Get The App

GSTના નવા રજીસ્ટ્રેશન અંગે CBICની નવી માર્ગદર્શિકાની અગત્યની બાબતોની છણાવટ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
GSTના નવા રજીસ્ટ્રેશન અંગે CBICની નવી માર્ગદર્શિકાની અગત્યની બાબતોની છણાવટ 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- SEZના અરજદાર માટે જો ધંધાની મુખ્ય જગ્યા SEZમાં આવેલ હોય અથવા અરજદાર SEZ ડેવલપર હોય તો રજીસ્ટ્રેશન માટે ભારત સરકાર દ્વારા અપાયેલ આવશ્યક દસ્તાવેજો અથવા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે

આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિએ/પેઢીએ ઈરાદાપૂર્વક ખોટા રજીસ્ટ્રેશન લીધા હોય તો તેની ચકાસણી અર્થે ભૂતકાળમાં અન્ય પ્રયત્નો ઉપરાંત બે વખત જુદા જુદા સમયે ડ્રાઇવ કરીને સરકાર દ્વારા ધંધાના સ્થળે દસ્તાવેજોની ખરાઈ અને ચકાસણી કરીને બોગસ રજીસ્ટ્રેશન અને બોગસ બીલિંગને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે. પ્રથમવાર Instruction No. ૦૧/૨૦૨૩-GST dated ૦૪.૦૫.૨૦૨૩ મુજબ તારીખ ૧૬ મે, ૨૦૨૩થી તારીખ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં SGST અને CGSTની સંયુક્ત ટીમો દ્વારા ખરાઈ કરવામાં આવેલ હતી. ત્યારબાદ  Instruction No. ૦૨/૨૦૨૪-GST dated the૧૨th August ૨૦૨૪ અનુસાર તારીખ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૪થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ બંને ઝુંબેશ દરમ્યાન ઘણા સ્થળે નોંધણી દસ્તાવેજો અને અન્ય વિગતોમાં વિસંગતતા જણાયેલ અને તેથી જીએસટી કાયદાની જોગવાઈઓ મુજબ જરૂરી પગલાં લેવામાં આવેલ હતા.

તાજેતરની ઘટનાની વિગતો : સીબીઆઇસી દ્વારા રજીસ્ટ્રેશન અંગે સૌપ્રથમ માર્ગદર્શિકા Instruction No. ૦૧/૨૦૨૩-GST dated ૦૪.૦૫.૨૦૨૩  બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ ફરી તારીખ ૧૪. ૬. ૨૩ ના રોજ સુચના ક્રમાંક ૩/ ૨૦૨૩થી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ. આ માર્ગદર્શિકામાં કેટલાક સુધારા કરીને કુલ ૮ પાનાની વિગતવાર માર્ગદર્શિકા એવી નવી સુચના ક્રમાંક ૩/ ૨૦૨૫, તારીખ ૧૭.૪.૨૫ના રોજ ખાતાના અધિકારીઓ માટે બહાર પાડવામાં આવેલ છે. જેની વિગતો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ દરેક માર્ગદર્શિકામાં રજીસ્ટ્રેશનની અરજીની કઈ રીતે ચકાસણી કરવી, કયા પુરાવા માંગવા જેથી ખોટા રજીસ્ટ્રેશન ના લેવાઈ જાય કે અપાઈ જાય તેમ છતાં ઈમાનદારીથી ધંધો કરવા માંગતા વેપારીઓને રજિસ્ટ્રેશન મેળવવામાં મુશ્કેલી ન પડે તેવું સમતોલપણું જાળવવાની સૂચનાઓ આપવામાં આવેલ છે.

અરજીની ચકાસણી સમયે અરજદાર પાસેથી માંગી શકાય તેવા દસ્તાવેજોની વિગતો જોઈએ તોઃ ફકરો ૬A(i)-તેમાં જગ્યાની માલિકીનો પુરાવો જીએસટીના નિયમ ૮(૪)ની સાથે ફોર્મ જીએસટી આરઈજી- ૦૧ વાંચતા જગ્યા માલિકીની છે તેવું પુરવાર કોઈપણ દસ્તાવેજ, જેમ કે મિલકત વેરાની છેલ્લી પહોંચ અથવા મિલકતની તમામ વિગતો દર્શાવતા મ્યુનિસિપલ ખાતાની નકલ કે વીજળી બિલની નકલ રજૂ કરવાની રહેશે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પૈકી કોઈ એક દસ્તાવેજ અથવા તેવા અન્ય દસ્તાવેજ જેમ કે, પાણી વેરાનું બિલ કે રાજ્ય કે સ્થાનિક કાયદા હેઠળ ઠરાવેલ જગ્યાની માલિકીના દસ્તાવેજ કે જેનાથી જગ્યાની માલિકી સ્પષ્ટ રીતે પુરવાર કરી શકાય તે રજૂ કરવું પૂરતું રહેશે. આવો કોઈ એક દસ્તાવેજ અરજી સાથે અપલોડ કરવો પૂરતું છે અને જગ્યાની માલિકીના પુરાવા માટે અન્ય કોઈ વધારાના દસ્તાવેજની માંગણી કરવી જોઈશે નહીં. આ દસ્તાવેજોની અસલ નકલની (original hard copy) માંગણી પણ અધિકારીએ કરવાની રહેશે નહીં.

