Get The App

નવીન જીલ્લા તાલુકાઓ રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટી અભિગમ સાથે પ્રાદેશિક ફેરફારનો પૂર્વ ઇતિહાસ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
નવીન જીલ્લા તાલુકાઓ રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટી અભિગમ સાથે પ્રાદેશિક ફેરફારનો પૂર્વ ઇતિહાસ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- નવરચિત કોઠંબા, મહિસાગર તાલુકાને મોડેલ - નમૂનારૂપ તાલુકો બનાવવા સરકાર આયોજન કરે

- કચ્છ અલગ 'સી' કેટેગરીનું સ્ટેટ હતું કારણ કે કચ્છ ભૌગોલિક રીતે જેમ મુંબઈનો વિદર્ભ પ્રદેશ હતો તેમ કચ્છનો અલગ દરજ્જો હતો

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખાસ કરીને રાજ્યના પુર્વ પટીય વિસ્તારના જીલ્લાઓમાં નવીન - ૧૭ તાલુકાઓની રચના કરવામાં આવી છે. ગુજરાત ૧લી મે ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં દ્વિભાષી (Bilingual) રાજ્ય મુંબઈનો ભાગ હતો અને તે અગાઉ બ્રિટીશ શાસન વ્યવસ્થામાં Bombay Province હતો, રાજ્યની રચના સમયે ગુજરાતમાં ૧૬ જીલ્લાઓ હતા ૧૯૬૪માં સુરત જીલ્લામાંથી વલસાડ અલગ કરવામાં આવ્યો, ડાંગ જીલ્લાને મોરારજી દેસાઈ તત્કાલીન મુંબઈના મુખ્યમંત્રીશ્રીની કુનેહને લીધે રચવામાં આવેલ, અમરેલી જીલ્લો જીવરાજ મહેતા તત્કાલીન પ્રથમ મુખ્યમંત્રી, ગુજરાતના કારણે રચવામાં આવેલ ૧૯૫૬ સુધી રાજ્યોની પુનઃ રચના કરવામાં આવેલ, આમ તો મોટા ભાગે ભાષા આધારિત રાજ્યોની માંગને લીધે કરવામાં આવેલ - આઝાદી પછી બ્રિટીશ હકુમતના વિસ્તારો સાથે ૫૬૫ દેશી રાજ્યોનું વિલીનકરણ થયા બાદ અખંડ ભારત Sovereign India સાર્વભૌમ ભારત સરદાર સાહેબની આગવી કુનેહ, મનોબળ, લોખંડી તાકાત અપનાવીને પણ રચના કરવામાં અવિસ્મરણીય ફાળો છે અને સ્વતંત્રતાના શરૂઆતના વર્ષોમાં સરદાર સાહેબ સહિત ભાષા આધારિત રાજ્યોની સ્થાપના કરવાની તરફેણમાં ન હતા કારણ કે તેની પાછળ ભારતની એકતા અને અખંડિતતાની ભાવના હતી. વિવિધતામાં એકતાની (Unity in Diversity) વિભાવના હતી, સમયાંતરે ભાષા આધારિત માંગણી પ્રબળ બની અને તેની શરૂઆત ૧૯૫૬થી કરવામાં આવી જેમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત પણ આ સમયગાળાથી થઈ તે પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છને 'બી' અને 'સી' સ્ટેટનો દરજ્જો હતો. હાલનું ગુજરાત - મુંબઈ રાજ્યનો ભાગ હતો. સૌરાષ્ટ્રમાં ૨૨૨ દેશી રજવાડા હતા અને ગુજરાતમાં બ્રિટીશ હકુમત હેઠળના પાંચ જીલ્લાઓ, સુરત, ભરૂચ, ખેડા, પંચમહાલ અને અમદાવાદનો અમુક ભાગ હતો. મુંબઈમાંથી અલગ ગુજરાત કરવામાં મહાગુજરાતના આંદોલનકારીઓ હતો, તેમાં મોખરે ઈન્દુલાલ યાજ્ઞિાકની આગેવાની મુખ્યત્વે હતી. જે તે સમયે મોરારજી દેસાઈ અલગ ગુજરાત કરવાની તરફેણમાં ન હતા, તેમનો અભિગમ જુદો હતો, કે મુંબઈ વ્યાપાર અને ઉદ્યોગ નાણાંકીય રીતે સધ્ધર હતું છેવટે સતત ચાર વર્ષના આંદોલન બાદ ગુજરાત ૧લી મે ૧૯૬૦ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું સાથોસાથ ૧૯૫૬ના રાજ્યોના પુનઃગઠન કાયદા હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છને અલગ રાજ્યના દરજ્જામાંથી ગુજરાતમાં ભેળવવામાં આવ્યા. આમ અલગ બૃહદ ગુજરાત ૧૯૬૦ અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યુ. એન. ઢેબર હતા તેમને પાછળથી કેન્દ્ર લેવલે સંગઠનની જવાબદારી સુપ્રત કરવામાં આવી.

