Get The App

ગુજરાત સરકારના નવીન જીલ્લા / તાલુકા રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટમાં ''તાલુકો'' અગત્યના એકમ તરીકે

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારના નવીન જીલ્લા / તાલુકા રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટમાં ''તાલુકો'' અગત્યના એકમ તરીકે 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ''નવરચિત તાલુકાઓમાં વિકાસલક્ષી Vision Document (કોઠંબા સહિત) બનાવવું જરૂરી''

- લોકશાહી પ્રક્રિયામાં સતા સાથે તમામ વિસ્તારના સમતુલિત વિકાસના ફળ દરેક સુધી પહોંચે તે અગત્યનું છે

ગતાંકથી ચાલુ :- 

રાજ્યના વહિવટમાં ''તાલુકો'' વહિવટના એકમ તરીકેનું ઉદભવસ્થાન અને વિભાવના અંગે અગાઉના શ્રેણીબધ્ધ આર્ટીકલ - લેખના માધ્યમથી જાણકારી આપી. તેમજ તબક્કાવાર તાલુકાના - Evolution અને Ascent - ચડાણ અંગે પણ વિગતવાર સમજ આપી છે. આઝાદી પહેલાં અને પછી તાલુકાની કામગીરીમાં નિયમનકારી (Regulatory) અને વિકાસ લક્ષી Developmental કામગીરી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અનુક્રમમાં વિભાજીત થયેલ છે. આ બંન્ને અધિકારીની કચેરીઓ તાલુકા કક્ષાએ Focal Office છે. આઝાદી બાદ કલ્યાણ રાજ્ય - Welfare State ની વિભાવના બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં છે અને તે અનુસાર નિતીઓ ઘડવામાં આવે છે અને તેનો શબ્દ છે State Shall Strive.....આઝાદીના ૭૫ વર્ષ પછી પણ હજુ આપણો દેશ વિકાસશીલ દેશની Categoryમાં છે. 

હવે ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશની કક્ષામાં Vision જોવામાં આવી રહ્યું છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપણે અન્ય રાજ્યોની સરખામણીએ પ્રગતિશીલ રાજ્ય તરીકેની ઓળખ છે. પરંતું હજુ અમુક વિસ્તારોમાં અસમતુલિત વિકાસ છે અને શહેરો અને ગામડાઓમાં કુપોષણ Malnutrition જેવી બાબતો છે. પંચાયતી રાજની વિભાવનામાં સતા અને સાધનો Power & Resources આપવાની વિભાવનાને કારણે પંચાયત અધિનિયમ ૧૯૬૧ હેઠળ ત્રિસ્તરીય પંચાયતોની Three tier Government સ્થાપવામાં આવી અને ૭૩મા બંધારણ સુધારાથી કાયદાકીય બળ આપવામાં આવ્યું આમ ગુજરાતમાં સંસ્થાકીય સ્વરૂપ યોગ્ય રીતે સ્થપાયું છે અને ૭૩મો બંધારણ સુધારો આવ્યો તે પહેલાં ગુજરાતમાં તો નિયમિત સ્વરૂપે પાંચ વર્ષ ચુંટણીઓ પણ યોજવામાં આવતી હતી, અન્ય રાજ્યોમાં નિયમિત ચુંટણીઓના અભાવે અને સતાના વિકેન્દ્રિકરણના અભાવે ૭૩મો બંધારણ સુધારો લાવવાની કેન્દ્રને ફરજ પડેલ ગુજરાતની પંચાયતી રાજની સંસ્થાઓને તાલુકા / જીલ્લા / પંચાયતોને પોલીસ વહિવટ સિવાય - મહેસુલી કાર્યો સહિત સુપ્રત કરવામાં આવેલ અને ૭૩ના બંધારણ સુધારા મુજબ રાજ્યએ રાજ્ય નાણાંકીય પંચની રચના અને રાજ્ય ચુંટણી પંચની રચના પણ કરેલ છે.

તાલુકાના વહિવટી એકમને વિકેન્દ્રિત કરવાના અભિગમ રૂપે અને જીલ્લા કલેક્ટર અને જીલ્લાવિકાસ અધિકારી, તાલુકાના અધિકારીઓને વિકાસની પ્રક્રિયામાં અને ખાસ કરીનેFelt Need Missing Link યોજનાકીય આપુર્તી કરવાના ભાગરૂપે સૌ પ્રથમ ૧૯૮૨માં જીલ્લા આયોજન મંડળ અને તાલુકા આયોજન મંડળનો અભિગમ લાવવામાં આવ્યો અને કલેક્ટરને જીલ્લાના વડા તરીકે શરૂઆતમાં જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા તેજ રીતે તાલુકા આયોજન મંડળના અધ્યક્ષ તરીકે પ્રાન્ત અધિકારીને મુકવામાં આવ્યા અને આ વ્યવસ્થા હેઠળ વિવેકાધીન સતાઓ આપવામાં આવી, આમાં ૧૫% અને ૫% વિવેકાધીન અને પ્રોત્સાહક યોજનામાં ગામ અને તાલુકાની જરૂરિયાત મુજબના કામો રાજ્યની માર્ગદર્શક સુચનાઓ મુજબ હાથ ધરવામાં આવતા આમાં ઉપરથી કામો લાદવાને બદલે Bottom-up અભિગમ હતો ૨૦ વર્ષ બાદ જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તરીકે રાજ્યના પ્રભારી મંત્રીને બનાવવામાં આવ્યા અને કલેક્ટરને ઉપાધ્યક્ષ અને અમલીકરણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જીલ્લા પંચાયતના પ્રમુખને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તાલુકાના આયોજન મંડળમાં પ્રાન્ત અધિકારી અધ્યક્ષ તરીકે યથાવત રહ્યા છે. આ આયોજન મંડળમાં જીલ્લાના સાંસદ / ધારાસભ્યો પણ છે. પરંતું આ મંડળમાં તજજ્ઞો કે નિષ્ણાતોનો અભાવ જોવા મળે છે. મોટા ભાગના કામો રાજકીય દ્રષ્ટિકોણથી લેવામાં આવે છે. ખરેખર જરૂરિયાતવાળા કામો લેવાનો મુળભુત અભિગમ હતો તેમાં પરિવર્તન આવ્યું છે. કારણ કે હવે ધારસભ્યોને રાજ્ય દ્વારા ૨ કરોડ જેટલી વિવેકાધન ગ્રાન્ટ આપવામાં આવે છે. તેજ રીતે સંસદ સભ્યને પણ કેન્દ્ર દ્વારા ૫ કરોડ સુધી MPLADS યોજના હેઠળ વિવેકાધીન ગ્રાન્ટ આપવામાં આવે છે. 

