Get The App

જમીન મહેસૂલ અધિનિયમમાં બિન મોજણી (Un-surveyed) અને બિન આકરી (Un-assessed) જમીનો અંગેની જોગવાઈઓ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
જમીન મહેસૂલ અધિનિયમમાં બિન મોજણી (Un-surveyed)  અને બિન આકરી (Un-assessed) જમીનો અંગેની જોગવાઈઓ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની કલમ-37 મુજબ તમામ જમીન સરકારી છે અને મહેસૂલને પાત્ર છે

- નદી કિનારાની જમીનો હોય અને ધોવાણ થવાને કારણે મૂળ સર્વે નંબરના ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો વરાડે પડતું જમીન મહેસૂલ ઘટાડી શકાય

જમીન મહેસુલ અધિનિયમનું પ્રકરણ-૫ જમીન અને જમીન મહેસુલને લગતી જોગવાઈઓ છે. કલમ-૩૭ની જોગવાઈ પ્રમાણે જે જમીન કાયદેસરનો ધારક / કબજેદાર હોય તે સિવાય તમામ જમીન સરકારની માલીકીની ગણાય છે. જ્યાં ખાનગી જમીન અને સરકારની જમીન ઉપર કોઈ હક્ક કરતું હોય તો કલમ-૩૭(૨) માં કબજેદાર ઠરાવવા તપાસ કરી, માલીકી હક્ક ઠરાવવાની જોગવાઈ છે. 

કલમ-૩૮ હેઠળ સરકારી જમીન સાર્વજનિક હેતુ માટે નીમ (Vest)) કરવા માટે કલેક્ટરને સત્તા છે. કલમ-૪૫માં જોગવાઈ છે કે દરેક જમીન મહેસુલને પ્રાપ્ત છે. (Liable for Land Revenue) સિવાય કે સરકારે ચોક્કસ હેતુ માટે મહેસુલ માફી કર્યું હોય, આમ તો જમીન મહેસુલ અધિનિયમમાં સર્વે અને સેટલમેન્ટની જોગવાઈ છે તે અનુસાર મોટાભાગે તમામ જમીનોનું સર્વે કરવામાં આવે છે અને તેનો આકાર - Assessment - જમીન મહેસુલ નક્કી કરવામાં આવે છે.

 મોટાભાગે ખેતવિષયક જમીનો અને સમતળ જમીનો હોય તેનું સર્વે જ્યારે સૌ પ્રથમ મોજણી (Survey) દાખલ કરવામાં આવી ત્યારે કરવામાં આવ્યું છે. પરંતું અમુક વિસ્તારો કે જ્યાં સર્વે ટીમ જઈ શકે તેમ ન હોય અથવા જમીન ઉપજ આપે તેવી ન હોય, પાણી ફરી વળતું હોય, રણપ્રદેશ હોય, નદી કિનારાની જમીનો ધોવાણ થતું હોય, બાંધ/કોતરની જમીનો, દરિયા કિનારાની જમીનો આતો દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે અને આવી જમીનો દા.ત. કચ્છમાં અને બનાસકાંઠામાં Traverse Survey number બતાવ્યા હોય આજ રીતે સુરત જીલ્લા વલસાડ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભુમી દ્વારકા, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર વિગેરે દરિયાકાંઠાની જમીનોમાં ભરતી કે દરિયાઈ પાણી ફરી આવતું હોય ત્યાં જમીનોની માપણી કરવામાં આવેલ નથી કે જમીનનો આકાર નક્કી કરવામાં આવેલ નથી. 

મારી સમક્ષ એવી રજુઆત આવી છે કે બિનમોજણી થયેલ જમીનમાં અને જેનો આકાર નક્કી થયેલ ન હોય તેવી જમીનમાં કોઈ બિનઅધિકૃત કબજેદારનું નામ પાણીપત્રકમાં અગાઉ દાખલ થયેલ હોય અને તેના આધારે કોઈક જગ્યાએ કબજેદાર તરીકે સક્ષમ અધિકારીની મંજુરી સિવાય ચઢાવી દીધેલ હોય અને આવી જમીનોનું વેચાણ પણ થઈ ગયેલ હોય અને જ્યારે આવી જમીનોનું બિનખેતીમાં રૂપાંતર કરવામાં અરજી કરવામાં આવે ત્યારે ટાઈટલ વેરીફીકેશનના ભાગરૂપે આવા કેસો Reject ના મંજુર કરવામાં આવે ત્યારે આવા કેસ પ્રકાશમાં આવે છે. આવી બાબતોમાં જેમ ઉપર કાયદાકીય જોગવાઈઓ જણાવી તે પ્રમાણે કલમ-૩૭માં સ્પષ્ટ જોગવાઈ છે કે જે જમીન ઉપર કાયદેસરનો કબજેદાર નથી તે તમામ જમીન સરકારની છે. 

