Get The App

લેબર નહીં ક્રિયેટિવિટી.. અઠવાડિયામાં હવે માત્ર ચાર દિવસ કામનો કોન્સેપ્ટ

Updated: Apr 30th, 2023

GS TEAM

Google News
Google News
લેબર નહીં ક્રિયેટિવિટી.. અઠવાડિયામાં  હવે માત્ર ચાર દિવસ કામનો કોન્સેપ્ટ 1 - image


- આજે મે દિવસ. મજૂર દિન તરીકે વિશ્વમાં મનાવાતો આ દિવસ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને માટે મહત્વનો છે

- કોરોના કાળમાં લોકોને ઘર બેઠા કામ કરવાની ફાવટ આવી ગઇ હતી.વર્ક ફ્રોમ હોમ તરીકે ઓળખાતો આ કોન્સેપ્ટ ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતની અનેક કંપનીઓ માટે આશીર્વાદ સમાન બની ગયો હતો

- અઠવાડિયામાં ચાર દિવસ કામની કલ્પના કરવા જેવી છે. આપણે ત્યાં સતત કામને ગધ્ધા વૈતરૂં સાથે સરખાવવામાં આવે છે. લોકો જીવનનો આનંદ કુટુંબ સાથે ઉઠાવી શકતા નથી

આ જે મે દિવસ. મજૂર દિન તરીકે વિશ્વમાં મનાવાતો આ દિવસ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને માટે મહત્વનો છે. મજૂર દિવસને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજક્ટ પર કામ કરતા મજૂરો સાથે સરખાવાય છે પરંતુ હકીકત એ છે કે નાની મોટી જોબ કરતા દરેક લોકો મજૂર દિવસ સાથે સંકળાયેલા છે. હવે મજૂર દિવસનું આધુનિકીકરણ થઇ રહ્યું છે.

હવે આ મજૂર દિવસનું નામ બદલવાની જરૂર હોય એમ લાગી રહ્યું છે. આપણે ત્યાં રવિવાર સિવાયના બધા દિવસોે કામ કરવાની પ્રથા બીજા અને ચોથા શનિવારે રજા મળતાં અટકી હતી. ૨૦૧૫માં ૧લી સપ્ટેમ્બરથી સરકારે બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજાની માંગ સ્વિકારી હતી. હવે બેંકો અઠવાડીયાના તમામ શનિવારે રજા માંગી રહી છે.

કોરોના કાળમાં લોકોને ઘર બેઠા કામ કરવાની ફાવટ આવી ગઇ હતી.વર્ક ફ્રોમ હોમ તરીકે ઓળખાતો આ કોન્સેપ્ટ ઇન્ફર્મેશન ટેકનોલોજી સહીતની અનેક કંપનીઓ માટે આશિર્વાદ સમાન બની ગયો હતો. હવે આ કોન્સેપ્ટમાં આધુનિકીકરણ આવી ગયું છે અને અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવાની સિસ્ટમને આગળ વધારવા વિચારાઇ રહ્યું છે. 

એટલેકે માત્ર શનિવાર- રવિવારની રજા નહીં પણ તેમાં શુક્રવાર પણ ઉમેરાય એટલેકે ગુરૂવારની સાંજથીજ રજા શરૂ થાય અને તે રવિવાર સુધી ચાલે. સોમવારથી ફરી ડયૂટી શરૂ થઇ જાય.

એક સમય હતો કે મજૂરીના કલાકો નક્કી નહોતા. દેશ આઝાદ થયા બાદ કલાકો નક્કી થયા હતા. ફેક્ટરી એક્ટ પ્રમાણે કામ લેવાતું હતું.પરંતુ ઓફિસ વર્ક સાથે સંકળાયેલા લોકો માટે આજે પણ ઓફિસમાં જવાનો સમય ફીક્સ હોય છે પરંતુ ઓફિસ છોડવાનો સમય ક્યારેય ફિક્સ નથી હોતો. સરકારી નોકરીમાં ખાનગી નોકરીઓ કરતાં સમયની બાબતે વધુ જલસા હોય છે. 

સરકારી નોકરીઓમાં મળતી જાહેર રજાઓ વગેરે જેવું ખાનગી નોકરીમાં નથી હોતું. સરકારી નોકરીમાં ઇન્ક્રીમેન્ટ સિવાયના કોઇ લાભ નથી મળતા જ્યારે ખાનગી કંપનીઓમાં મોટાભાગે કામની કદર થતી હોય છે. સરકારી નોકરીઓમાં ૫૮ વર્ષે નિવૃત્તિ પછી નોકરી છોડવી પડે છે જ્યારે ખાનગી કંપનીઓમાં કોઇ વય મર્યાદા નથી હોતી.

સરકારી કર્મચારીઓના કામની કદર ભાગ્યેજ થાય છે અને પોતાની હોંશિયારીના જોરે પણ તે અન્ય ખાતામાં જઇ શકતો નથી જ્યારે ખાનગી કંપનીઓનો કર્મચારી વધુ પગાર મળતો હોય ત્યાં જમ્પ મારીને પોતાની આર્થિક સમૃધ્ધિ વધારી શકે છે. 

