- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- રાજ્ય હસ્તક દાખલ થયેલ જમીનોના કિસ્સામાં ગેરકાયદેસર વેચાણ/કબજો લેવામાં આવે તો લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી જરૂરી
- પાયાની બાબત એ છે કે જુદા જુદા સતાધિકારીઓ દ્વારા જે હુકમો કરવામાં આવેતેની નોંધ ગામદફ્તરે પાડવાની છે
તાજેતરમાં મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વડાવી ગામના તરસાનીયા ફળીયાની રેસનં - ૩૩૩ની જમીન કે જે મૂળ ગણોતીયાની જમીન ખરીદી બિનઅમલી થતાં કલેક્ટરશ્રીના નામે થયેલ જમીનનું વેચાણ થઈ ગયેલ છે. આ બાબતમાં સ્થાપિત હિતો દ્વારા સ્થાનિક મામલતદાર કચેરીના મહેસુલી અધિકારીઓના મેળાપીપણાં વગર, જમીનનો વેચાણ દસ્તાવેજ થવો અને મહેસુલી દફ્તરે નોંધ પાડી પ્રમાણિત કરવામાં આવે તે ઘટના ચોંકાવનારી સાથે, રાજ્ય સરકારના હિત વિરુધ્ધની પ્રવૃતિ ગણાય.
ગણોતધારાની કલમ-૩૨જીમાં ખરીદ કિંમતના હપ્તા નક્કી કરવાની સાથે ગણોયતીયો જમીન ખરીદવાને પાત્ર ન હોય તો ખરીદી બિનઅમલી બનાવી. કલેક્ટર હસ્તક જમીન લેવાની જોગવાઈ છે.
આ કિસ્સામાં જે પ્રકારના અહેવાલો પ્રાપ્ત થયા છે તે મુજબ ૧૯૭૬માં મામલતદાર અને કૃષિપંચ દ્વારા ૧૯૭૬માં આ જમીન ગણોતીયાને ગ્રાન્ટ કરવામાં ખરીદી બિનઅમલી થતાં મામલતદાર અને કૃષિપંચ દ્વારા હુકમ કરવામાં આવેલ, પરંતું મહેસુલી દફ્તરે હક્કપત્રકમાં અસર નોંધ કરવામાં આવેલ નહિ.
જાણકારી મુજબ આ જમીનમાં તરસાનીયા પરૂ એટલે કે મૂળ વડાવી મહેસુલી ગામનું વસી ગયેલ છે અને આ જમીનમાં સરકારી પ્રાથમિક શાળાનું મકાન, વસવાટનાં મકાનો અને મંદિર આવેલ છે. એટલે કે આ જમીન સરકારી હોવાનું માનીને આ જમીનનો ઉપયોગ કરેલ છે. પરંતું આ હેતુઓ માટે ઉપયોગ થયા તે કાયદેસર રીતે પરવાનગી મેળવીને શાળાના મકાનો કે રહેણાંકના પ્લોટ ફાળવ્યા છે તે તપાસનો વિષય છે. પરંતું એમ કરી શકાય કે આ જમીન નધણીયાતી રહેવાથી અને વિકસિત વિસ્તાર થવાથી જમીનનો ગેરકાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ થયો છે.
પ્રવર્તમાન જમીન મહેસુલ નિયમો અને જોગવાઈઓ મુજબ ખેતીની જમીનોની ઓન-લાઈન વેચાણ પધ્ધતિ છે અને તેમાં જમીનનું ટાઈટલ વેરીફીકેશન પ્રથમ કરવાનું છે. જે જમીનનું વેચાણ કરવામાં આવે તેના ફોટા દસ્તાવેજ સાથે સામેલ કરવાના હોય છે. જ્યારે આ જમીનમાં પ્રાથમિક શાળા, રહેણાંકનાં મકાનો, મંદિર, બનેલ હોવા છતાં ખેતીની જમીન તરીકે વેચાણ થાય એટલે માનવાને કારણ એ છે કે બાકીની ખુલ્લી જમીન અને સાથે પુરી જમીનનો દસ્તાવેજ કર્યો હશે.
જ્યારે ૧૯૭૬માં મામલતદાર અને કૃષિપંચે જમીનની ખરીદી બિનઅમલી બનાવી, કલેક્ટર હસ્તક જમીન લીધી હોય તો તે મામલતદારને ફરીથી જમીન માલીકને કે ગણોતીયાને જમીન આપવાનો હુકમ તેનાથી રીવીઝનમાં ન લેવાય, તે સત્તા તો અપીલમાં કે રીવીઝનમાં નાયબ કલેક્ટર જમીન સુધારણા કે પ્રાન્ત અધિકારી દ્વારા લઈને હુકમમાં ફેરફાર થાય, બાકી મામલતદાર અને કૃષિપંચને તે હુકમમાં ફેરફાર કરવાની સતા નથી.
