Get The App

ગુજરાત સરકારના નવીન જીલ્લા / તાલુકા રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટમાં ''તાલુકો'' અગત્યના એકમ તરીકે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારના નવીન જીલ્લા / તાલુકા રચવામાં લોકાભિમુખ વિકેન્દ્રિત વહિવટમાં ''તાલુકો'' અગત્યના એકમ તરીકે 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- મહીસાગરના કોઠંબા તાલુકાને રોલ મોડેલ બનાવવાની ક્ષમતા

- સીટી સર્વેની મિલ્કતોનો ફેરફાર કરવાની કાર્યવાહી તાલુકાના  ઈ-ધરા કેન્દ્રમાં તબદી કરવી જરૂરી.

ગતાંકથી ચાલુ :

ગત લેખમાં સત્તાના વિકેન્દ્રિકરણના ભાગરૂપે અને રાજ્યસરકારની સત્તાઓ પ્રાદેશિક કક્ષાએ આપવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો ઝડપથી નિકાલ અને અમલીકરણ થાય તે માટે ડિવીઝનલ કમિશનરની સચિવકક્ષાની જગ્યાઓ ઉપસ્થિત કરવા સુચન કરેલ છે. અગાઉના લેખમાં તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ સત્તા સોપણી “Delegation of Powers”  કરવા માટે જણાવેલ અને મોટા શહેરોમાં વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લેતા સીટી મામલતદારોની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ શહેરોમાં જે પ્રજાને વધુમાં વધુ બાબત જે સ્પર્શે છે તે એ છે કે, શહેરોના મહાનગરપાલીકા / નગરપાલીકાનો વિસ્તાર વધારવાથી અથવા તો Outgrowth area - Transition area જેને પરિવર્તનીય વિસ્તારો કહેવામાં આવે છે. તેમાં રાજય સરકાર દ્વારા કેટલાય સમયથી સીટી સર્વે એટલે કે મિલ્કતોની હક્ક ચોકસી કરવા માટે સેટલમેન્ટ કમિશનર દ્વારા અને સબંધિત જીલ્લાના કલેક્ટરો દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૧૨૬ હેઠળ સીટી સર્વે વિસ્તાર જાહેર કરી, હક્ક ચોક્સીની કાર્યવાહી એટલે કે સીટી સર્વેમાં સમાવિ મિલ્કતોની તપાસ કરી, મિલ્કત નંબરો સાથે મિલ્કત કાર્ડ તૈયાર કરવામાં આવતા અને તે પ્રાન્ત અધિકારી દ્વારા રેકર્ડ પ્રમાણિત જાહેર કરાયા બાદ અમલમાં આવતું હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને હવે જે જે જમીનો બિનખેતીમાં ફેરવવામાં આવે છે તેનો સીટી સર્વે નંબર આપવામાં આવે છે અને જેમ જેમ પ્લોટના વેચાણ થાય તેમ તેના ચાલતા / પેટા નંબરો આપવામાં આવે છે. પરંતું આ પ્રક્રિયા વિધીવત સમયસર થતી નથી. વધુમાં આ તમામ પ્રક્રિયામાં મૂળ મામલતદાર હસ્તકનું મહેસુલી રેકર્ડનો આધાર રાખવો પડે છે અને જ્યારે હવે વિધીવત સીટી સર્વે હાથ ધરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે ત્યારે મહેસુલી રેકર્ડ સાથે યોગ્ય સંકલન જળવાય તે માટે મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં જ સીટી સર્વે કચેરીના બદલે આ જ કચેરીમાં ઓન-લાઈન નોંધ પાડવાની પ્રક્રિયા હાથ ધરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવાની જરૂર છે. કારણકે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પણ મામલતદાર સમકક્ષ વર્ગ-૨ના અધિકારી છે અને જમીન મહેસુલ અધિનિયમ હેઠળ મહેસુલી અધિકારી છે. આ ઉપરાંત આવા પ્રકારનો બીજો મુદ્દે એ છે કે, જે વિસ્તારોમાં ટાઉનપ્લાનીંગ એક્ટ મુજબ ટીપી ફાયનલ થયેલ હોય ત્યાં તે મુજબ આખરી જમીનના પ્લોટ ધારક ગણવામાં આવે છે. મહેસુલ વિભાગે ટીપી મુજબ મહેસુલી રેકર્ડ લખવા માટે સુચનાઓ અપાઈ છે. પરંતું આજ દિન સુધી સમગ્ર રાજ્યમાં અમલ થયેલ નથી. જેથી તાલુકા મામલતદાર કચેરીમાં હવે એક ટાઉન પ્લાનીંગ આસીસ્ટન્ટની નિમણુંક કરવી જરૂરી છે અને તેઓને પંચાયત વિસ્તારોમાં ગ્રામ પંચાયતોને બાંધકામ નકશા મંજુર કરવાની સતાઓ આપેલ છે. તેમાં જ્યારે સમગ્ર રાજ્યમાં કોમન જીડીસીઆર લાગુ કર્યો છે ત્યારે બાંધકામો પણ આયોજીત સ્વરૂપે થશે.

