- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- મહેસૂલ વિભાગે ખેતીની જમીનો અને સિટી સર્વેના સત્તા પ્રકારો અંગે અદ્યતન સંકલિત ઠરાવ બહાર પાડવાની જરૂરિયાત
જમીન / મિલ્કતના નિયમન માટે જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ સર્વોપરી છે અને આ કાયદાનું ઘડતર મુખ્યત્વે જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવાનું અને હક્કપત્રકના નિયમો હેઠળનું વ્યવસ્થાતંત્ર મુખ્યત્વે છે. આઝાદી મળી તે પહેલાથી બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ આ કાયદો અમલમાં છે આઝાદી મળ્યા પહેલાં બ્રિટીશ હકુમત વિસ્તાર સિવાય સબંધિત રાજ્યના જમીન મહેસુલ કાયદા હતા. દા.ત. બરોડા, ગોંડલ, ભાવનગર વિગેરે જ્યારે બ્રિટીશ હકુમતના જીલ્લાઓમાં સુરત, ભરૂચ, પંચ મહાલ, ખેડા, અમદાવાદના ભાગનો સમાવેશ થતો હતો. અને સબંધિત રજવાડાઓમાં જમીનોના જુદા સત્તા પ્રકાર હતા. દા.ત. દેવસ્થાન, ઈનામી, પસાયતા, ચાકરીયાત વિગેરે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં દા.ત. પાંન્ડુ, મેવાસ, ડીસા, વિગેરેમાં પણ જુદા જુદા સત્તા પ્રકાર હતા અને આ સત્તા પ્રકારોમાં જમીન મહેસુલ લેવું / ન લેવું / મહેસુલ માફી વિગેરે બાબતો હતી. આઝાદી મળ્યા બાદ જમીન સુધારાઓના ભાગરૂપે જમીન ઉપરના Superior Holder અગ્રહક્કે ધારણ કરનારાઓના બદલે કબજેદારોને / ગણોતીયાઓને જમીન ઉપરના કાયમી હક્ક આપવાની સાથે તમામ જમીનોને મહેસુલને પાત્ર બનાવી. Land Liable for Land Revenue સિવાય કે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ હેતુ માટે મહેસુલ માફી આપવામાં આવે. દા.ત. શૈક્ષણિક હેતુ માટે. આમ રાજ્યના તમામ ભાગોમાં જમીન મહેસુલને પાત્ર ગણવામાં આવી અને તે અંગેનું વ્યવસ્થાતંત્ર ગામના નમુના નં.-૧ થી ૧૮માં સમાવેશ થાય છે.
બીજું કે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૩૭ પ્રમાણે તમામ જમીન સરકારી ગણાય છે. નમુના નં.-૭માં ઉપરના મથાળે 'સરકારી' દર્શાવવામાં આવે છે અને જમીનના કબજેદારના કોલમમાં જમીનના ધારણ કર્તાનું નામ દર્શાવવામાં આવે છે. એટલે કે પાયાના સિધ્ધાંત તરીકે જમીન મહેસુલ અધિનિયમ હેઠળનો વહિવટ જમીન ઉપરના હક્કો 'માન્યતા આધારિત Presumptive Value ઉપર છે અને વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી “Unless Contrary Proved” જમીન ઉપરના હક્કો રેકર્ડ આધારિત માન્ય ગણવામાં આવે છે. જ્યારે કોઈ માલીકી હક્ક અંગે તકરાર થાય તો ફક્ત સીવીલ કોર્ટને માલીકી હક્ક નક્કી કરવાની સત્તાઓ છે અને તે હુકમ આધારે મહેસુલી રેકર્ડમાં નોંધ કરવામાં આવે છે. આમ જમીન મહેસુલનું રેકર્ડ અદ્યતન રાખવાના ભાગરૂપે હક્કપત્રકના નિયમો દ્વારા હક્કપત્રકમાં નોંધ રાખવામાં આવે છે. જ્યારે જમીન સુધારા કાયદાઓ જેવાંકે ગણોતધારો, ખેત જમીન ટોચ મર્યાદા ધારો અને સત્તાપ્રકાર નાબુદી ધારાઓ (Tenure Abolitions) અમલમાં લાવવામાં આવ્યા ત્યારે જેમ જણાવ્યું તેમ જમીન ઉપરના કાયમી હક્કો આપવા અને જમીન મહેસુલને પાત્ર બનાવવા માટે ઔપચારિક સ્વરૂપે મોટાભાગે છ પટ્ટ (આકારની રકમ)ની રકમ વસુલ લઈને જમીન ગ્રાન્ટ કરવાના હુકમો કરવાના હતા અને આ કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવાની હતી. પરંતું ઘણી જગ્યાએ જમીનના કબજેદારો / ખેડુતો પણ અભણ / અજ્ઞાાન હોવાને કારણે આટલી નાની રકમ ભરીને કાર્યવાહી થયેલ ન હતી. ખરેખરતો રાજ્ય જ્યારે ખેતીની જમીન ઉપરનું મહેસુલ પણ હાલ વસુલ કરતા નથી તો રાજ્ય સરકાર અવારનવાર આવી જમીન ગ્રાન્ટ કરવા આજે પણ મુદત લંબાવે છે. (દા.ત. પસાયતા - આકરીઆત) તો જેમ ૧૫ વર્ષ બાદ નવી શરતની ખેતીની જમીન જુની શરતની ગણવાના હુકમો કરવામાં આવે છે તે સ્વરૂપે કરવા જોઈએ.
હવે ઉક્ત પુર્વભુમિકા સાથે જમીનોના સત્તાપ્રકાર (Tenure) અંગે વિવરણ કરવામાં આવે તો મુખ્યત્વે જમીન જુની શરત (Old Tenure) એટલે કે જમીન તબદીલીને પાત્ર અને કલેક્ટરની પૂર્વ પરવાનગી સિવાય તબદીલ થઈ શકે, જ્યારે નવી શરત (New Tenure) અને નિયંત્રિત સત્તાપ્રકાર અથવા બિન તબદીલીને પાત્ર તેવા શબ્દ પ્રયોગ કે જે જમીન કલેક્ટરની પરવાનગી સિવાય વેચાણ / તબદીલી થઈ શકતી નથી જેમાં ગણોતધારા હેઠળની, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ફાળવેલ, સરકાર દ્વારા ચોક્કસ હેતુઓ માટે ફાળવેલ જુદા જુદા સત્તાપ્રકાર અધિનિયમ, ભુદાન હેઠળ, 73AA હેઠળની આદિવાસી જમીન વિગેરે. આ તમામ પૈકી ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ફાળવેલ ખેતીની જમીન અને ભુદાન હેઠળની જમીન સરકાર કે કલેક્ટરને પણ આવી જમીન તબદીલ ન કરવાની જોગવાઈઓ છે. ૨૦૨૧-૨૨માં રાજ્ય સરકારે જમીન સુધારાના ભાગરૂપે અગાઉ જે ઈનામી / દેવસ્થાન તેમજ જુદા જુદા સત્તાપ્રકાર નાબુદી અધિનિયમની જમીનો અંગે વિસંગતતાઓ થતી હતી તે અંગે સરળીકરણના પરિપત્રો કર્યા છે પરંતું આ પરિપત્રોમાં પણ છેલ્લે મહેસુલ વિભાગે ૨૦૧૭માં જે પરિપત્ર કરેલ તે ધ્યાનમાં લેવા જણાવેલ એટલે કે પુર્વવત સ્થિતિ જીલ્લાના મહેસુલી અધિકારીઓ દ્વારા ભેદભાવ યુક્ત (Discriminatory) તેમજ વિવેકાધીન વલણને કારણે Pick and Choose મુજબ નિર્ણયો લેવાય છે. દા.ત. ઈનામ નાબુદી કાયદો-૧૯૬૯. આ કાયદામાં જ સ્પષ્ટ જણાવેલ છે કે ૧૯૬૯ પહેલાંનો જમીન ઉપરનો કબજેદાર હોયતો જમીન જુની શરતની ગણવી તેજ રીતે દેવસ્થાન હેઠળ કે અન્ય સત્તાપ્રકારોમાં સરકારના નિયમ મુજબ ફક્ત છ પટ્ટની રકમ ઉપર જણાવ્યું તેમ ભરપાઈ કરાવીને કબજેદાર ઠરાવવાના હતા. પરંતુ તેમાં પણ આજે વિસંગતતા છે.
