Get The App

સરકારી-ગૌચર-જાહેર સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલીકરણમાં ઉદાસીનતા

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી-ગૌચર-જાહેર સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલીકરણમાં ઉદાસીનતા 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

જમીનનું કુદરતી સંશાધન તરીકે ખુબ જ અગત્યતા ધરાવે છે. માનવીની સામાજીક, આર્થિક બાબતો જમીન સાથે સંકળાયેલ છે. જમીનનું ખેત વિષયક ઉપાર્જન અને નિર્વાહ તરીકે મહતમ ઉપયોગ થતો હતો, બદલાતા જતા સંજોગોમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ જાહેર હેતુ માટે જમીનના ઉપયોગમાં આમુલ પરિવર્તન આવ્યું છે અને જમીનનો કુદરતી સંશાધન તરીકેના ઉપયોગના બદલે નફાકીય સાધન બનતું જાય છે. ધરતીમાતાને 'સ્વર્ગાદપી ગરીયસી' ઉક્તિને શોષણનું સાધન બનતું જાય છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જમીનના નિયમન માટેનો મુખ્યત્વે ફાયદો જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ છે અને આ કાયદામાં જમીન ધારકો પાસેથી જમીન મહેસુલ લેવાની સાથે કબજેદારો જમીન માલીકોના હક્કો અંગે હક્કપત્રક કે જેને Record of Rights ગણવામાં આવે છે. તે અગત્યનું છે. આ કાયદામાં સરકારી જમીન ઉપર અતિક્રમણ દબાણ થાય તો કાયદાની કલમ-૬૧ અને ૨૦૨ હેઠળ દબાણકર્તાઓ સામે કાર્યવાહી થાય છે. તેજ રીતે ગૌચરની જમીન જે ગ્રામપંચાયતને નિહિત થયેલ હોય છે તેના ઉપર દબાણ થાય તો દબાણ દુર કરવાની સતાઓ ગ્રામ પંચાયતને છે. આ કાયદાકીય જોગવાઈઓ સરકારી જમીન/ગૌચરની જમીનો માટે છે. પરંતું મહેસુલીતંત્ર  દ્વારા અસરકારક કામગીરીના અભાવે સરકારી / ગૌચરની જમીનો ઉપર મોટાપાયે દબાણો છે. અને આ કાર્યવાહી વહિવટી / સીવીલ પ્રકારની હોવાથી દબાણકારો સામે શિક્ષાત્મક કાર્યવાહીના અભાવે દબાણખોરોને મોકળું મેદાન મળે છે. જોકે 'પાસા' હેઠળ 'ભયજનક વ્યક્તિ' Dangerous Person તરીકે અટકાયતી હુકમો કરી શકાય છે. 

ઉક્ત પરિપ્રેક્ષ્યમાં કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં બિન અસરકારકતા લાગતાં અને સરકારી / ગૌચરની જમીનો ખાનગી જમીનોમાં પણ ખોટું આચરણ કરી, ખોટા બાનાખત, બળજબરી, forgery જેવું આચરણ જમીનો પચાવી પાડવાની મોટા પાયે પ્રક્રિયાઓ થતી હોવાની અને બિનજરૂરી કાયદાકીય વિવાદો / ગુંચવણો ઉભી કરવામાં આવતી જેથી ગુજરાત સરકારે Specific Law ન્ચુ ખાસ કાયદો ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રતિબંધ ધારો-૨૦૨૦ ઘડવામાં આવેલ છે. આ કાયદા અંતર્ગત જમીનની વ્યાખ્યામાં સરકારી / ગૌચરની જમીનો / મિલ્કતો એકલી નહિ પરંતું ખાનગી જમીનો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મહાનગરપાલીકા / નગરપાલીકા / ગ્રામપંચાયતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ધાર્મિક સંસ્થાઓ / જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનો / મિલ્કતો / જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનો / મિલ્કતોનો પણ જમીન પચાવી પાડવાના કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કાયદામાં જમીન પચાવી પાડનાર અને જમીન પચાવી પાડવી તેની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ કલેક્ટરના અધ્યક્ષ હેઠળ ફરીયાદ સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિને ફરીયાદ દાખલ કરવા સહિતની જોગવાઈઓ સાથે સ્પેશ્યલ કોર્ટની રચના અને ૬ માસમાં નિર્ણય કરવાનો અને ૧૦ વર્ષથી - ૧૪ વર્ષ સુધીની સજા અને જમીનની જંત્રી મુજબની રકમનો દંડ વસુલ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટને જીલ્લા સેસન્શ કોર્ટ જેટલી સતાઓ અને ફોજદારી કાર્યરીતી અધિનિયમ (CRPC) અને દિવાની કાર્યરીતી અધિનિયમ (CPC) હેઠળની તમામ સતાઓ આપવામાં આવેલ છે. આમ આ તમામ જોગવાઈઓ પ્રવર્તમાન જમીન મહેસુલ કાયદાની જોગવાઈઓ ઉપરાંત વિશિષ્ઠ કાયદાથી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જમીન પચાવી પાડનારાઓ સામે ગુજરાત અસામાજીક પ્રવૃતિને રોકવા માટેના કાયદામાં પણ કરવામાં આવેલ છે.

