- કોમોડિટી કરંટ
- ઘઉંમાં પૂરવઠો વધતાં સ્ટોક લીમીટ દૂર કરવામાં આવી
ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ બાદ સરકાર દાવાઓ કરી રહી છે કે વેપાર સંધીમાં ખેડૂતો તથા ડેરી ઉત્પાદકોના હિતોનું બરાબર ધ્યાન રાખવામાં આવેલ છે. સમજૂતિને પગલે ભારતમાંથી ચોખા, મસાલા તથા ટેક્ષટાઈલ સામાન સહિત વિવિધ અન્ય ઉત્પાદકોની નિકાસમાં વધારો થવાની સરકારની અપેક્ષા છે. હાલમાં ભરતમાંથી ચોખાની નિકાસ સૌથી મોટા પ્રમાણમાં થાય છે. વર્ષે દહાડે લગભગ ૫૬ હજાર કરોડ રૂપિયાના ચોખા ભારતમાંથી નિકાસ થાય છે. જોકે સમજૂતી બાદ અમેરિકાથી જિનેટીકલી મોડીફાઈડ કૃષિ ઉત્પાદનો ભારતમાં પ્રવેશે નહિ તે માટે સરકાર સમક્ષ માંગ ઉઠી છે. તાજેતરમાં ભારતની અગ્રણી સંસ્થા સોયાબીન પ્રોસેસર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (સોપા)ને GM સોયાબીનને ભારતમાં આયાત માટે પરમીશન નહિ આપવા કેન્દ્રિય વેપાર મંત્રી સમક્ષ રજૂઆત કરી છે. લાખો ખેડૂતો સાથે સંબંધિત ઉપરોક્ત મામલો ગંભીર હોવાથી અમેરિકાથી GM ખેત પેદાશો ભારતમાં ઘૂસે નહિ તે અત્યંત જરૂરી બન્યું હોવાનું ચર્ચામાં છે.
અમેરિકન પ્રોડક્ટસની ભારતમાં આયાત ઉપર શૂન્ય ટકા ટેરિફ અને ભારતીય પ્રોડક્ટસની અમેરિકામાં થનાર નિકાસ ઉપર અઢાર ટકા ટેરિફ હોવાની દ્વિપક્ષીય સર્વસંમતિને પગલે દેશભરમાં અનેક ચર્ચાઓ તથા ડિબેટ થઈ રહી છે. જોકે સમજૂતિ અંગેનો વિસ્તૃત ડિટેઈલ અહેવાલ હજુ જાહેર થયેલ નથી પરંતુ કૃષિ સંદર્ભે ખેડૂતોને કોઈ નુકશાન થશે નહિ તેવું સરકાર દાવો કરી રહી છે. ભારતમાંથી સૌથી વધારે ચોખા તથા ગવારગમની નિકાસ થઈ રહી છે. વેપાર મંત્રાલયના અહેવાલો પ્રમાણે એપ્રિલથી નવેમ્બર-૨૦૨૫ સુધીના આઠ મહિના દરમિયાન ૯૨.૫૬ લાખ ટન ગેર બાસમતી ચોખા, ૪૦.૭૫ લાખ ટન બાસમતી ચોખા, ૧૪ હજાર ટન ઘઉં, ૩.૮૪ લાખ ટન મકાઈ તથા વિવિધ અનાજો ઉપરાંત ૬.૨૫ લાખ ટન દાળ-દાળો, ૪.૩૦ લાખ ટન મગફળી, ૩.૨૩. લાખ ટન ગવાર ગમ સહિત કાજૂ, ગોળ, અખરોટ, પાન-પત્તા, સોપારીઓ, તેલીબીયાં, ખાંડ, મસાલા સાથે ઘણી વસ્તુઓની નિકાસ થયેલ છે.
દરમિયાન રવિ સીઝનમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં વધુ રહેવાની ગણત્રી સામે સરકારે તાજેતરમાં ઘઉંમાં સ્ટોક લીમીટ હટાવી દીધી છે. ઓછી માંગ સામે પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહેવાને કારણે જથ્થાબંધ બજાર નરમ છે. ગુજરાતમાં પણ આ વર્ષે અનાજ, મસાલા, તેલીબીયાં, દાળોનું ઉત્પાદન સંતોષકારક રહે તેમ છે. જોકે પાકોને છેલ્લા તબક્કામાં મોસમ પાકને અનુરૂપ જરૂરિયાત મુજબ નહિ રહેવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ પ્રવર્તી રહી છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદિત જીરૂ, ધાણા તથા વરીયાળી જેવા પાકોનું વાવેતર તુટયું છે. સ્થાનિક બજારોમાં મસાલા ચીજોના ભાવો પોષણક્ષમ નહિ રહેવાને કારણે ખેડૂતો મસાલા છોડીને ઘઉં, ચણા, એરંડા તથા રાયડા તરફ ફંટાયા છે. જેના લીધે મસાલાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. રાજસ્થાનમાં પણ જીરાનું દશેક ટકા વાવેતર તુટયું હોવાના અહેવાલો છે. આ સંદર્ભે કોમોટિડીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે ખાડી દેશો તથા ચીનથી એક્સપોર્ટ લેવાલી પૂછપરછ વધવા સામે વૈશ્વિક બજારોમાં સંવેદનશીલ બની ગયા હોવાથી ખરીદનાર વર્ગ જરૂરિયાત મુજબ આગળ વધી રહ્યો છે. લોકલ માંગ સીમિત છે. ટૂંકમાં અમેરિકા સાથેની સમજૂતિ બાદ ડયુટિ વિના અમેરિકાથી સોયાબિન, દાળો, કપાસ, મકાઈ, દૂધ પ્રોડક્ટસ જેવી વસ્તુઓ ભારતીય બજારોમાં ઠલવાશે ત્યારે કૃષિ બજારોની થનાર હાલાત સંદર્ભે દેશભરમાં સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.


