિ લેવાની જરૂર પડતી નથી. વધુમાં Hindu Succession Act- ૧૯૫૬ની જોગવાઈઓ મુજબ ખાતેદારની તમામ દિકરીઓને પણ પિતાની જમીનમાં હક્ક હોય છે.
એટલે તેઓની સંમતિ મેળવીને તેઓના નામ કમી કરી શકાય અને દાખલ પણ થઈ શકે છે જેથી ઘણીવાર પાછળથી પુત્રીઓના હક્ક અંગે વિવાદો થાય છે તે ટાળી શકાય.
ઉપર જણાવેલ મહેસુલ વિભાગના પરિપત્રની જોગવાઈ વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હયાતીમાં નામ દાખલ કરવાની / હક્ક કમી કરતી જોગવાઈ છે. પરંતું આવા જ પ્રકારની જમીન / મિલ્કત કે જે સીટી સર્વે વિસ્તારમાં બિનખેતીની જમીન હોય છે તેમાં પણ હક્કપત્રકના નિયમો લાગુ પડે છે. પરંતું દસ્તાવેજ કર્યા સિવાય મિલ્કત ધારકની હયાતીમાં વહેંચણ કે નામ કાયદેસરના વારસો કે હિત ધરાવતા પક્ષકારોનું નામ દાખલ થતું નથી. ખરેખરતો સીટી સર્વેના મિલ્કત રજીસ્ટરે જે વડીલોપાર્જીત મિલ્કત હોય તેમાં કાયદેસરના વારસોના હક્ક હિસ્સા હોય છે અને તે હક્કની તબદીલી માટે જતા કરવા માટે જેમ વડીલોપાર્જીત ખેતીની જમીનમાં રૂ. ૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર એફીડેવીટ કરવાથી તબદીલી થાય છે તેજ ધોરણ અપનાવાથી કાયદેસરના વારસોને પોતાના હક્કોની તબદીલી કે જતા કરવાનું હયાતીમાં જ થાય તો પાછળથી જે વિવાદો થાય તે મહદ્અંશે ટાળી શકાય કારણ કે હક્કપત્રકના નિયમો હેઠળ જે હક્કપત્રકમાં ફેરફાર થાય છે તે પક્ષકારોની સંમતિથી થાય છે. આ અંગેનો મુળભુત આશય એ હતો કે દરેક જમીન / મિલ્કતના કબજેદારે સીવીલ કોર્ટ કે કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય ફેરફાર થાય, બાકી સર્વ સ્વીકૃત સિધ્ધાંત પ્રમાણે જ્યારે માલીકી હક્ક અંગે વિવાદ થાય ત્યારે હક્ક / હિસ્સા નક્કી કરી આપવાની સતા સીવીલ કોર્ટ ને છે અને તે પ્રમાણે હક્કપત્રકમાં ફેરફાર પણ થાય છે.
પરંતું સીટી સર્વેમાં પણ મિલ્કતધારકના પ્લોટ / ફ્લેટમાં પણ વડીલોપાર્જીત મિલ્કતમાં હયાતીમાં નામ દાખલ કરવાની / હક્ક જતો કરવાની જોગવાઈ જેમ ખેતીની જમીનમાં ૨૦૧૬ના પરિપત્ર પ્રમાણે સીટી સર્વેના મિલ્કત રજીસ્ટર ઉપરના ફેરફારમાં પણ દાખલ કરવામાં આવે તો કૌટુંમ્બિક સભ્યો વચ્ચે મિલ્કતધારકના મૃત્યું બાદ વિવાદો થાય છે તેનો મહદ્ અંશે અંત લાવી શકાય.
વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હયાતીમાં વહેચણ / હક્ક કમીની જોગવાઈ છે પરંતું આ પ્રક્રિયામાં ખેતીની જમીનમાં જે ટુકડાધારાનો ભેગ ગણવામાં આવે છે તે દુર કરવું જોઈએ, કારણકે ગુજરાત જેવા રાજ્યમાં સરેરાશ ખાતેદારની જમીન પાંચ એકરથી વધારે નથી અને તેમાં પણ જ્યારે ભાઈઓ ભાગ પડતા જાય ત્યારે ઓછામાં ઓછું સિંચાઈવાળી જમીનમાં ૨૦ ગુંઠાનું ક્ષેત્રફળ છે તે પણ જળવાતું નથી.
સરકારે ટુકડાધારામાં સુધારો કરી આખેઆખા ટુકડો નોંધાયેલ હોય તો વ્યવહાર / તબદીલી થાય છે. પરંતું further ટુકડો થતો હોય તો વેચાણ કે વહેચણ થતુ નથી.
ટુકડાધારાનો મુળભુત ઉદ્દેશ ખેતીની જમીનનો કાર્યસાધક ઉપયોગ થાય અને ખેત ઉત્પાદન વધે તે માટેનો છે. પરંતું મારા અનુભવને આધારે તેમજ ખેડુતપુત્ર તરીકે જણાવું છું કે, સર્વે નંબરની જમીનોમાં ભાઈઓ ભાગ થવાથી પાંચથી દસ ગુંઠામાં પણ ભાઈઓ ભાગ પડવાથી અલગ ખેતી કરે છે.
આમ ભૌતિક રીતે અલગ ભાગ પ્રમાણે જ્યારે ખેતી થતી હોય ત્યારે ટુકડાધારાની જોગવાઈઓ હેઠળ વડીલોપાર્જીત મિલ્કતમાં ભાગ પ્રમાણે અલગ - ૭નં. પાનીયું (કબજેદાર) કરવામાં આવતું નથી. આ વાસ્તવિક સ્થિતિને રાજ્ય સરકારે સમજી વડીલોપાર્જીત ખેતીની જમીનના ભાઈઓ ભાગની વહેચણીમાં ટુકડાધારા ભંગની જોગવાઈ તાત્કાલીક અસરથી દુર કરવાની જરૂર છે.
આ કરવાથી વારસાઈ હક્કથી પ્રાપ્ત થતી જમીનમાં ખાતેદારને અલગ ખાતેદારનો દરજ્જો પ્રાપ્ત થશે. સરળતાથી બેન્ક લોન / ધીરણ પ્રાપ્ત થશે અને સરકારની યોજનાઓનો પણ લાભ મેળવવામાં સરળતા થશે. આશા રાખીયે કે જમીન / મિલ્કતધારકોના હિતમાં રાજ્ય સરકાર લોકભોગ્ય વહિવટ પ્રસ્થાપિત કરવામાં જરૂરી પગલાં લેશે.