ગુજરાતની રચના અને નવીન પ્રધાનમંડળનું ગઠન ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદમાં પૂજ્ય રવીશંકર મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યું. પૂજ્ય રવીશંકર પ્રથમ મંત્રીમંડળને અને સરકારને આપેલું પ્રવચન ઐતિહાસીક છે. આજના શાસકો, અમલદારો અને તમામ ગુજરાતના નાગરિકોએ તેઓએ વ્યક્ત કરેલ વિભાવના અંગે આંતર દર્શન (Introspection) કરી વિશ્લેષણ કરવા જેવું છે કે રાજ્ય હાલ કઈ સ્થિતિએ છે અને ખાસ કરીને શાસકો અને અમલદારોએ નાગરિકોએ મહાગુજરાતના આંદોલનકારીઓ જે ચળવળ ચલાવેલ, તેમાં અલગ રાજ્ય મેળવવામાં સફળતા મળી, પરંતુ તેને નાગરિકોની આંકાક્ષાઓ પરિપુર્ણ કરવામાં કેટલા સાબિત પુરવાર થયા છે. પૂજ્ય રવિશંકર મહારાજે રાજ્યના સુશાસન માટે જે બોધપાઠ આપેલ, તે મહારાજ સયાજીરાવને જેમ ટી. માધવરાવે તાલીમ આપેલ કે રાજ્યના શું કર્તવ્યો અને ફરજો છે તે જ પ્રમાણે નવીન રાજ્યના શાસકો પાસેથી અપેક્ષા રાખવામાં આવેલ.

હવે ૧૯૬૦માં સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં ભેળવતા સૌરાષ્ટ્રના જે જીલ્લાઓ હતા તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભૌગોલિક સ્થિતિ સાથે વિસ્તારની જ્ઞાાતિ અને રજવાડાઓ આધારિત જીલ્લા અને તાલુકાઓની રચના કરવામાં આવેલ, જેમ કે ભાવનગર - મહારાજ કૃષ્ણકુમાર સિંહનું રાજ્ય જે સ્વતંત્રતા બાદ ભારતીય સંઘ (Indian Union) માં ભાવનગર પ્રથમ રાજ્ય તેને ગોહિલવાડ તરીકે ઓળખાતું, સુરેન્દ્રનગર જેને ઝાલાવાડ તરીકે જાણીતું હતું, જામનગરને હાલાર તરીકે ઓળખાતું અને જુનાગઢને સોરઠ તરીકે ઓળખાતું અને હાલ રાજકોટને મધ્ય સૌરાષ્ટ્ર તરીકેની ઓળખ હતી અને બ્રિટીશ સરકારના પોલીટીકલ રેસીડેન્ટ એજન્ટ વેસ્ટર્ન રીઝીયન તરીકે રાજકોટ હતું. કચ્છ અલગ 'સી' કેટેગરીનું સ્ટેટ હતું કારણ કે કચ્છ ભૌગોલિક રીતે જેમ મુંબઈનો વિદર્ભ પ્રદેશ હતો તેમ કચ્છનો અલગ દરજ્જો હતો. અમરેલી જીલ્લાને પાછળથી ઉપર જણાવ્યા તે પ્રદેશોમાંથી અમુક ભાગો લઈને અલગ જીલ્લો બનાવવામાં આવેલ. સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓ ૨૨૨ રજવાડાઓ પૈકીના મોટા રજવાડા હતા. તે વિસ્તારોને મુખ્ય તાલુકા મથક બનાવવામાં આવ્યા. દા.ત. ગોંડલ, આ વર્ણન એટલા માટે કરવામાં આવે છે કે મૂળ મુંબઈ પ્રાન્ત બ્રિટીશ હકુમત ત્યારબાદ બૃહદ મુંબઈ, પછી સૌરાષ્ટ્ર અને કચ્છ અને ત્યારબાદ અલગ મહારાષ્ટ્ર અને ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છનું ગુજરાતમાં વિલીની કરણ જે હાલ ભૌગોલિક દ્રષ્ટિએ અસ્તિત્વમાં છે, કારણ કે ગુજરાતને ફરતે ૧૬૦૦ કિ.મી. દરિયો હોવાથી અને પુર્વમાં અરવલ્લીની ગિરીમાળાઓને કારણે હાલનું ગુજરાતનું ભૌગોલિક વિસ્તરણ શક્ય નથી, કારણ કે છેલ્લે ૧૯૫૬માં રાજ્યોના પુનઃગઠન વખતે રાજસ્થાનનો માઉન્ટ આબુ અગાઉ મુંબઈ એટલે કે ગુજરાત રાજ્યનો ભાગ હતો જે રાજસ્થાનને આપવામાં આવેલ અને ડાંગ જે મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ હતો તે ગુજરાતમાં ભેળવવામાં આવ્યો. રાજ્યોની સરહદો કે વિસ્તારની રચના ભારત સરકારને Reorganisation Act હેઠળ ફેરફાર કરવાની સત્તા છે જ્યારે રાજ્યના જીલ્લા અને તાલુકાઓની રચના જેને જમીન મહેસુલ અધિનિયમની કલમ-૧૮૭૯ની કલમ-૭ મુજબ પ્રાદેશિક ફેરફાર મુજબ કરવામાં આવે છે. જીલ્લા/તાલુકાની રચનામાં ભૌગોલિક, વસ્તી, ભાષા, વહિવટી સુગમતા વિગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે તે અંગે આગામી લેખમાં વર્ણન કરીશું.

(ક્રમશઃ)