- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- નવીન જાહેર કરેલ તાલુકાઓમાં કોઠંબા-મહિસાગરમાં ૫૮ મહેસુલી ગામોનો સમાવેશ. તાલુકા સેવાસદન નિર્માણ કરવામાં આવે
- રાજ્યના વહિવટમાં રાજ્ય એક શાસન વ્યવસ્થાનું યુનિટ છે તેમ જીલ્લો તે સૌથી અગત્યનું વહિવટી એકમ છે
(ગતાંકથી ચાલુ...)
આપણે ગત આર્ટીકલમાં ૧લી મે ૧૯૬૦ મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું અને તે પહેલાંની ઐતિહાસીક ભુમિકા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની કે જે હાલનું ભૌગોલિક વિસ્તાર ધરાવતું ગુજરાત છે તે વર્ણવવા આવેલ, જેમ જણાવ્યું તેમ ગુજરાતના બ્રિટીશ ઈન્ડીયા હકુમતના પાંચ જિલ્લા - સુરત, ભરૂચ, ખેડા, પંચમહાલ અને અમદાવાદ (હાલના અમુક વિસ્તારો) આ જીલ્લાઓની સ્થિતિ જોઈએ તો અંગ્રેજોનો મુળભુત ઉદ્દેશ હતો સામ્રાજ્યવાદ (Imprialism) આર્થિક બાબતો મુખ્યત્વે હતી અને તે દ્રષ્ટિ એ અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે પ્રથમ કોઠી જેને અંગ્રેજો Factory કહેતા હતા, તે ભરૂચમાં નાખેલ અને ત્યારબાદ સુરત, મુંબઈ, મદ્રાસ અને છેવટે કલકત્તા રાજધાની બનાવી અને છેલ્લે દિલ્હી - ગુજરાતના બ્રિટીશ ઈન્ડીયાના પાંચે પાંચ જીલ્લાઓ જોઈએ તો જમીન ફળદ્રુપ, વ્યાપારિક ૃદ્રષ્ટિએ અને વહાણવટાની દ્રષ્ટિએ ભરૂચ અને ખાસ કરીને સુરતનું ચોરાસી, ઘણાને ખબર નહિ હોય કે ચોરાસી એટલે ચોરાસી દેશના વહાણો સુરત બંદરે આવતા, અને જે તાપી નદીના કિનારે ઐતિહાસીક કિલ્લો છે તે અંગ્રેજોની કોઠી હતી. બીજી નવાઈની વાત એ છે કે સુરતનો ભૌગોલિક અને વહિવટી દ્રષ્ટિએ ચોરાસી તાલુકામાં સમાવેશ થાય છે. સદનસીબે ચોરાસી પ્રાન્ત તરીકે ગુજરાતમાં લાંબામાં લાબો એટલે કે પાંચ વર્ષ ઉપરાંત પ્રાન્ત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે કામ કરવાની તક મળી, બ્રિટીશ ઈન્ડીયા પૈકીનો પંચમહાલ જીલ્લો - જેમાં પાંચ મહાલ હતા. ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ એટલે તેનું નામ પંચમહાલ પાડવામાં આવેલ, ખરેખર તો આ જીલ્લાની વનસંપત્તિ, ખનિજ સંપત્તિને કારણે અંગ્રેજોએ તેમના વહિવટ હેઠળ લીધેલ, અંગ્રેજોના સમયમાં પાવાગઢ નજીકમાં શિવરાજપુરની ખાણોમાંથી ખનીજ કાઢવામાં આવ્યું તે અંગ્રેજોની આર્થિક શોષણ નીતિનો ભાગ હતો. જેમ સુરતનો માંગરોળનો ઉમરપાડા અને ડાંગમાં વસઈ સુધી અંગ્રેજોએ રેલ્વેલાઈન નાખેલ તેની પાછળનો ઉદ્દેશ વન અને ખનીજ સંપતિનું વહન કરવાનો હતો.