રાજ્યના તાલુકાઓના સમતુલિત વિકાસ માટે રાજ્યના આયોજન વિભાગે વિકાસના જે માપદંડોમાં પછાત, અતિપછાત અને વિકાસસીલ તાલુકાઓમાં Categories કરવાની જરૂર છે. ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, ગ્રામવિકાસ, રોજગારીની બાબતો સાથે આંતર માળખાકીય સુવિધાઓમાં રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓને સપ્રમાણમાં પુરી પાડવાનું નક્કર આયોજન સાથે નાણાંકીય અને અમલીકરણનું વ્યવસ્થાતંત્ર જરૂરી છે. આજે પણ ગુજરાતમાં કુપોષણ અને શિક્ષણની ગુણવત્તાનો અન્ય રાજ્યોની સરખામણીએ અને તાલુકા / તાલુકા વચ્ચે અસમાનતા છે. અમો જ્યારે કલેક્ટર રાજકોટ હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટંકારાની મુલાકાતે આવેલ ત્યારે ત્યાંની સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓ નબળી ધ્યાન ઉપર આવેલ અને ત્યારે અમોએ રજુઆત કરેલ. ટંકારા તાલુકા મથક હોવા છતાં સંસ્થાકીય રીતે ગ્રામપંચાયતનો દરજ્જો છે એટલે Capacity  ની દ્રષ્ટિએ નબળાઈઓ ધ્યાન ઉપર મુકતાં અને રાજકોટમાં આવા પડધરી, કોટડા સાંઘાણી,  જામકંડોરણામાં પણ ગ્રામપંચાયતોનો દરજ્જો જણાવેલ ત્યારે સરકારે નિર્ણય લીધો કે આવા તાલુકા મથકોને ગ્રમા પંચાયત હોય પરંતું સુવિધા નગરપાલીકા જેવી પુરી પાડવા Rurban Rural - Urbanનો અભિગમ લાવવામાં આવ્યો. મારા ખ્યાલ મુજબ અગાઉ આના અમલીકરણ માટે જીલ્લા કલેક્ટર કક્ષાએ DUDA - District Urban Development Authority બનાવેલ અમલીકરણ અપેક્ષા મુજબ થતું નથી. 