થોડા સમય પહેલાં સુરત જીલ્લાના ડુમ્મસની જમીનનો કિસ્સો, ગાંધીનગર જીલ્લાના કલોલની મુલાસણાની જમીનો કે સુરેન્દ્રનગરની વીડીની જમીનો અંગે જે હકિકતો બહાર આવી છે તે જોતાં જમીન ઉપરના કાયદાકીય ધોરણો અપનાવવામાં પાછળથી વિવેકાધીન સત્તાઓ વાપરવામાં કલેક્ટર અને મહેસુલી અધિકારીઓ પણ રાજકીય હસ્તક્ષેપના કારણે નિર્ણયો લે અને પાછળથી પ્રશ્નો ઉભા થાય ત્યારે મહેસુલી તંત્રની જવાબદારી નક્કી કરવામાં આવે છે. જેમાં ખરેખર તો Rule of Law ન્ચુ કાયદાના શાસનના સિધ્ધાંતને અનુસરીને કાર્યવાહી કરવી જોઈએ અને આ તમામ બાબતોમાં સામાન્ય માણસોના કામમાં કે તેમના હિતમાં ઘણીવાર નિર્ણયો લેવાતા નથી. જ્યારે સ્થાપિત હતો દ્વારા જે વગ વાપરીને નિર્ણયો લેવાય તો તેમાં વહિવટીતંત્ર ઉપર વિપરીત છાપ ઉપસ્થિત થાય છે. જેથી જમીનોના તમામ સત્તાપ્રકારો અંગે સંકલિત ઠરાવ બહાર પાડી પારદર્શક સ્વરૂપે માર્ગદર્શક સુચનાઓ આપવી જરૂરી છે. જેથી વિવેકાધીન સત્તાને અવકાશ ન રહે.
જેમ ખેતવિષયક જમીનોના સત્તાપ્રકારની બાબત છે તેમ શહેરી વિસ્તારોના સીટી સર્વે વિસ્તારમાં આવેલ જમીનોના પણ સત્તાપ્રકાર આપવામાં આવે છે. આમ તો પાયાની બાબત તરીકે જ્યારે હક્ક ચોકસી અધિકારી હક્ક ચોકસીની કામગીરી કરે તે દરમ્યાન જમીનના સત્તાપ્રકાર સુચવવામાં આવે છે. રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર દ્વારા ૨૦૦૮ અને ૨૦૧૨ સીટી સર્વે વિસ્તારની જમીનોના સત્તાપ્રકાર નક્કી કરવામાં આવેલ છે. જેમાં 'એ' થી શરૂ કરીને ઇ મિતાક્ષર આપવામાં આવેલ છે. જેમાં 'એ' સત્તાપ્રકાર હોય તો ગામતળની જમીન અને મહેસુલ માફી ગણવામાં આવે, 'સી' સત્તાપ્રકાર હોયતો બિનખેતી ધારો વસુલ કરવા પાત્ર તેમજ ધર્માદા અને ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીન હોયતો 'ઈ' અને 'એફ' સત્તાપ્રકારો હોય છે. આ સત્તાપ્રકારો નક્કી કરવામાં મૂળ જે જમીનોના સત્તાપ્રકાર હોય તેને આધારભુત ગણવામાં આવે છે. સીટી સર્વે વિસ્તારની મિલ્કતોના મિલ્કત કાર્ડમાં પણ ભુલથી જે સત્તાપ્રકાર આપવા પાત્ર હોય તેના કરતાં જુદા દર્શાવવામાં આવે અને પાછળથી ખુબ જ જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલે સીટી સર્વેના મિલ્કત રજીસ્ટરોમાં દર્શાવવા પાત્ર સત્તાપ્રકારો અંગે પણ પારદર્શક સ્વરૂપ સંકલિત અદ્યતન મિતાક્ષરી સત્તાપ્રકાર જાહેર કરવાની જરૂર છે જેથી સામાન્ય જાહેર જનતાને તેઓએ ધારણ કરેલ જમીનના દરજ્જા અંગે જાણકારી પ્રાપ્ત થાય.


