Get The App

કુદરતી અને માનવસર્જિત આફતમાંથી ગુજરાતના શહેરોને બચાવવાનું આયોજન અને અમલીકરણ જરૂરી

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
કુદરતી અને માનવસર્જિત આફતમાંથી ગુજરાતના શહેરોને બચાવવાનું આયોજન અને અમલીકરણ જરૂરી 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જીપીએમસી એક્ટમાં કલમ-૨૩૦ / ૨૩૧ હેઠળ મ્યુનિસિપલ કમિશ્નરે પાણીના અવરોધો / દબાણો દૂર કરવાની સત્તા

(ગતાંકથી ચાલુ)

પ્રવર્તમાન વર્ષાઋતુના સમયગાળામાં ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પુર અને વરસાદી પાણી ભરાવવાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે અંગે ગતલેખમાં ઉલ્લેખ કરવામાં આવેલ, આ પરિસ્થિતિ ફક્ત સુરત, વડોદરા, અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરો પુરતી સિમિત નથી પરંતું મહેસાણા અને પાટણ જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અસાધારણ વરસાદનું વલણ (Pattern) one of the factor ગણાય પરંતું સંસ્થાકીય, શાસકીય દ્રષ્ટિએ જોઈએ તો બિન આયોજીત વિકાસ, બાંધકામ સાથે આપતિ વ્યવસ્થાપન Disaster management ની દ્રષ્ટિએ જોઈએ તો કુદરતી આફતની સાથે માનવસર્જીત આફતનું તત્વ  છે. વિકાસની પ્રક્રિયામાં માનવ અસ્તિત્વ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ તેના બદલે માનવ જીવનને જોખમકારક સાબિત થઈ રહ્યું છે અને તે સાથે આથક નુકશાન પણ ઘણું થાય છે. હવે અસાધારણ વરસાદ તે વર્ષોથી જે Set monsoon હતું તેમાં બદલાવ આવ્યો છે અને તે આધારિત નદી, નાળા, કોતર, ખાડી, વાંકડાનું જે આવરણ Formation થયેલ, તેની એક સાથે વરસાદ ૧૫ થી ૨૦ ઈંચ જેટલો વરસાદ થવાથી વહનશક્તિ Carrying capacity રહી નથી તે ઉપરાંત બધા જ કુદરતી પ્રવાહો ઉપર અનઅધિકૃત બાંધકામો, અતિક્રમણ રૂકાવટ થઈ છે. તે મુખ્ય કારણભુત છે. 

ગત લેખમાં વડોદરા/શહેરમાં જે પુરની સ્થિતિ સર્જાઈ છે તેનું એક દ્રષ્ટાંત તરીકે વિશ્લેષણ કરીએ અને તેના આધારે અન્ય શહેરોની સ્થિતિને પણ સરખાવી શકાય વડોદરાના ત્રણ દાયકાની સ્થિતિને જોવામાં આવે તો અગાઉ કોઈકવાર અસાધારણ વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાતી હવે સમયાંતરે બનતી ઘટના છે. વડોદરાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો શહેરમાં મોટા ૧૪ તળાવો ગાયકવાડના શાસનમાં Interlink હતા શહેરના ત્રણ કાંસ પુર્વમાં રૂપારેલ - મધ્યમાં મસીહા અને ઉત્તરમાં ભુખી કાંસ અને મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય અને સુરસાગર ઉભરાય ત્યાર પછી બદામડી બાગની ખુલ્લી Open channel (દાંડીયા બજાર) મારફતે રાજમહેલ કંમ્પાઉન્ડ (નવલખી) માંથી વિશ્વામિત્રીમાં પાણી વહન થાય અને આ સ્થિતિ સર્જાય ત્યારે જે તે સમયે સયાજીરાવને ખ્યાલ આવતો કે વડોદરા શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ ઐતિહાસીક અને ભૌગોલિક દ્રષ્ટિએ સમજવા માટે છે. આ ઉપરાંત નાના-મોટા પાણીના વહેણ હતા તે શહેરીકરણના વ્યાપમાં અને બાંધકામોને કારણે પુરાઈ ગયા છે. આ ઉપરાંત સૌથી મોટો પાણીના વહનમાં કે નિકાલમાં જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેમાં અગાઉ નેશનલ હાઈવે વડોદરા શહેરમાંથી પસાર થતો હતો તે છાણીથી પ્રવેશ કરી માંજલપુર-જામ્બુવા જતો તે હવે જીએસએફસી (છાણી)થી દુમાડ-દરજીપુરા-આજવા ચોકડીથી જામ્બુવા બાયપાસ રોડ બન્યો છે. જેનાથી મુખ્યત્વે પાણી જામ્બુવા નદીમાં જતુ તે શહેરમાં આવે છે અને બીજું કે નર્મદા બ્રાન્ચ કેનાલ બનવાથી જે અગાઉ છાણીથી દશરથ થઈને મીની મહિસાગર કોતરમાં પાણી જતું તે શહેરમાં આવે છે અને આ Water channel ઉપર દબાણો થયા છે અને જુનો નેશનલ હાઈવે-૮ એનું Widening થવાથી Water Course બંધ થયો છે. આ બધા મુખ્ય પરિબળો જણાવાયા છે. આ ઉપરાંત કુદરતી વહેણો ઉપર બિનઅધિકૃત બાંધકામ / અતિક્રમણ / અડચણો કરવાથી પાણીના નિકાલમાં અવરોધો પેદા થયા છે. 