હવે જમીન પચાવી પાડનાર કોને ગણવામાં આવે તો તેમાં કોઈ વ્યક્તિને જમીનોનો ગોરકાયદેસર કબજો લેવા માટે અથવા જમીન ઉપર અનઅધિકૃત માળખાના બાંધકામ માટે નાણાંકીય સહાય કરે અથવા જમીનોના ભોગવટદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર અને બીજા ચાર્જ વસુલ કરે અથવા વસુલાતનો પ્રયત્ન કરે અથવા ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઈ કૃત્ય કરવામાં મદદગારી કરે તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે. અને તેમાં હિત-ઉતરાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આનો મતલબ એ કે જમીન પચાવી પાડવાની પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્વરૂપે મદદગારી કરે તો પણ અને સબંધિત વ્યક્તિ ઉપર વાલી / વંશજો / હિતેચ્છુ સહિતનો પણ સમાવેશ થાય છે. હવે જમીન પચાવી પાડવાની બાબતને જોઈએ તો કોઈપણ પ્રકારનું બળ, ધમકી, ગુન્હાહિત ધાકધમકી અને છળકપટનો ઉપયોગ કરીને અથવા તે વિના જેમાં સરકારી જમીનો સાથે રાજ્ય હસ્તકના બોર્ડ / નિગમો અને અન્ય સ્વાયત સંસ્થાઓ, સ્થાનિક સતામંડળ, ધામક અથવા સખાવતી સંસ્થા અથવા બીજી કોઈ ખાનગી વ્યક્તિની માલીકીની કોઈ જમીન અને તેના ઉપર તેને અથવા તેમને કોઈ માલીકી - માલીકીહક્ક અથવા પ્રત્યક્ષ કબજો ન હોય અને કોઈ કાયદેસરના અધિકાર વગર અને એવી જમીનનો ગેરકાયદેસર કબજો લેવાના આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદેસર કબજા ભોગવટા હક્ક અથવા પટ્ટો અથવા પરવાનો (લાયસન્સ) કબુલાત અથવા તબદીલી અથવા વેચાણ ઉભા કરવા અથવા વેચાણ અથવા ભાડાં અથવા ઉપયોગ અથવા ભોગવટા માટે તેના ઉપર અનઅધિકૃત માળમાં ઉભાં કરવા માટે કોઈ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવટો કરવાનો પ્રયત્ન કરવાની જમીન પચાવી પાડનારની દરેક પ્રવૃતિ અને 'પચાવી પાડેલી જમીન' તરીકે ગણાશે. આ કાયદામાં પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે અને તે મુજબ વ્યક્તિઓ સમુહ અથવા મંડળનો, એસોસીયેશન અથવા કંપની અથવા સંસ્થાપિત હોય કે ન હોય તેવી કોઈ ધાર્મિક અથવા સખાવતી સંસ્થા (જાહેરટ્રસ્ટ) અથવા દેણગીનો પણ સમાવેશ થાય છે. આમ કોઈપણ વ્યક્તિએ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવવી પાડવી જોઈશે નહિ, આ કાયદાની અગત્યની અન્ય જોગવાઈઓ આવતા અંકે વિવરણ કરીશું.  

(ક્રમશઃ)

Tags :