Get The App

ખાદ્યતેલોની બજારોમાં પ્રવાહો પલ્ટાયા

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોની બજારોમાં પ્રવાહો પલ્ટાયા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- ઘરઆંગણે તહેવારો ટાંણે બજાર ઘટતાં રાહતની લાગણી જોવા મળી

દેશના તેલ તથા તેલીબિંયા બજારમાં તાજેતરમાં તહેવારો ટાંણે ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી છે તથા ભાવ ઉંચેથી નીચા ઉતરતાં બજારમાં આવતા મોસમી ગ્રાહકો તથા બલ્ક વપરાશકારો માટે રાહત પણ સર્જાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  સૌરાષ્ટ્રના બજારોમાં તાજેતરમાં સિંગતેલ તથા કોટન વોશ્ડના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યા મુજબ આર્જેન્ટીનાની સરકારે નિકાસ પરનો ટેક્સ ઓચીંતો દૂર કરી દેતાં વૈશ્વિક સ્તરે સોયાબીન તથા સોયાતેલના ભાવ ગબડતાં તેની પાછળ વૈશ્વિક સ્તરે  પામતેલના ભાવ પણ દબાણ હેઠળ આવ્યા હતા. જો કે ત્યાર બાદ આર્જેન્ટિનાએ નિકાસ ટેક્ષમાં રાહત ફરી પાછી ખેંચી લીધાના સમાચાર પણ મળ્યા હતા. મલેશિયામાં  પામતેલના ભાવ ગબડી દોઢ મહિનાના તળિયે ઉતરી ગયા હતા ત્યાં તાજેતરમાં એક દિવસીય ભાવ  ઘટાડામાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો હતો. વિશ્વ બજારમાં ભાવ નીચા ઉતરતાં ઘરઆંગણે પણ વિવિધ આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં બજાર ભાવમાં તેના પગલે પીછેહટ દેખાઈ હતી. જો કે ઘરઆંગણે કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી જતાં તથા ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડા તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હતો તથા ઘટયા મથાલે ખાદ્યતેલોમાં તહેવારોની માગમાં પણ વૃદ્ધી થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  દરમિયાન,વિશ્વ બજારમાં ભાવ ગબડતાં આર્જેન્ટીનાના સોયાબીનમાં  ચીનની ખરીદી વધ્યાના સમાચાર પણ દરિયાપારથી મળ્યા હતા. જો કે ચીનની ખરીદી વધી જતાં આર્જેન્ટીનામાં સોયાબીનને પ્રોસેસ કરી સોયાતેલ બનાવતા પ્રોસેસરો માટે સોયાબીનની અછત સર્જાવાની ભીતિ પણ આર્જેન્ટીનાના પ્રોસેસરોેએ બતાવી હોવાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે ભારતના સિંગદાણામાં ઈન્ડોનેશિયાએ આયાત પ્રતિબંધ લાગુ કરતાં બજાર પર તેની અસર  દેખાઈ હતી. સિંગદાણા તથા સિંગતેલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.  સૌરાષ્ટ્ર-ગોંડલ ખાતે સિંગતેલના ભાવ લુઝના ઘટી૧૦ કિલોના રૂ.૧૩૦૦ની અંદર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતદે ગોંડલ તથા રાજકોટ બજારમાં  મગફળીના ભાવ ૨૦ કિલોના નીચામાં રૂ.૯૫૦થી ૧૦૦૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૨૦૦થી ૧૨૫૦ રહ્યાના નિર્દેશો હતા.  અમેરિકાના કૃષી બજારોમાં સોયાબીન તથા સોયાતેલના ભાવ નીચા ઉતરતાં મલેશિયા તથા ઈન્ડોનેશિયાના લસપામતેલમાં બજારોમાં પણ વેચવાલી વધી હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. ખાદ્યતેલો પાછળ દિવેલ તથા એરંડા  બજારમાં પણ ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. સિંગદાણા તથા મગફળી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતથી સિંગદાણાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૩૦થી ૩૫ ટકા નિકાસ ઈન્ડોનેશિયા તરફ થાય છે અને ઈન્ડોનેશિયા તરફ આવી નિકાસને બ્રેક વાગતાં ઘરઆંગણે બજારભાવ પર તેની અસર જોવા મળી હતી. દરમિયાન, ભારત સરકારે વેજીટેબલ ઓઈલ્સ તથા ઓઈલ સીડસના બાય પ્રોડકટ પર જીએસટીના દર ઘટાડી તાજેતરમાં પાંચ ટકા કર્યાના સમાચાર પણ મળ્યા હતા. આ ઉપરાંત ઉત્પાદકો, પેકર્સ તથા આયાતકારોને જીએસટીમાં ફેરફારો  અગાઉ આ.ાત થયેલા અથવા તો ઘરઆંગણે ઉત્પાદીત અનસોલ્ડ રહેલા સ્ટોકમાં એમઆરપીના ભાવમાં ફેરફારો કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીની મુદત આપ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, ભારતના સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ તાજેતરમાં રશિયાની મુલાકાતે ગયા હતા તથા રશિયાના સનફલાવર ઉત્પાદકો તથા નિકાસકારો ઉપરાંત નીતિ ઘડવૈયાઓ સાથે આ પ્રતિનિધિઓએ ઉચ્ચ સ્તરીય મિટિંગો કર્યાના સમાચાર આવ્યા હતા. ભારતમાં ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોના ઉત્પાદનની સરખામણીએ સ્થાનિક માગ વધુ રહેતી હોવાથી દેશમાં દરિયાપારથી પામતેલ તથા સોયાતેલ ઉપરાંત સનફલાવર તેલની પણ ઈમ્પોર્ટ કરવામાં આવે છે.