માત્ર 25 ટકા ક્ષમતાએ ચાલતો કેમિકલ ઉદ્યોગ મુશ્કેલીમાં
- એન્ટેના - વિવેક મહેતા
- કેમિકલ ઉદ્યોગે કરેલા નિકાસના નાણાં બ્રાઝિલ સહિતના યુરોપમાં ફસાતા આર્થિક સ્થિતિ કફોડી, એનપીએ વધશે
કેમિકલ ઉદ્યોગની કઠણાઈ બેઠી છે. ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ છેલ્લા છથી આઠ માસથી માંડ ૨૦થી ૨૫ ટકા ક્ષમતાએ ચાલી રહ્યો હોવાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંખ્યાબંધ એકમોને વાવટા સંકેલી લેવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. છેલ્લા છ માસથી આ સ્થિતિ છે. બીજું ચીને ભારતમાંથી નિકાસ કરવામાં આવતા કેમિકલ પર ચીને ૨૦થી માંડીને ૮૦ ટકા એન્ટિડમ્પિંગ ડયૂટી લાદી દીધી હોવાથી ભારતની નિકાસ ઠપ થઈ ગઈ છે. ત્રીજું ચીનમાં મોકલેલા માલના કન્સાઈનમેન્ટ છોડાવવાના ચીને અટકાવી દીધા છે. પરિણામે કેમિકલ ઉદ્યોગના અબજો રૂપિયા ફસાઈ ગયા છે. ગુજરાતમાં ૧૦૦૦ ટનની ક્ષમતા ધરાવતા કેમિકલના એકમો પણ અત્યારે લગભગ બંધ હાલતમાં આવી ગયા છે.
ગુજરાતના અંદાજે ૭૦૦૦થી ૮૦૦૦ કેમિકલના એકમો છત્રાલ, કડી, નરોડા, ઓઢવ, વટવા, નંદેસરી, પાદરા, અંકલેશ્વર દહેજ, વાપી, સરીગામ, ખંભાતમાં આવેલા કેમિકલ ઉદ્યોગની હાલત કફોડી થઈ ગઈ છે. જૂની આવક પર જ અત્યારે તેઓ ધંધા નભાવી રહ્યા છે. આ સ્થિતિમાં છ માસમાં બદલાવ ન આવે તો તેમાંના ઘણાં એકમો તેમની લોનના નાણાં પણ ચૂકવી શકે તેવી સ્થિતિમાં રહેશે નહિ.
નરોડા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રોજ ૩૦ લાખ લિટર આવતું દૂષિત પ્રવાહી ઘટીને ૧૦ લાખ લિટરની આસપાસ થઈ ગયું છે. કેમિકલના એકમોની હાલત એટલી ખરાબ છે કે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દૂષિત પાણીને પ્રોસેસ કરાવીને છોડવા માટેના ચાર્જ પણ ચૂકવી શકે તેમ નથી. બીજીતરફ ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કેમિકલ્સનો ખાસ્સો ઉપયોગ થાય છે. અત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગ પણ નરમ ચાલી રહ્યો હોવાથી ટેક્સટાઈલની ડિમાન્ડ પણ સાવ જ ઓછી થઈ ગઈ છે અને તેને પરિણામે કેમિકલ ઉદ્યોગની હાલાકી વધી ગઈ છે. તેમની પાસેની અગાઉની ઉઘરાણી પણ અટકી ગઈ છે.
ચીન ભારતના અને ગુજરાતના કેમિકલ ઉદ્યોગને તોડવાની એક પણ તક ચૂકતું નથી. પિગમેન્ટ ગ્રીન અને પીગમેન્ટ બ્લ્યુ ચીન આયાત કરતું હતું. એકાએક ચીને તેના ૧૦૦૦ ટનના પ્લાન્ટ ચાલુ કરી દીધો છે. તેની સામે ગુજરાતમાંથી નિકાસ કરવામાં આવેલા પિગમેન્ટના કન્સાઈનમેન્ટ છોડાવતા નથી. તેના પર ૨૦થી ૮૦ ટકા ડમ્પિંગ ડયૂટી નાખી છે તે આયાતકારોને આપે તે પછી જ તે કન્સાઈનમેન્ટ છોડાવવાની વાત ચીનના આયાતકારો કરી રહ્યા છે. આમ પિગમેન્ટના નિકાસકારોની કમર તોડી નાખી છે. પિગમેન્ટ ઉપરાંત અન્ય કેમિકલ્સ પર પણ એન્ટિડમ્પિંગ ડયૂટી નાખી દીધી છે. પરિણામે સ્થાનિક સ્તરે પણ ડિમાન્ડ તૂટી ગઈ છે. કેમિકલ ઉદ્યોગમાં ડાઈઝ મેન્યુફેક્ચરિંગ માટે અત્યંત અગત્યના ગણાતા કાચા માલ એચ-એસિડની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ રૂ. ૫૦૦ની છે, તે જ એચ-એસિડ આજે ૩૫૦ના ભાવે લેવા કોઈ તૈયાર નથી.
આ સ્થિતિમાં કેમિકલ ઉદ્યોગને બચાવવા માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્સ માટે લાવવામાં આવેલી પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવની સ્કીમ સરકારે લાવવી પડશે. બીજું, સરકારે એક કોર્પોરેશન બનાવવું જોઈએ. તેમાં જીઆઈડીસી, જીપીસીબી, જીયુવીએનએલ, વોટર ડિપાર્ટમેન્ટને પ્રતિનિધિત્વ આપીને બનાવવું જોઈએ. તેમ નહિ થાય ત્યાં સુધી બાય બાય ચાયણીની રમત ચાલુ રહેશે અને કેમિકલ ઉદ્યોગ પરેશાન થતો જ રહેશે. સરકાર માર્કેટ રિસર્ચ કરીને કયા કેમિકલનું કેટલું ઉત્પાદન કરવું તે પણ નક્કી કરી આપવું જોઈએ. આ પ્રકારના રિસ્ટ્રીક્શન હશે તો તે એક જ પ્રોડક્ટની અનેક લોકો વધુ પડતું ઉત્પાદન ન કરે તેના પર નજર રાખી શકાશે. તેમ જ ચીન પરની ડિપેન્ડન્સી ઘટાડવા શું કરી શકાય તેનું રિસર્ચ કરી સરકાર કેમિકલ ઉદ્યોગને ગાઈડ કરી શકે છે. રૂ. ૩૦૦ના ભાવનો એચ-એસિડ રૂ. ૧૮૦૦ના ભાવે પહોંચ્યો તેથી તેના ઉત્પાદનમાં બધાં જ તૂટી પડતાં આજે એચ-એસિડના ભાવ તૂટી ગયા અને કોઈ લેવાલ જ રહ્યા નથી.