આમ જીલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી / જીલ્લાવિકાસ અધિકારીને વિકાસની પ્રક્રિયામાં વિવેકાધીન સતાઓ આપવામાં આવેલ, તેમાં કાપ મુકવામાં આવેલ છે. મુળભુત ઉદ્દેશ સમતુલીત વિકાસના ભાગરૂપે Felt need વાળા કામો હાથ ધરવાના અભિગમમાં ફક્ત રાજકીય દ્રષ્ટિકોણ આવ્યો છે તે હકિકત છે કારણકે લોકશાહી પ્રક્રિયામાં સતા સાથે તમામ વિસ્તારનો સમતુલિત વિકાસના ફળ દરેક સુધી પહોંચે તે અગત્યનું છે. અગાઉના લેખમાં પણ અમોએ જણાવેલ કે મહેસાણા ખાતે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે યોજાયેલ ચિંતન શિબીરમાં ''તાલુકા વહિવટ''ને મજબુત બનાવવા ATVT - ''આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો''ના અભિગમ રજુ કરવામાં આવેલ અને અમોએ ભારપુર્વક રજુઆત કરેલકે જે વિષયો તાલુકા કક્ષાએ આપવાના છે તેમાં વાસ્તવિક સ્વરૂપે ''સતા સોંપણી'' Delegation of Powers સાથે નાણાંકીય વહિવટી અને સંસ્થાકીય બાબતો પણ આપવી અને તે અંતર્ગત - ATVT ચાલુ થયું. 

પરંતું જે સ્વરૂપે માનવબળ - Manpower અને સતાઓ સુપ્રત કરવી જોઈએ તે થયેલ નથી. ફક્ત તાલુકામાં શિક્ષણ વિસ્તરણ અધિકારી હતા, તે Taluka Education Officer નિમાયા અને આરોગ્યમાં તાલુકા આરોગ્ય અધિકારી નિમાયા આ સતાધિકારીઓને પણ વહિવટી અને કર્મચારીઓના પગાર તરીકે સતાઓ આપવામાં આવી ગ્રામવિકાસ અને ગ્રામપંચાયતોને સતા આપવાની બાબતે જીલ્લા કક્ષાએ - જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી કાર્યરત છે. તેમના હસ્તક અગાઉ તાલુકા વિકાસ અધિકારી સમકક્ષ IRDP Office હતા. હવે યોજનાઓને પણ સંકલિત કરવામાં આવી છે અને જીલ્લા વિકાસ એજન્સીના અધ્યક્ષ તરીકે સબંધિત વિસ્તારના સંસદ સભ્યને બનાવવામાં આવ્યા છે. તાલુકામાં ક્લસ્ટર Developmentનો અભિગમ હતો, જેમાં વિસ્તારની ક્ષમતાને ધ્યાનમાં લઈ વિકાસલક્ષી યોજનાઓ હાથ ધરવાની હતી. પરંતું અપેક્ષિત ધોરણે કામ થયું નથી. મહેસુલ વિભાગમાં મામલતદારની નીચે અગાઉ સર્કલ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ હતી. તે તમામ જગ્યાઓ અમો પ્રાન્ત અધિકારી, સુરત અને કલેક્ટર રાજકોટ હતા, ત્યારે સરકારમાં રજુઆત કરી, તમામ જગ્યાઓને નાયબ મામલતદાર કક્ષામાં અપગ્રેડ કરવાથી તેઓ હક્ક પત્રકની નોંધ પ્રમાણિત કરતા થયા અને ઘણી જગ્યાએ એક્જીક્યુટીવ મેજસ્ટ્રેટની સતાઓ આપવામાં આવી, હાલ તાલુકા પંચાયતમાં પણ હાલ સર્કલ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ છે તેને મહેસુલ વિભાગની માફક નાયબ ચીટનીશ / સર્કલ ઓફિસર સમકક્ષ કરવાની જરૂર છે. તેજ રીતે જેમ મહેસુલ વિભાગમાં મહેસુલી તલાટીની જગ્યાઓ ઉપસ્થિત કરવામાં આવી છે તેજ ધોરણે તમામ ગ્રામ પંચાયતોમાં - ગ્રામપંચાયત મંત્રી (તલાટી)ની જગ્યાઓ મંજુર કરવાની જરૂર છે. તાલુકા કક્ષાએ મહેસુલી કામગીરી, સીટી સર્વેની બાબતો અંગે આગામી લેખમાં વર્ણન કરીશું.

ક્રમશ: