Get The App

કુદરતી અને માનવસર્જિત આફતમાંથી ગુજરાતના શહેરોને બચાવવાનું આયોજન અને અમલીકરણ જરૂરી

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
કુદરતી અને માનવસર્જિત આફતમાંથી ગુજરાતના શહેરોને બચાવવાનું આયોજન અને અમલીકરણ જરૂરી 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- શહેરોનો બિનઆયોજીત વિકાસની પ્રવર્તમાન સ્થિતિ માટે જવાબદાર

- શહેરોમાં સામાન્ય કે અસાધારણ વરસાદની સ્થિતિમાં પુરની સ્થિતિ સર્જાવવાની સાથે સમયસર પાણીનો નિકાલ થતો નથી 

છેલ્લા ત્રણ દાયકાથી કહી શકાય કે Climate Change / Global Warming ના કારણે તાપમાન, પર્યાવરણ ઋતુચક્ર, વરસાદી Patternમાં બદલાવ આવ્યો છે. આફતોને કુદરતી અને માનવ સર્જિત બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. પરંતું કુદરતી આફતો સર્જવામાં વિકાસની આંધળી દોટની સાથે માનવી કેન્દ્ર સ્થાને છે અને તેનો ભોગ પણ માનવી બની રહ્યો છે. આ અઠવાડિયામાં વડોદરા શહેરમાં જે અસાધારણ સ્વરૂપે વરસાદ પડવાને કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે અને સમગ્ર ગુજરાતમાં કે રાષ્ટ્રીય કક્ષાએ જે શહેરોની હાલત થઈ છે તેની અગમચેતીના ભાગરૂપે (Preventive Measures) અગાઉ આ કોલમના માધ્યમથી લેખો દ્વારા શાસકો જાહેર જનતા તેમજ બધા Stake Holders દ્વારા શું ઉપાયો લેવા જોઈએ તે નિરૂપણ કરેલ છે. મારા સેવા કાળ દરમ્યાન કુદરતી અને માનવ સર્જિત આફતોનો પડકાર અને સામનો કરેલ છે તેમાં દુષ્કાળ, પુર, આગ, ધરતીકંપ વિગેરેનો સમાવેશ થાય છે. બે શહેરોમાં સુરત અને વડોદરાના મારા સર્વિસકાળ દરમ્યાન ફરજ બજાવવાના ભાગની સાથે ખાસ કરીને સુરતના ૧૯૯૨ના બાબરી ધ્વંસ બાદના કોમી રમખાણો, ૧૯૯૪, ૧૯૯૮ અને ૨૦૦૬ના પુર તેમજ ૧૯૯૪નો સુરતના પ્લેગના આધારે દાવા સાથે કહી શકું કે શાસકો અને વહિવટી તંત્રની શિથીલતાને કારણે આપત્તીઓનો સામનો કરવામાં અને નિવારવામાં પ્રજાની દ્રષ્ટિએ નિષ્ફળતા દેખાય છે. અગાઉ સુરતના ૨૦૦૬ના પુર બાદ સરકારમાં અમોએ કાયમી ધોરણે સુરતને પુરની પરિસ્થિતિમાંથી બચાવવાના કાયમી ઉપાયો સુચવેલ જેમાંથી અંશતઃ અમલ થયો છે. પરંતું હજુ લાંબાગાળાના ઉપાયો / અમલીકરણ કરી સુરતને કાયમી ધોરણે પુરની સ્થિતિમાંથી બહાર અથવા અટકાયતી સ્વરૂપે Mitigate કરી શકાય તેવી સ્થિતિમાં નથી.

હવે શહેરોમાં સામાન્ય કે અસાધારણ વરસાદની સ્થિતિમાં પુરની સ્થિતિ સર્જાવવાની સાથે સમયસર પાણીનો નિકાલ થતો નથી તે અંગે વિશ્લેષણ કરીએ તો પાયાની બાબતોમાં અગાઉ છેલ્લા ૧૦૦ વર્ષના વરસાદી આંકડા જોઈએ તો તેના સાપેક્ષમાં ભોગોલિક દ્રષ્ટિએ જે Climate Zone માં સરેરાશ વરસાદ પડતો હતો તેના બદલે અસાધારણ સ્વરૂપે Cloud bursting થવાથી પ્રણાલીકાગત સૌરાષ્ટ્ર કચ્છમાં જે ૧૦ થી ૨૫ ઈંચ વરસાદ થતો તેના બદલે એકસાથે ૧૫ થી ૨૦ ઈંચ જેટલો વરસાદ પડવાના કિસ્સાઓ છે, બીજું કે કુદરતી વહેણ, નદી, નાળાં, વાંકડકા, ખાડી ઉપરનો દબાણો કે જેના કારણે વરસાદી પાણીના વહન માટે જે ઉચાWater Course હતા. તેમાં દબાણોથી અવરોધો સ્થાનિક સત્તામંડળો દ્વારા બિનઅધિકૃત બાંધકામો રોકવાની નિષ્ફળતા, આડેધડ નિયમ વિરૂદ્ધ બાંધકામ પરવાનગીઓ અને અનઅધિકૃત દબાણો દુર કરવાની વહિવટી / રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ચોથું પ્લાનીંગનો અભાવ શહેરોના જે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે તેમાં નદી કિનારા, ખાડીઓ, કોતર, Water body ઉપરના બાંધકામોના નિયંત્રણોનો અભાવ અને પાંચમા ક્રમે અમલીકરણ એજન્સીઓના સાતત્યનો અભાવ અને નાણાંકીય સ્ત્રોતનો અભાવ જેવા મુખ્ય પરિબળો છે અને આ તમામ બાબતોનું મુલ્યાંકન કરવામાં આવે તો મોટા ભાગના શહેરો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. 

વૈશ્વિક કક્ષાએ, દેશ કક્ષાએ કે રાજ્ય કક્ષાએ શહેરોની આપતિજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં Resilience of Cities આનો મતલબ એ થાય છે કે City Should be free from Stress and Shocks એટલે કે શહેરો આપતિમુક્ત હોવા જોઈએ. હવે સંસ્થાકીય દ્રષ્ટિએ જોઈએ તો જેટલી મોટી નદીઓ અને આંતર રાજ્યમાંથી પસાર થતી નદીઓને નિયમન કરવા માટે River Basin – Notify કરેલ છે અને તે અંગે ભારત સરકારના જળ સંપતિ (Irrigation Water Resource) હેઠળ આવે છે અને તે માટે Central Water Commission (CWC) નિયમન કરે છે. આપણા રાજ્યમાં નર્મદા, તાપી અને મહિનો આ હેઠળ સમાવેશ થાય છે. પરંતું પાણી અને જમીન રાજ્યનો વિષય હોવાથી તે અંગેનો વહિવટ, નિભાવણી રાજ્ય સરકારે કરવાની થાય છે. આ નદીઓની પાણીની વહન શક્તિ, ડેમોના બાંધકામ તેમજ તે અંગેની ક્ષમતા સરેરાશ વરસાદના આધારે Hydrological Survey ના આધારે નક્કી થાય છે અને નદીનું વહેણ જે રાજ્ય, જીલ્લા, નગરમાંથી પસાર થાય તેમાં ડેમમાંથી પાણી છોડવામાં આવે કે વરસાદના કારણે પુરની સ્થિતિનું નિર્માણ થાય તો તેઓએ પુરનિયંત્રણ, બચાવ, સહાય, પુનઃવસન વિગેરે કામગીરી કરવાની થાય છે. હવે ભારત સરકારની સુચના મુજબ દરેક રાજ્યના સિંચાઈ વિભાગે “Water Data Centre” નિભાવવાનું હોય છે અને તે અંતર્ગત નદીઓના પાણી / ડેમ વિગેરેનું નિયમન Monitoring થાય છે. આંતરરાજ્ય નદીઓના પાણીની તકરાર Water Dispute અંગે ભારતના બંધારણમાં Inter State Water Sharing ના Dispute અંગે ટ્રીબ્યુનલની રચના કરવાની જોગવાઈ છે અને તે મુજબ આપણી નર્મદાના પાણીની વહેંચણીની બાબત કાવેરી, ગોદાવરીના Dispute આ Mechanism હેઠળ નિયમન થાય છે.