સંસ્થાકીય દ્રષ્ટિએ જોઈએ તો નદી / પાણીના વહેણ, પાણીના તળાવોનું વહિવટી રીતે નિયમન રાજ્યના સિંચાઈ જળસંપતિ વિકાસ વિભાગ મારફત થાય છે. પરંતું નદી / તળાવો / કુદરતી વહેણ નૈસર્ગિક સ્વરૂપે શહેરોમાંથી પસાર થાય છે અને મહાનગરો અને નગરપાલીકાઓના વહિવટ જીપીએમસી એક્ટ / મ્યુનિસીપાલીટી એક્ટ અંતર્ગત થાય છે. સ્વાભાવિક રીતે નાગરિકોની આવશ્યક સેવાઓમાં પાણી, ગટર, રસ્તા વિગેરે ફરજીઆત ફરજોમાં આવે છે અને કોઈપણ શહેરોમાં અગાઉ વરસાદી પાણીના વહન કુદરતી સ્વરૂપે Water course મારફત થતા જેથી સર્વગ્રાહી સ્વરૂપે / આયોજીત સ્વરૂપે વરસાદી પાણીના નિકાલ Storm water અંગેનું Totality માં આયોજન નથી અને પ્લાનીંગની દ્રષ્ટિએ જોઈએતો ઓછામાં ઓછા ત્રીસ વર્ષના સરેરાશી વરસાદી આંકડાના અભ્યાસ સાથે Hydrological survey કર્યા બાદ દરેક શહેરોનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવો જરૂરી છે. વડોદરાના સંદર્ભમાં વિશ્વામિત્રી નદીના Revival અને Redevelopmentની જાહેરાત કરવામાં આવી છે અને જાણકારી મુજબ રૂ. ૧૨૦૦ કરોડની અંદાજીત રકમ જાહેર કરવામાં આવી છે. અમો જ્યારે મ્યુનિસીપલ કમીશ્નર હતા ત્યારે વિશ્વામિત્રીના ડેવલપમેન્ટ માટે જે તે સમયના રાજ્યસરકારના સલાહકાર શ્રી નવલાવાલાના માર્ગદર્શનમાં અગાઉ સેન્ટ્રલ વોટર કમિશનમાં કામ કરતા અને નિવૃત થયેલ ઈજનેરોને રાખવામાં આવેલ અને રૂરકી એન્જીનીયરીંગ ઈન્ટીટયુટને Engage કરવામાં આવેલ અને વડોદરા કોર્પોરેશનમાં અલગ વિશ્વામિત્રી ડેવલપમેન્ટ સેલ બનાવવામાં આવેલ પરંતુ પાયાની બાબત સમજવા માટે કોઈપણ નદી (River) જો બારમાસી વહેતી (Perennial) ન હોય તો તેને જીવંત રાખવી મુશ્કેલ છે. કારણકે વિશ્વામિત્રી ઉપર ૧૨૫ વર્ષ પહેલા આજવા સરોવર બનાવવાના કારણે ચોમાસાના સમયગાળામાં સિવાય પાણીના વહેણનું સાતત્ય નથી. જાણકારી મુજબ આણંદ કૃષિ યુનિવર્સીટીના ભુતપુર્વ વાઈસ ચાન્સેલર શ્રી મહેતા 'વહો વિશ્વામિત્રી' હેઠળ પ્રોજેક્ટ વાઈસ તૈયાર કર્યા છે અને જણાવવામાં આવે છે કે ભારત સરકારે તેને પ્રોજેક્ટ તરીકે સૈધાંતિક સ્વિકાર કર્યો છે. પરંતું જેમ કલ્પસર પ્રોજેક્ટની વર્ષોથી વાતો થાય છે તેમ વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચર્ચાઓ થશે. સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું અમલીકરણ થયું છે તેમાં મુખ્યત્વે નર્મદા મુખ્ય કેનાલમાંથી Assured wayમાં પાણી છોડવામાં આવે છે તે છે. વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ કે રીવાઈવલ પ્રોજેક્ટને શહેરના Flood mitigation માટે Execute કરવાનો છે કે રીવરફ્રન્ટ તરીકે કે વહો વિશ્વામિત્રી Spirit પણે કરવાનો છે. તે અંગે રાજ્યસરકાર અને વડોદરા મહાનગરપાલીકા આ ક્ષેત્રના તમામ નિષ્ણાતોને સામેલ કરી આયોજન કરે તે જરૂરી છે અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ Authority  જેમ રાજ્ય સરકારે કરેલ તેમ સ્વાયત સ્વરૂપે વિશ્વામિત્રી ડેવલપમેન્ટ Authority સ્વાયત સત્તામંડળ ઉપસ્થિત કરવામાં આવે અને રાજ્ય સરકાર સ્પેશ્યલ પ્રોજેક્ટ તરીકે મંજુર કરેતો શક્ય છે. 

ગુજરાત સરકાર પ્રવર્તમાન અસાધારણ વરસાદને કારણે શહેરોમાં જે સ્થિતિ સર્જાય છે તે માટે તમામ શહેરો માટે Hydrological survey કરાવી Central water commission જેવી સંસ્થાઓને Engage કરી, માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે અને વરસાદી ગટર બનાવવા માટે અલગ એજન્સીને કામગીરી સુપ્રત કરી Execute કરવામાં આવે તો આગામી સમયમાં જે Resilience Cities નો અભિગમ છે તે સાર્થક થશે અને બાંધકામના નિયમોમાં વરસાદી વહેણ / Rivasના કિનારાઓ ઉપરના બાંધકામ માટે જીડીસીઆરમાં જોગવાઈ કરવામાં અને ચુસ્ત પાલન કરાવવામાં આવે તો વિના અવરોધે વરસાદી પાણીનો નિકાલ શક્ય બનશે.

(સંપુર્ણ)