૧૮૭૭ સુધી પંચમહાલ જીલ્લો અગાઉ - ખેડા સાથે રેવાકાંઠા તરીકે ઓળખાતો અને થોડો સમય ભરૂચ હસ્તક હતો. મૂળ આ સીંધીયા હકુમતનો વિસ્તાર હતો. પરંતું અંગ્રેજોએ ઝાંસીના બદલામાં પંચમહાલને પોતાની હકુમત હેઠળ લીધેલ. ૧લી મે ૧૯૬૦થી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી ૧૯૬૪માં સુરતમાંથી વલસાડ અલગ જીલ્લો થયો, તેનું મુખ્ય કારણ મોરારજી દેસાઈ મૂળ ભદેલી-વલસાડ ગામના વતની એટલે તેમને કારણે વલસાડને જીલ્લા મુખ્ય મથક બનાવવામાં આવ્યું પાછળથી નવસારીને પણ નાનો જીલ્લો (ચાર તાલુકા) બનાવવામાં આવેલ, ગુજરાતનાં ૧૯ જીલ્લાઓ અને ૧૮૫ તાલુકાઓ ૩૫ વર્ષ સુધી રહ્યા. જે તે સમયના ભૌગોલિક દ્રષ્ટિએ મોટા જીલ્લાઓમાં ખેડા, મહેસાણા અને જુનાગઢનો સમાવેશ થતો હતો. ૧૯૭૮માં જીલ્લાના વિભાજન માટે સમિતિએ ભલામણ કરેલ, પરંતું લાંબો સમય સુધી જીલ્લા વિભાજન થયેલ નહિ, ખેડા જીલ્લો વસ્તીની દ્રષ્ટિએ મોટો હતો. જીલ્લાઓનું પ્રથમ વિભાજન થયું ત્યારે ખેડા, આણંદ, મહેસાણા, પાટણ અને જુનાગઢ, પોરબંદર કરવામાં આવેલ, ખેડા જીલ્લા માટે સૌને આશ્ચર્ય લાગશે કે જે તે સમયે અંગ્રેજો જીલ્લા મથક નદી કિનારે સ્થાપતા નડિયાદ મુખ્યમથક જેવું હોવા છતાં અને ખેડા મહેમદાવાદ તાલુકાનો ભાગ હતો તેમ છતાં વાત્રક નદી કિનારે કલેક્ટર કચેરી હતી, તેજ રીતે ભરૂચ-નર્મદા કિનારે, સુરત તાપી કિનારે, કિલ્લો - કોઠી અને પંચમહાલ પણ રેવા નદી કિનારે આ પણ એક વિશિષ્ટ બાબત જાણવા જેવી છે. જુનાગઢમાંથી પોરબંદર જીલ્લો કરવામાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળને પ્રાધાન્ય આપવામાં આવ્યું. પરંતું ફક્ત ત્રણ તાલુકાનો સમાવેશ કરેલ, જેમાં રાજકીય દ્રષ્ટિ હતી. પરંતું પાછળથી એક નવો જીલ્લાની ગીર સોમનાથ કરવામાં આવ્યો. પાછળથી જે જીલ્લાઓ જાહેર કરવામાં આવ્યા તેમાં દેવભુમી દ્વારકા, અરવલ્લી, મહિસાગર, નર્મદા અને છેલ્લા ૩૬માં જીલ્લા તરીકે વાવ અને નવીન જીલ્લો જાહેર કરવામાં આવ્યો.
અત્યારે વહિવટી સુગમતાના મુદ્દા ઉપરાંત રાજકીય બાબતોને ગણનામાં લેવામાં આવે છે. મૂળ બનાસકાંઠામાંથી અગાઉ રાધનપુર વિસ્તારને પાટણ જીલ્લામાં સમાવેશ કરવામાં આવેલ. વાવ-થરાદ બનાસકાંઠાના પાલનપુર મુખ્યમથકથી દુર છે તે હકિકત છે. પરંતું ધાનેરા અને દિયોદર, ભાભર જેવા વિસ્તારના તાલુકાઓએ વાવમાં જોડાવાનો વિરોધ કર્યો તેમાં ભૌગોલિક અનુકુળતા સાથે રાજકીય બાબતોને સાંકળવામાં આવે છે.