આવી જમીનોનો નિકાલ ૩૨પી માં જે કાર્યપધ્ધતિ નક્કી કરી છે અને જે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેને આપી શકાય. પાયાની બાબત એ છે કે જુદા જુદા સતાધિકારીઓ દ્વારા જે હુકમો કરવામાં આવે તેની નોંધ ગામદફ્તરે પાડવાની છે. આ કિસ્સામાં ૧૯૭૬માં જે ખરીદી બિન અમલી બનાવતો હુકમ કર્યો તેની ગામદફ્તરે અમલ ન કરતાં બીલ્ડર / જમીન ખરીદનાર સાથે સ્થાનિક મહેસુલ અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરી જમીનનું વેચાણ થયેલ છે અને આવા પ્રકારના કેસો સમગ્ર રાજ્યમાં જુદા જુદા કાયદાઓ હેઠળ શરતભંગ હેઠળ કે કાયદાની જોગવાઈઓ વિરુધ્ધ વ્યવહાર થયેલ જમીનો સરકાર દાખલ થયેલ જમીનોનો સમયસર નિકાલ ન કરતાં અથવા જમીનનાં રક્ષણના અભાવે બારોબાર સ્થાપિત હિતો દ્વારા મહેસુલી અધિકારીઓના મેળાપીપણાંથી વેચાણ વ્યવહારો થાય છે. સરકાર એકબાજુ ૧૯૫૧થી તમામ જમીનોના વ્યવહારની ચકાસણી બાદ વેચાણ વ્યવહાર અથવા બિનખેતીની મંજુરી આપવામાં આવે છે. ત્યારે બીજી બાજુ કડી તાલુકાના વડાવી જેવા ગામોની જમીનો ટાઈટલ વેરીફીકેશન સિવાય કઈ રીતે વેચાણ થયું તે પ્રશ્નાર્થ છે.
આવી જ રીતે - ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ એટલે કે ખેતીની જમીનનું બિનખેડુતની તરફેણમાં વેચાણ થયેલ હોય તો મામલતદાર અને કૃષિપંચ દ્વારા કલમ-૮૪સી હેઠળ સરકાર દાખલ કરવાની જોગવાઈ છે અને આવા પ્રકારની કાર્યવાહી થયા બાદ રાજ્યમાં સંખ્યાબંધ કેસો નાયબ કલેક્ટર / જમીન મહેસુલ પંચ / કે હાઈકોર્ટમાં વર્ષો સુધી ચાલે છે. પરંતુ તેનો નિકાલ થતો નથી અને કદાચ ૮૪સી હેઠળ સરકાર દાખલ થયેલ જમીનની હક્કપત્રકમાં નોંધ પાડવામાં આવેલ હોય તો મારી જાણકારી મુજબ કોઈપણ કેસમાં પ્રત્યક્ષ કબજો લેતા નથી. આવા કિસ્સાઓમાં પણ ગણોતધારાની કલમ-૩૨પી હેઠળ જમીનનો નિકાલ કરવાનો છે.
આ જોગવાઈ હેઠળ જે અગ્રતાક્રમ નક્કી કર્યા છે તે મુજબ અનુસુચિત જાતિ / જનજાતિ / ખેતવિષયક સરકારી મંડળી વિગેરે છે પણ રાજ્યમાં આવી સંખ્યાબંધ શરતભંગ હેઠળની જમીનો જે સરકાર દાખલ થઈ છે તે કાનુની કાર્યવાહીમાં અથવા તો કોઈપણ કાર્યવાહી વગર યા તો મૂળ જમીન કબજેદાર પાસે અથવા ત્રાહિત વ્યક્તિઓ ઉપયોગ કરે છે.
જેમ ગણોતધારાની જોગવાઈઓના ભંગ બદલ કે સરકાર દાખલ થયેલ જમીનનો નિકાલની પધ્ધતિ છે તે મુજબ ખેતજમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મૂળ જમીન ધારકને રોકવાપાત્ર જમીન કરતાં ટોચ મર્યાદા ક્ષેત્રફળ ઉપરાંતની જમીન જે ફાજલ જાહેર કરવામાં આવે તેનો કબજો પણ સરકાર પક્ષે લેવાનો છે અને જો કોઈ કિસ્સામાં અપીલ કે કાનુની કાર્યવાહી ન ચાલતી હોય તો ટોચમર્યાદા કાયદામાં ધારા હેઠળ પણ ફાજલ થયેલ જમીનોના કબજા સમયસર લેવામાં આવતા નથી અને કાનુની પ્રક્રિયામાં લાંબો સમય અનિર્ણિત રહે છે જેથી કાયદાનો મૂળભુત હેતુ સિધ્ધ થતો નથી. આવી જ રીતે ૧૯૯૯માં શહેરી જમીન ટોચમર્યાદા ધારો રદ Repeal કરવામાં આવ્યો છે.
પરંતું ૧૯૭૬થી આ કાયદા હેઠળ પણ ફાજલ થયેલ જમીનોના કબજા લીધેલ ન હોવાના કારણે અથવા ગામદફ્તરે અસર ન આપવાના કારણે હવે કાયદાની જોગવાઈ રદ થવાથી મૂળ માલીકો જમીન પાછી માંગે છે અને આ અંગે રાજ્યસરકારના મહેસુલ વિભાગે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે અને તેના દ્વારા જમીન મૂળમાલીકને પાછી આપવાની જે શરતો નક્કી કરી છે તે પુર્તતા થતી હોય તો રાજ્ય સરકાર ગુણદોષ ઉપર નિર્ણય લે છે.
આમ જમીન સુધારા કાયદાઓ હેઠળ જે જમીનો સરકાર હસ્તક લેવામાં આવી હોય પરંતું સમયસર પગલાં ન લેવાને કારણે કડી તાલુકાના વડાવી જેવા સંખ્યાબંધ કિસ્સાઓ રાજ્યમાં છે. આશા રાખીએ કે મહેસુલી અધિકારીઓ રાજ્ય હસ્તકની સરકારી જમીનોનું નિયમન સરકારી હિતમાં કરે.


