Get The App

સૌરાષ્ટ્ર ઘરખેડ ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ના સુધારા કાયદાની વિસંગતતાઓ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર ઘરખેડ ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ના સુધારા કાયદાની વિસંગતતાઓ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ભારતના બંધારણની અનુસુચિમાં પણ જમીન સુધારાઓને બંધારણીય પીઠબળ આપવામાં આવ્યું છે.

- બિનખેડુતની તરફેણમાં નોંધ મંજુર કરનાર અધિકારીઓ સામે કાર્યવાહીનો કાયદામાં અભાવ

ગુજરાતની પંદરમી વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખાસ કરીને જમીન સુધારા (Land Reforms) કાયદા જેમાં સૌરાષ્ટ્ર જમીન સુધારા (Saurashtra Land Reforms) સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ ૧૯૪૯, બારખલી નાબુદી અધિનિયમ, Estate Acquisition Act, કચ્છ વિદર્ભ કાયદો સમજવાની જરૂર છે. ગુજરાતના મુંબઈ રાજ્યના સમયનો ગણોત કાયદો - ૧૯૪૮ પણ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારમાં અમલમાં છે. જમીન સુધારા કાયદાઓનો મુળભૂત ઉદ્દેશ જમીનદારી પધ્ધતિ નાબુદ કરી, સંપતિના સપ્રમાણ વહેંચણીના બંધારણના મુળભુત ઉદ્દેશ મુજબ જમીન ઉપર નિર્ભર ખેડુત / કબજેદારો / ખેતમજદુરોના / ગણોતીયાના હક્કો પ્રસ્થાપિત કરવાનો હતો. ભારતના બંધારણની અનુસુચિમાં પણ જમીન સુધારાઓને બંધારણીય પીઠબળ આપવામાં આવ્યું છે. જેથી મિલ્કતના અધિકારનો ભંગ ન થાય. સૌરાષ્ટ્ર રાજ્ય - ૧૯૫૬ સુધી રાજ્યોની પુનઃરચના પહેલાં અલગ - 'બી' કેટેગરીનું રાજ્ય હતું અને કચ્છ 'સી' કેટેગરીનું અલગ રાજ્ય હતું. સૌરાષ્ટ્રની પ્રથમ ચુંટાયેલ સરકારના મુખ્યમંત્રી ઉરછંગરાય ઢેબર જે તે સમયના મુખ્યમંત્રીઓ પૈકીના શ્રેષ્ઠ, સુધારાવાદી, મુખ્યમંત્રી હતા, તેઓના કાર્યકાળ દરમ્યાન જે જમીન સુધારા કાયદાઓ ઘડવામાં આવ્યા તે ખેડુતલક્ષી હતા. સૌરાષ્ટ્રમાં દેશના કુલ - ૫૬૫ દેશી રજવાડાઓ પૈકી - ૨૨૨ રજવાડા ફક્ત સૌરાષ્ટ્રમાં હતા અને તમામ રાજ્યોની જમીનના સતાપ્રકાર સાથે સંપૂર્ણ જમીનદારી પધ્ધતિ (ગોંડલ રાજ્ય સિવાય) અમલમાં હતી, સૌરાષ્ટ્રના જે જમીન સુધારા કાયદાઓ અમલીકરણમાં સરળ હોવાના કારણએ ખુબ જ ટુંકા ગાળામાં ખેતી ઉપર નિર્ભર ખેડુતોને કબજેદાર તરીકેના હક્ક આપવામાં સૌરાષ્ટ્ર અગ્રેસર રાજ્ય હતું અને જેમાં અન્ય કાયદાઓ સાથે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ - ૧૯૪૯ ઓળખાય છે. આ વટહુકમને રાષ્ટ્રપ્રમુખની સંમતિ પણ મેળવેલ એટલે વટહુકમને પણ કાયદાનું સ્વરૂપ મળ્યું.

ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાયના મુંબઈ રાજ્યના ભાગમાં ૧૯૬૦માં ગુજરાત અલગ પડયું ત્યારે આજનો ગણોત કાયદો - ૧૯૪૮ (Gujarat Tenancy Act - ૧૯૪૮) આજે પણ અમલમાં છે. આ કાયદામાં જે સંરક્ષિત ગણોતીયા, (Protected Tenant) કાયમી ગણોતીયા (Permanent Tenant) તેમજ ગણોતીયા તરીકેની વ્યાખ્યાઓ આપવામાં આવી છે અને નિયત તારીખે જે ૧/૪/૧૯૫૭ ગણવામાં આવે છે તેઓની જમીન ઉપરના Deemed હક્કો આપવામાં આવ્યા. અને ગણોતીયા ઠરાવવા, ખરીદ કિંમતના હપ્તા, ખરીદી પ્રમાણપત્ર, જમીન નવી શરત, જુની શરત વિગેરે બાબતો અને કલમ-૬૩ હેઠળ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ન ખેડી શકે તેવી જોગવાઈઓ, કલમ-૮૪સી હેઠળ જમીન ખાલસા કરવાની જોગવાઈ, કલમ-૩૨પી હેઠળ સરકાર દાખલ થયેલ જમીનના નિકાલની પધ્ધતિ, ખરીદી બિન અમલી વિગેરે બાબતોની જોગવાઈઓ છે. આમ કહીએ તો ગુજરાતમાં પણ સાચા ગણોતીયાઓને કાયમી હક્ક કબજેદાર તરીકે આપવાનું કામ મોટા ભાગે પુરૂ થયું. પરંતું ગણોતીયાઓએ ધારણ કરેલ જમીનો અને તે ઉપરના નિયંત્રણો અને જે અન્ય કાયદાની જોગવાઈઓ છે તે આજે પણ જુદા જુદા સ્વરૂપે કાયદાના અર્થઘટન કે ગેરઉપયોગના ધોરણે ચાલુ છે. ખાસ કરીને કલમ-૬૩ હેઠળ બિનખેડુતની તરફેણમાં ખેતીની જમીનનું નિયંત્રણ હોવાને કારણે બિનખેડુત દ્વારા ગેરકાયદેસર રીતે ખેતીની જમીન ખરીદવાના કિસ્સાઓમાં હક્કપત્રકમાં ખોટી નોંધો મહેસુલી અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરવાને કારણે ઉત્તરોતર જે વેચાણ વ્યવહારો થયા તેના કારણે સંખ્યાબંધ લીટીગેશન થયા અને છેવટે ૮૪સી હેઠળ સરકાર પ્રાપ્ત થયેલ જમીનો પણ કલમ-૩૨પી હેઠળ નિકાલ તો ન થયો અને સરકારે ૨૦૧૫માં આવા વ્યવહારો જો છેલ્લે ખરીદનારો સાચો ખેડુત ખાતેદાર હોયતો દંડ / જંત્રીની રકમ ભરીને નિયમબધ્ધ કરવાની જોગવાઈ લાવવામાં આવેલ.