ભરૂચમાંથી નર્મદા જીલ્લાને અલગ કરવામાં મુખ્યત્વે સરદાર સરોવર ડેમની સાથોસાથ અંતરની દ્રષ્ટિએ પણ ભરૂચથી દુર ઉપરાંત સાગબારા, ડેડીયાપાડા, નેત્રંગ, જેવા તાલુકાઓમાં જંગલ વિસ્તારના છે. રાજકોટમાથી મોરબી તાલુકો ૨૦૧૩માં અલગ કરવામાં આવ્યો. રાજકોટ જીલ્લાના કલેક્ટર તરીકે અમોએ લાંબા સમય સાડાત્રણ વર્ષ ફરજ બજાવી છે.
એટલે ખ્યાલ છે કે ઉપલેટાથી માળીયામીયાણાનો વિસ્તાર અને નવલખી બંદર સુધી મૂળ મધ્ય સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો જીલ્લો હતો અને રાજકોટ ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર રાજ્યનું મુખ્યમથક પાટનગર હતું અને કેન્દ્રસ્થાને હોવાથી રાજ્યકક્ષાની તમામ પ્રવૃતિનું કેન્દ્રબિંદુ રાજકોટ છે એટલે વહિવટી દ્રષ્ટિએ મોરબીને નવીન જીલ્લો રચવામાં આવેલ છે. આમ હાલ ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતમાં ૩૬ જીલ્લાઓ છે.
રાજ્યના વહિવટમાં રાજ્ય એક શાસન વ્યવસ્થાનું યુનિટ છે તેમ જીલ્લો તે સૌથી અગત્યનું વહિવટી એકમ છે અને અંગ્રેજોએ જે વહિવટી વ્યવસ્થાના પાયામાં જીલ્લાના વડા તરીકે કલેક્ટરને સરકારના પ્રતિનિધી તરીકે સ્થાપિત કરેલ Collector is eyes and ears of Government.. મોટાભાગે રાજ્ય સરકારના તમામ વિભાગોની કચેરીઓ જીલ્લા મથક હોય છે અને સરકારની તમામ યોજનાનું પાલન અને નિયમન કારી કામગીરી જીલ્લા કક્ષાએ થાય છે. જીલ્લા કક્ષાના વડાઓમાં કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે. પરંતું વહિવટી દ્રષ્ટિએ કલેક્ટર એ જીલ્લાના વડા છે અને સરકારના તમામ વિભાગોનું સંકલન કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવે છે. અંગ્રેજો દ્વારા પ્લાસીના ૧૭૫૭ના યુધ્ધમાં જીત બાદ. સૌ-પ્રથમ ૧૯૬૧માં કલેક્ટરને અંગ્રેજોના જીલ્લા પરગણામાં નિમણુંક કરેલ, અને આ આઈ.સી.એસ. અધિકારીઓ હતા. આઝાદી બાદ સરદાર પટેલ દ્વારા સર્જન કરેલ આઈ.એ.એસ. કેડરના અધિકારીઓને જીલ્લા કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવે છે. રાજ્યનો સમતુલીત વિકાસ થાય અ નાગરિકોને (રૈયત) સરકારી સેવાઓ ઘરઆંગણે, સમયસર પ્રાપ્ત થાય તે અભિગમ છે. પરંતું અમલીકરણની બાબતમાં અને હવે રાજ્યમાં અલ્પવિકસિત વિસ્તારોને મુખ્ય પ્રવાહમાં લાવવા જીલ્લા અને તાલુકાનું શું મહત્વ છે તે અંગે આગામી લેખમાં વર્ણન કરીશું.
(ક્રમશઃ)