(iia) જો ભાડાની જગ્યા હોય તોઃ ધંધાની જગ્યા જો ભાડાની હોય ત્યારે નિયમ મુજબ ભાડા/લીઝના કરારની સાથે જગ્યાની માલિકી, ભાડે/લીઝ આપનાર માલિકની છે તે પુરવાર કરવા FORM GST REG માં આપેલ indicative યાદી પૈકી મિલકત વેરાની છેલ્લી પહોંચ અથવા મિલકતની તમામ વિગતો દર્શાવતા મ્યુનિસિપલ ખાતાની નકલ કે વીજળી બિલની નકલ અપલોડ કરવી જરૂરી છે. એવી સલાહ આપવામાં આવી છે કે આ નિયમ મુજબના કોઈ એક દસ્તાવેજ અથવા તેના જેવા અન્ય દસ્તાવેજ જેમ કે, પાણીનું બિલ રાજ્ય કે સ્થાનિક કાયદા હેઠળ ઠરાવેલ જગ્યાની માલિકીના દસ્તાવેજ કે જેનાથી મિલકતના માલિકી હક પુરવાર થઈ શકે તે રજુ કરવું પૂરતું રહેશે.

(iib) ધંધાની જગ્યા ભાડાની હોય તેવા સંજોગોમાં માલિકની ઓળખાણનો પુરાવો ક્યારે આપવાનો? તેમાં બે સંજોગો હોઈ શકે છે. ભાડા કરાર રજીસ્ટર થયેલ અથવા ન થયેલ હોય. નવી માર્ગદર્શિકામાં આ બંને સંજોગોમાં શું કરવું તેની સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ છે. બોર્ડના ધ્યાને આવેલ કે અધિકારી દ્વારા જગ્યાના મૂળ માલિકને ઓળખાણના વધારાના દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, આધારકાર્ડ, માલિકના ધંધાની જગ્યાની બજાર કે અંદરના ફોટા, વગેરે માંગવામાં આવે છે. હવે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે ભાડા કરાર રજીસ્ટર થયેલ હોય અથવા ભાડા કરાર રજીસ્ટર ના થયેલો હોય પરંતુ વીજળી કે પાણીનું જોડાણ ભાડુઆતના નામે હોય ત્યારે તેવા જોડાણ પુરાવા આપવાથી ધંધાની જગ્યાના માલિકને ઓળખાણ અંગેના કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જરૂરી નથી. જયારે ભાડાનું કરાર રજીસ્ટર ન કરાવવામાં આવેલ હોય અને વીજળી કે પાણીનું જોડાણ ભાડુઆતના નામે ના હોય ત્યારે જગ્યાના માલિકને ઓળખાણનો એક પુરાવો જેમ કે પાનકાર્ડ કે આધાર કાર્ડ આપવાના રહેશે.

(iii) ઉપરના બે માંથી એકેય પ્રમાણેની જગ્યા ન હોયથ જ્યારે ધંધાની જગ્યા માલિકીની કે ભાડાની ન હોય. જેમ કે ધંધાના માલિકના પતિ કે પત્ની કે સગા જગ્યાના માલિક હોય તો જગ્યાની માલિકી પુરવાર કરવા કોઈ પણ દસ્તાવેજ જેવા કે મિલકતવેરાની છેલ્લી પહોંચ અથવા મિલકતની તમામ વિગતો દર્શાવતા  મ્યુનિસિપલ ખાતાની નકલ કે વીજળી બિલની નકલ અથવા તેવા અન્ય દસ્તાવેજ જેમ કે, પાણીનું બીલ કે રાજ્ય કે સ્થાનિક કાયદા હેઠળ ઠરાવેલ જગ્યાની માલિકીના દસ્તાવેજ તેમજ સાદા કાગળ પર ધંધાની જગ્યાના માલિકનું સંમતિ પત્ર અને માલિકની ઓળખાણનો કોઈ એક પુરાવો જેમ કે, પાનકાર્ડ આધારકાર્ડ રજૂ કરવાના રહેશે. આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ કે પુરાવા રજુ કરવાના રહેશે નહીં.