ગત લેખમાં તાલુકાના Vision Document તૈયાર કરવા જણાવેલ, હાલ જીલ્લા કક્ષાએ જીલ્લા આયોજન અધિકારી અને જીલ્લા પંચાયત હસ્તક જીલ્લા આંકડા અધિકારી ફરજ બજાવે છે. પરંતું આ સતાધિકારીઓ ફક્ત આંકડાકીય માહિતી એકત્ર કરવામાં અને જીલ્લા આયોજન મંડળ હસ્તકના કામો મંજુર કરવા સિવાય કોઈ પાયાની ભાવીલક્ષી આયોજન કે જરૂરીયાત મુજબનું વિકાસલક્ષી આયોજન નથી. જેથી જીલ્લા અને તાલુકાનું Developmental Vision વિકાસલક્ષી દ્રષ્ટિ દર્શાવતું આયોજન જરૂરી છે. આપણે દ્રષ્ટાંત સ્વરૂપે મહિસાગર જીલ્લાનું અને નવીન રચેલ કોઠંબા તાલુકાની ચર્ચા કરીએ તો ૨૦૧૩માં બૃહદ પંચમહાલમાંથી મહિસાગર જીલ્લો બનેલ છે. આ તાલુકામાં હવે કોઠંબા સહિત સાત તાલુકાઓનો સમાવેશ થાય છે. ત્રણ પેટાવિભાગના પ્રાન્ત અધિકારીઓ છે. આ જીલ્લાની ક્ષમતા Potential જોઈએ તો લુણાવાડા જીલ્લા મથક છે. ત્રણ નગરપાલીકા વિસ્તાર છે. લુણાવાડા મુખ્યમથક ટાઉન પ્લાનીંગની દ્રષ્ટીએ બિનઆયોજીત નગર છે. માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવી લુણાવાડા વિસ્તાર વિકાસ સતામંડળ બનાવવાની જરૂર છે. આજ રીતે આ જીલ્લામાં ખેતીની દ્રષ્ટિએ ડાંગર, મકાઈ, ઘઉં મુખ્યત્વે પાકો છે. આ જીલ્લામાં કડાણા, ભાદર, પાનમ સિંચાઈ યોજનાઓ અને કમાન્ડ વિસ્તાર આવેલ છે. સુરક્ષિત જંગલ વિસ્તાર વધુ છે. બાલાશિનોર તાલુકામાં GIDC Estate મંજુર કરેલ હજુ સુધી કંઈ કામગીરી થયેલ નથી. હાલ એકમાત્ર ઔદ્યોગિક વસાહત નથી. આ જીલ્લામાં Agro based industry, Agro base value addition વાળા ઉદ્યોગોની ક્ષમતા છે. આ વિસ્તારનું લાલ લસણ સમગ્ર દેશમાં વિખ્યાત છે તે અંગે Dehydration plant નાખી શકાય. જગવિખ્યાત રૈયોલી ડાયનાસોર પાર્ક બાલાશિનોરમાં આવેલ છે. Eco Tourism અને Waterbody આધારિત ખુબ જ ક્ષમતાઓ રહેલી છે.

કોઠંબા નવીન તાલુકાની વાત કરીએ તો ૫૮ ગામોનો સમાવેશ કરેલ છે. બીજા ૨૫ ગામ હેલ્મેટ પ્રકારના છે. સમગ્ર વિસ્તાર પાનમ યોજનાના કમાન્ડમાં આવે છે. ખેતીવાડીની દ્રષ્ટિએ સમૃધ્ધ વિસ્તાર છે. માહિનદી આ વિસ્તારમાંથી પસાર થાય છે. અમોએ સ્વાન્તાય સુખાય પ્રોજેક્ટ હેઠળ વનવિભાગની Campa Grant હેઠળ રાઘવના મુવાડા એડવેન્ચર પાર્કના નાકા તળાવ બનાવેલ છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. આ વિસ્તારની ક્ષમતા મુજબ તાલુકાના વિકાસનું Vision Document બનાવવું જરૂરી છે. આજ રીતે રાજ્યના તમામ તાલુકાઓનું વિકાસલક્ષી સમતુલીત, સંકલિત વિકાસ થાય તે મુજબનું આયોજન જરૂરી છે. આશા રાખીયે કે વહિવટમાં ''તાલુકા''ને વહિવટના એકમ તરીકે પ્રજાની આકાંક્ષાઓ પુરી થાય તે રીતે માળખાગત સતાસોંપણી સાથે નિર્ણયો કરે તે પ્રજાહિતમાં સાબિત થશે.