આવા જ પ્રકારનો સુધારે સૌરાષ્ટ્રમાં અમલી સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ ૧૯૪૯ની કલમ-૭૫ અને ૭૫અ માં તા. ૫/૧૨/૧૫ની અસરથી બિનખેડુત દ્વારા ખેતીની જમીન ધારણ કરવાના કિસ્સામાં જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી રકમનો દંડ ભરપાઈ કર્યેથી તે જમીન પુનઃસ્થાપિત કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. એટલે કે રાજ્યસરકારને ૧૦ વર્ષ બાદ ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં લાગુ પડતા બે કાયદા વચ્ચેના ધોરણોમાં સમાનતા ન લાવવામાં આવી. જેમ ગુજરતામાં ગણોત કાયદામાં કલમ-૬૩ના ભંગ બદલ કાયદામાં જોગવાઈ છે તેવી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં કલમ-૭૫ હેઠળ શરતભંગની જોગવાઈ છે પરંતું અનઅધિકૃત ભોગવટો અને ખોટી રીતે કબજો ધરાવતો હોયતો સરકાર દાખલ કરવાની અને તેનો નિકાલ કરવાની જોગવાઈ ન હતી તે આ કાયદાથી ગુજરાતના ગણોત કાયદાના સમાન ધોરણે લાવવાની જોગવાઈ કરી છે. પરંતું પાયાના સિધ્ધાંત સ્વરૂપે કાયદાની જોગવાઈઓ વિરૂધ્ધ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ-૫૪ અને ૫૫ બિનખેડુત વ્યક્તિની તરફેણમાં ખેતીની જમીન ધારણ કરવાનું નિયંત્રણ છે. તો બિનખેડુતની તરફેણમાં નોંધો પ્રમાણિત શા માટે મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેઓ દ્વારા ખોટું Cause of action આપ્યા બાદ બિનખેડુત વ્યક્તિઓ દ્વારા અથવા બિનઅધિકૃત કબજો ધારણકર્તાઓ સામે કાર્યવાહી કરવા માટે સરકારે કાયદો લાવવો પડે છે. આમાં તો એવું પણ લાગે છે કે, દેવસ્થાનની દિવેલીયાની જમીનો કે સંસ્થાઓ દ્વારા જે બિનઅધિકૃત વ્યવહારો થયા હોય તેઓની જમીનો નિયમબધ્ધ કરવાની હોય. આ સુધારા કાયદાથી કલેક્ટરને જે Suo moto તેમજ અરજદારની અરજી ઉપરથી કાર્યવાહી કરવાની જોગવાઈ કરી છે તે તદ્દન વિવેકાધીન સતાઓ છે. કલેક્ટર દ્વારા એવું પણ થઈ શકે કે બિનઅધિકૃત વ્યવહારોની જમીન મનસ્વી રીતે સરકાર દાખલ થઈ શકે છે અને નિયમબધ્ધ પણ થાય આ સુધારા કાયદામાં સરકાર દાખલ થયેલ જમીનોનો નિકાલ સરકારી પડતર જમીનના નિકાલની જે જોગવાઈઓ છે તે પ્રમાણે નિકાલ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવ છે. સૌ પ્રથમ તો અગાઉ ચાલતા વિવાદો / જુદી જુદી કોર્ટમાં ચાલતો Pending litigation અંગે શું તેની સ્પષ્ટતા નથી અને વધુમાં કોઈપણ કાયદો ભવિષ્યલક્ષી અસરથી હોઈ તેના બદલે ૫/૧૨/૨૦૧૫ની અસરથી એટલે કે પશ્ચાતવર્તી અસરથી લાગુ કર્યો છે. એટલે કે પાછલી અસરથી કલમ-૭૫(ક) હેઠળ ખેડુત ન હોય તેવી વ્યક્તિ અથવા કોઈ સંસ્થાની તરફેણમાં જમીનની તબદીલી કરવામાં આવેલી હોય તેવું માલુમ પડેથી તેવી વ્યક્તિ અથવા સંસ્થા ઉપર આવી જમીનની પ્રવર્તમાન જંત્રીની કિંમતની રકમથી ત્રણ ગણી રકમનો દંડ ભરવાથી તરત પહેલાંના ખાતેદારની તરફેણમાં પુનઃસ્થાપિત કરવાની જોગવાઈ કરી છે. આ બધી જ બાબતોના તારણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, એકવાર બિનખેડુતની તરફેણમાં જે ખેતીની જમીનની તબદીલી વ્યવહારો પ્રમાણિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા તેને નિયમબધ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

આ સુધારો કાયદાનો અમલ કયા સ્વરૂપે થશે તે તો આવનાર સમય કહેશે. પરંતું આ તબક્કે મહેસુલી અધિકારીઓ વિવેકાધીન સત્તાનો ગેરઉપયોગ થશે અને ખોટી રીતે બિનખેડુતની તરફેણમાં જે અધિકારીઓએ નોંધ મંજુર કરી છે કે જેને કારણે આ સમગ્ર બાબતો ઉપસ્થિત થાય છે તેમની સામે કાર્યવાહી કરવાનું ન તો કાયદો ઘડનારાઓના ધ્યાનમાં છે કે ઉચ્ચ વહિવટી અધિકારીઓને જમીનોના કાયદાઓનું સરળીકરણ કરવાનું કહેવામાં આવે છે. પરંતું સાપેક્ષ સ્વરૂપે જોવામાં આવતું નથી.