(iva) એકથી વધુ વ્યક્તિ દ્વારા સેમ જગ્યા વપરાતી હોય (shared premises) અને ભાડા કે ભાડા પટ્ટાનો કરાર ઉપલબ્ધ હોય ઃ આવા સંજોગોમાં ભાડા કે ભાડા પટ્ટાનો કરાર અપલોડ કરવાની સાથે જગ્યાની માલિકીના પુરાવા માટે મિલકત વેરાની છેલ્લી પહોંચ અથવા મ્યુનિસિપલ ખાતાની નકલ કે વીજળી બિલની નકલ અપલોડ કરવાની રહેશે. જો ભાડા કે ભાડા પટ્ટાનો કરાર રજીસ્ટર થયેલ હોય તો ઉપરોક્ત દસ્તાવેજો ઉપરાંત માલિકની ઓળખાણનો કોઈ પુરાવા આપવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો ભાડા કે ભાડાપટ્ટાનો કરાર રજીસ્ટર થયેલ ન હોય તો ઉપરોક્ત દસ્તાવેજો ઉપરાંત માલિકને ઓળખાણનો કોઈ એક પુરાવો જેમકે પાનકાર્ડ કે આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે.

(ivb) ભાડા કે ભાડાપટ્ટાનો કરાર ઉપલબ્ધ ન હોય ઃ આવા કેસમાં જગ્યાના માલિકનું સાદા કાગળ ઉપર સંમતિ પત્ર તેમજ તેમની ઓળખાણનો પુરાવો પાનકાર્ડ કે આધાર કાર્ડ અને જગ્યાની માલિકી પુરવાર કરવા કોઈ પણ એક દસ્તાવેજ જેવા કે મિલકત વેરાની છેલ્લી પહોંચ અથવા મિલકતની તમામ વિગતો દર્શાવતા મ્યુનિસિપલ ખાતાની નકલ કે વીજળી બિલની નકલ અથવા તેવા અન્ય દસ્તાવેજ કે જેનાથી જગ્યાની માલિકી પુરવાર થાય. 

જેમ કે રાજ્ય કે સ્થાનિક કાયદા હેઠળ ધરાવે ઠરાવેલ જગ્યાની માલિકીની દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. આ સિવાય અન્ય કોઈ પુરાવા રજૂ કરવાના રહેતા નથી.

(v) ભાડા કે ભાડા પટ્ટાની જગ્યા હોય અને ભાડા પટ્ટાનો કરાર ઉપલબ્ધ ન હોય આવા સંજોગોમાં આવો એકરાર કરતું સોગંદનામુ અને તેની સાથે જગ્યાની માલિકીના પુરાવા માટે  મિલકત વેરાની છેલ્લી પહોંચ અથવા મ્યુનિસિપલ ખાતાની નકલ કે અરજદારના નામના વીજળી બિલની નકલ અપલોડ કરવાના રહેશે. સોગંદનામુ ન્યૂનતમ રકમના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે નોટરી સમક્ષ એક્ઝિક્યુટ થયેલ હોવું જોઈએ.

(vi) SEZના અરજદાર માટે જો ધંધાની મુખ્ય જગ્યા SEZમાં આવેલ હોય અથવા અરજદાર SEZ ડેવલપર હોય તો રજીસ્ટ્રેશન માટે ભારત સરકાર દ્વારા અપાયેલ આવશ્યક દસ્તાવેજો અથવા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.

(B) ધંધાના બંધારણ અંગેના મુદ્દાઓઃ   (i) Form GSTR REG--૦૧માં દર્શાવ્યા મુજબ જ્યારે અરજદાર ભાગીદારી પેઢીના ભાગીદાર હોય ત્યારે ધંધાના બંધારણના પુરાવા માટે ભાગીદારી કરાર અપલોડ કરવાનો રહેશે. (આપણે જાણીએ છીએ કે ભારતમાં ભારતીય ભાગીદારી અધિનિયમ ૧૯૩૨ અમલી છે અને રજીસ્ટ્રાર ઓફ ફર્મ્સ હેઠળ ભાગીદારી પેઢીએ નોંધણી કરાવવાની રહે છે.) આ સિવાય બીજા કોઈ જ દસ્તાવેજ જેમ કે ઉદ્યમ પ્રમાણપત્ર કે એમએસએમઈ પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા પ્રમાણપત્ર, ટ્રેડ લાયસન્સ, વગેરે અરજદાર પાસેથી માંગવાના રહેશે નહીં. 

(ii) જ્યારે અરજદાર સોસાયટી, ટ્રસ્ટ, ક્લબ, સરકારી વિભાગ, એસોસિએશન ઓફ પર્સન કે બોડી ઓફ ઈન્ડીવિઝયુઅલ્સ, સ્થાનિક સત્તાધિકારી, કાનૂની સંસ્થા અને બીજા વગેરે હોય ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર કે બંધારણનો પુરાવો અરજદારે અપલોડ કરવાનો રહેશે.

Tags :