સરકારી કર્મચારીને વફાદારીની કોઇ કિંમત ચૂકવાતી નથી જ્યારે ખાનગી કંપનીઓ વફાદાર કર્મચરીઓને પોંખતા હોય છે. ઉદાહરણ તરીકે ગયા અઠવાડીયાના અહેવાલો પર નજર  કરવા જેવી છે જેમાં રીલાયન્સના મુકેશ અંબાણીએ તેમના વફાદાર સ્ટાફને ૩૫૦ કરોડનો બંગલો ભેટમાં આપ્યો હતો. કેટલાક લોકો સ્ટાફને દિવાળીમાં કારની ભેટ આપે છે તો કેટલાક અન્ય સવલતો કરી આપે છે. આવું સરકારી કર્મચારીઓના કેસમા ભાગ્યેજ ( એટલેજ કેટલાક ભ્રષ્ટાચારના રવાડે ચઢી જતા હોય છે) થતું જોવા મળે છે. 

ભારતમાં અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ પહેલી નજરે અશક્ય લાગે પરંતુ જ્યારે બેંકોમાં બીજો અને ચોથો શનિવાર રજા આપવાની વાત કરાઇ ત્યારે  પણ લોકો તે સ્વિકારવા તૈયાર નહોતા. ભારતમાં આઇટી ઉધ્યોગની શરૂઆત ૧૯૭૭ના વર્ષમાં થઇ હતી આજે ભારતના જીડીપીમાં તેનો ફાળો ૭.૪ ટકા જેટલો છે. જે અકલ્પનીય કહી શકાય. 

વર્ક ફ્રોમ હોમ નો કોન્સેેપ્ટ સૌથી વધુ આઇટી ક્ષેત્રમાં ચાલેે છે. અઠવાડીયામાં ચાર દિવસ કામની માંગ પણ આઇટી ક્ષેત્રમાંથીજ શરૂ થયેલી છે. પરંતુ હવેતો તમિળનાડુની સરકારે પહેલ કરીને ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા તૈયારી પણ બતાવી છે.

કોઇ માને કે ના માને પણ અઠવાડીયામાં ચાર દિવસ કામની સિસ્ટમ શરૂ કરવા વિચારી રહ્યું છે.તમિળનાડુમાંં ફેક્ટરી એક્ટ ૧૯૪૮માં ફેરફાર કરવાનું બીલ રજૂ કરાયું છે. આ બીલ અનુસાર અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવાનું રહેશે પરંતુ દિવસના આંઠ કલાકના બદલે કામના કલાકો બાર કલાકના કરી દેવાશે. રોજ ચાર કલાક વધુ કામ કરવાથી સળંગ ત્રણ દિવસની રજા કોને ના ગમે? તમિળનાડુની સરકાર કહે છે કે ચાર દિવસની રજાનો સૌથી વધુ લાભ મહિલા કર્મચારીઓને તેમજ હાઉસ વાઇફનો થવાનો છે.

  તમિળનાડુના લેબર વેલફેર મિનીસ્ટરે જાહેરાત કરતા કહ્યું છે કે અઠવાડીયામાં ચાર દિવસના કામથી કર્મચારીઓના અન્ય હક રજાઓ જેવા હકમાં કોઇ ફર્ક નહીં પડે. તેમણે એ એમ પણ કહ્યું છે કે આ યોજના સ્વૈચ્છીક છે. દરેક ફેકટરી તેની રીતે નવી રજાઓની સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.

આવુંજ એક બીલ ૨૦૨૨માં કર્ણાટકની સરકારે પણ પાસ કર્યું છે. જ્યારે એપલની ફોક્સ કોન કંપનીમાં કર્મચારીઓ તોફાને ચઢ્યા ત્યારે સમાધાનની ફોર્મ્યુલામાં અઠવાડીયામાં ચાર દિવસ કામનો સમાવેશ હતો. તે મુદ્દો મંજૂર કરાયો હતો.

અઠવાડીયામાં ચાર દિવસ કામની કલ્પના કરવા જેવી છે. આપણે ત્યાં સતત કામને ગધ્ધા વૈતરૂં સાથે સરખાવવામાં આવે છે. લોકો જીવનનો આનંદ કુટુંબ સાથે ઉઠાવી શકતા નથી. સતત કામના કારણે વ્યક્તિ ઘરની જવાબદારી બરોબર નિભાવી શકતો નથી અને કૌટુંબિક આનંદ પણ ઉઠાવી શકતો નથી. ટૂંકમાં તેનું જીવન સ્ટીરીયોટાઇપ થઈ જાય છે તેથી મગજની શક્તિનો મહત્તમ ઉપયોગ થઇ શકતો નથી.

રાહ જુઓ, ટંૂકમાં અઠવાડીયે ત્રણ દિવસ રજા મળવા જઇ રહી છે.

લેબર નહીં ક્રિયેટિવિટી.. અઠવાડિયામાં  હવે માત્ર ચાર દિવસ કામનો કોન્સેપ્ટ 2 - imageકર્મચારીઓના સંતોષથી કાર્યક્ષમતા વધે છે

વિદેશમાં જ્યાં અઠવાડીયામાં ચાર દિવસ કામનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે ત્યાંની કંપનીઓએ નોંધ્યું છે કે ચાર દિવસના કામથી કર્મચારી બાકીના રજાના દિવસો તેના કુટુંબ સાથે વિતાવી શકે છે અને ઘરના વિકાસમાં પુરતું ધ્યાન આપી શકેછે. બાળકોના ઉછેરનો ભાગીદાર પણ બની શકે છે. ન્યુઝીલેન્ડની એક કંપનીએ નોંધ્યું છે કે ચાર દિવસના કામથી કર્મચારીઓની ક્ષમતા અને ક્રિયેટિવીટીમાં વધારો થાય છે જેનો સીધો લાભ કંપનીને મળતો હોય છે. ચાર દિવસ સતત કામ કર્યા પછી ત્રણ દિવસનું વેકેશન કર્મચારી અને તેના કુટુંબને હાશકારો આપી શકે છે.

Tags :