તાજેતરમાં વડોદરા શહેરમાં જે પુરની સ્થિતિને કારણે પરિસ્થિતિ સર્જાઈ તેમાં ટેકનીકલ, વહીવટી અને કુદરીત પાસાંઓનો સમાવેશ થાય છે અને જવાબદારી વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો વડોદરા મહાનગરપાલીકા સાથે સરકારના અન્ય વિભાગો પણ જવાબદાર બને છે. સંસ્થાકીય દ્રષ્ટિએ વડોદરા મહાનગરપાલીકા વિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને વિશ્વામિત્રીનું ઉદગમ સ્થાન પંચમહાલ જીલ્લાના પાવાગઢમાંથી નિકળે છે અને સર સયાજીરાવના સમયગાળામાં ૧૨૫ વર્ષ પહેલાં વિશ્વ સૈરયાના પ્લાન મુજબ આજવા સરોવર બનાવવામાં આવેલ અને તેનો ઉદ્દેશ વડોદરા શહેરને પીવાના પાણી માટે હતો અને આજે પણ Gradient પધ્ધતિથી without pumping ૭૫ એમ.એલ.ડી. જેટલું પાણી મળે છે. આજવાથી વડોદરા મહાનગર સુધીનો વિશ્વામિત્રી નદીનો ભાગ વડોદરા જીલ્લામાં આવે છે અને તેનું નિયમન રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સયાજીરાવની દિર્ઘદ્રષ્ટિથી આજવા સરોવર ઉપર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં પ્રતાપસરોવર આજવાને Argument કરવાના ભાગરૂપે પાણીની Channel બનાવેલ છે. આ સરોવર પણ વડોદરા મહાનગરપાલીકા હસ્તક આવે છે. ઐતિહાસીક અને ભૌગોલિક સ્થિતિ એટલે માટે જણાવવામાં આવે છે કે વાંચકોને તમામ પુર્વભુમિકાની જાણકારી મળે વડોદરા શહેરને આયોજનબદ્ધ સ્વરૂપે વિકસાવવામાં સૌથી મોટો ફાળો સર સયાજીરાવ-૩ ને જાય છે અને હાલ જે Resilience of City ની વાત કરવામાં આવે છે તેનો ખ્યાલ સયાજીરાવના વખતમાં પણ રાખવામાં આવેલ તેનું આદર્શ દ્રષ્ટાંત જાન્યુઆરી ૨૦૦૧માં જ્યારે રાજ્યમાં ધરતીકંપ થયેલ ત્યારે વડોદરા શહેર એક માત્ર નગર હતું કે તેને કોઈપણ અસર ન હતી. દેશમાં વડોદરા એક સમયમાં Best Govern City તમામ ક્ષેત્રે હતી. ૧૯૮૫ પછી રાજકીય / વહીવટી / શાસનની દ્રષ્ટિએ જે બદલાવ આવ્યો છે તેને કારણે પ્રવર્તમાન વડોદરાની સ્થિતિ પેદા થઈ છે. તેના વિગતવાર કારણો / ઉપાયો તેમજ દેશ અને રાજ્યના શહેરોને આયોજીત સ્વરૂપે આફત મુક્ત કઈ રીતે રાખી શકાય તે અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.

(ક્રમશઃ)

Tags :