એટલે કે Un-surveyed - બિનમોજણી વાળી જમીન હોય અને જેનો આકાર નક્કી કરવામાં આવ્યો ન હોય અને માનો કે કલમ-૪૭ હેઠળ જમીનનો આકાર પણ નક્કી કરી દેવામાં આવ્યો હોય પરંતું જો જમીન ઉપર ૩૭(૨)ની જોગવાઈઓ પ્રમાણે માલીકી હક્ક કે કબજેદાર કાયદેસરના ઠરાવ્યા ન હોય તો ગેરકાયદેસર કબજેદાર ગણાય છે અને આવી જમીનોનું Revenue title ગેરકાયદેસર ગણાય અને કલમ-૬૧ હેઠળ બિનઅધિકૃત દબાણ હેઠળ કાર્યવાહી કરવાપાત્ર થાય છે અને કલમ-૨૦૨ હેઠળ (Summary Eviction)ને હાંકી કાઢવાને પાત્ર થાય છે. 

જમીન મહેસુલ અધિનિયમમાં જે જમીનની મોજણી કે આકારણી ન થઈ હોય તો કરાવવા પાત્ર છે અથવા તો કરી શકાય છે. પરંતું તેનાથી માલકીહક્ક નક્કી થતો નથી સિવાય કે નદી કિનારાની જમીનો હોય અને ધોવાણ થવાને કારણે મૂળ સર્વે નંબરના ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો વરાડે પડતું જમીન મહેસુલ ઘટાડી શકાય આને Alluvial Soil અને DiluvialSoil જમીનની પ્રત ગણવામાં આવે છે. સુરતમાં મેં લાંબાગાળા માટે પ્રાન્ત ચોરાસી તરીકે ફરજ બજાવી છે અને ડુમ્મસ સુલતાનાબાદ, ભીમપોર, જીઆવ, હજીરા, દામકા, મોરા, સુવાલી જેવા દરિયા કિનારાના ગામો ત્યાં બિનમોજણી એટલે કે Un-surveyed અને બિન આકારણી થયેલ જમીનો પુષ્કળ પ્રમાણમાં છે. 

આ વિસ્તારોમાં સામુદાયિક ખેતમંડળીઓને કે ઝીંગા ઉછેર કે મીઠા ઉદ્યોગ માટે જમીનો આપી હોય તે જમીનો ગ્રાન્ટ કર્યા બાદ માપણી કરવામાં આવે છે. પરંતું તે ચોક્કસ હેતુ માટે આપવામાં આવે છે. આવી જમીનો ચોક્કસ વર્ષના ભાડા પટ્ટે અથવા હેતુ માટે આપવામાં આવે છે. એટલે આવી જમીનો ઉપર વ્યક્તિગત માલીકી હક્ક થતો નથી.

 આજ રીતે એવું બને કે કોઈ બિનમોજણી જગ્યાની બાજુમાં સર્વે નંબર હોય તે કબજેદારે બાજુની જમીનમાં કબજો કરી દબાણ કરેલ હોય અને તેટલા ક્ષેત્રફળનો વધારે કબજો હોય તો દબાણ નિયમબધ્ધ કરવું પડે અથવા તો લાગુ ખાતેદાર તરીકે જમીન ગ્રાન્ટ કરવાની જોગવાઈ છે તે અનુસાર કલેક્ટરની પરવાનગી સિવાય ન થઈ શકે. આવા જ પ્રકારના કેસમાં સુરતમાં થોડા સમય પહેલાં ડુમ્મસ વિસ્તારની જમીનમાં સ્થળ ઉપર કબજા આધારે સીટી સર્વેમાં પ્લોટ / વિભાગ માપણી કરાવીને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા કબજેદાર બનાવી દેવામાં આવ્યા અને અન્ય જમીનમાં કબજા આધારે બિનખેતીમાં પણ ફેરવી આપવામાં આવ્યું. આ તમામ કાર્યવાહી કાયદેસરની પ્રસ્થાપિત પ્રક્રિયાની વિરૂધ્ધની છે. 

પાયાના સિધ્ધાંત તરીકે જણાવ્યું તેમ કોઈપણ બિનમોજણી / બિનઆકારી જમીનમાં કબજેદાર માલીક તરીકેના હક્ક સ્થાપિત કરવામાં ન આવે (કલમ-૩૭ અને ૩૭(૨)) ત્યાં સુધી કાયદેસર ગણાય નહિ, આવી જ રીતે દરિયાકિનારામાં મીઠા ઉદ્યોગ માટે જે જમીનો ફાળવવામાં આવે છે ત્યાં મીઠા ઉદ્યોગ, Windfarm કે Solar Plan માટે જમીન ફાળવણીના હુકમ અન્વયે નોંધ કરવામાં આવે છે.

 આ જ રીતે બનાસકાંઠામાં નાના રણ કે વાવ, થરાદમાં સોલર પ્લાન્ટ માટે જે બિનમોજણી વાળી જમીનો ફાળવવામાં આવે છે તે ચોક્કસ હેતુ માટે સરકાર જે ભાડાની કે બિનખેતીધારાની રકમ કે માફ કરી હોય તો તે મુજબ શરતો નક્કી કરવામાં આવે છે. આમ જમીનોને મહેસુલને પાત્ર બનાવી શકાય છે. પરંતું કબજેદાર તરીકે સીધે સીધા ઠરાવવાની જોગવાઈ નથી અને તે અનુસાર તેવું રેવન્યું ટાઈટલ ચોખ્ખું (Clear) નથી.