રબરનું ઉત્પાદન વધારી નિકાસને વેગ અપાશે
- ઊભી બજારે - દિલીપ શાહ
- ભારતની કુલ રબરની જરૂરિયાત 14.5 લાખ ટન હોવાથી એકંદરે 6 લાખ ટનની ખેંચ પડે છે
ભારતમાં નેચરલ રબરનું ઉત્પાદન કરવામાં કેરળ મોખરે રહ્યું છે. જો કે, ત્યાં ઉત્પાદનમાં થોડો ઘટાડો થયો છે. આ વખતે ચોમાસું સારું રહ્યું હોવાથી કેરળના ખેડૂતોને ઉત્પાદન વધવાની આશા જન્મી છે. બીજી બાજુ ઈશાન ભારતનાં રાજ્યો, જેવા કે ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ઉત્પાદન વધ્યું છે.
નેચરલ રબરના વાવેતરને ઈશાનનાં રાજ્યો સુધી વિસ્તારવાના સરકાર અને ઉદ્યોગના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. કુલ ઉત્પાદનમાં આ પ્રદેશો (ત્રિપુરા, આસામ અને મેઘાલય)નો હિસ્સો ૨૦૧૩-૧૪ના ૭.૮ ટકાથી વધીને ૨૦૨૩-૨૪માં ૧૭.૫ ટકા થયો છે.
દેશમાં સ્થાનિક નેચરલ રબરનું ઉત્પાદન લગભગ ૮.૫ લાખ ટન છે જેમાં ઈશાનનાં રાજ્યોનો ફાળો લગભગ ૧.૫ લાખ ટન છે. ભારતની કુલ રબરની જરૂરિયાત ૧૪.૫ લાખ ટન હોવાથી એકંદરે ૬ લાખ ટનની ખેંચ પડે છે. ટાયર કંપનીઓ વધારાના સોસગ માટે ઈશાન ભારત પર નિર્ભર રહે છે. કેરળમાં ઉત્પાદન તેની ટોચ પર પહોંચી ગયું છે, તેથી ઈશાનમાં વિસ્તરણની સંભાવના હોવાનું ઉદ્યોગનાં સૂત્રો જણાવે છે.
ત્રિપુરા અને આસામમાં ગત વર્ષોમાં નેચરલ રબરનું ઉત્પાદન વધ્યું છે અને માલની ગુણવત્તામાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે, જેના કારણે ટાયર ઉદ્યોગ દ્વારા વધુ ઉપાડ થયો છે. જો કે, આ પ્રદેશ હજુ સુધી ૨,૦૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર કરવાના આયોજનને સંપૂર્ણપણે અમલમાં મૂકી શક્યો નથી. હાલ ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ હેક્ટર સુધીનો લક્ષ્યાંક સિદ્ધ થયો છે. ઇન્ડિયન નેચરલ રબર ઓપરેશન્સ ફોર આસિસ્ટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (નાણાકીય વર્ષ ૨૨-૨૫)નાં પ્રથમ ચાર વર્ષોમાં, ઈશાનના ૯૪ જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં કુલ ૧.૨૫ લાખ હેક્ટર વિસ્તારને નવા રબર વાવેતર હેઠળ આવરી લેવામાં આવ્યો છે.
કેરળમાં પુષ્કળ વરસાદ પડતાં નેચરલ રબરના ખેડૂતોની આશાઓ ફરી જાગી છે. તેઓ વર્તમાન નાણાકીય વર્ષમાં ઉત્પાદનમાં ઓછામાં ઓછા ૫-૧૦ ટકા વૃદ્ધિ હાંસલ કરવાની અપેક્ષા રાખે છે. જો વરસાદમાં ટેપિંગ ડે ગુમાવવામાં ન આવે તો, ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં વધારો થાય એવો અંદાજ છે. ૨૦૨૩-૨૪માં અહીં નેચરલ રબરનું ઉત્પાદન ૮,૫૭,૦૦૦ ટન હતું.
રબર કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે અને મોટા પ્રમાણમાં વપરાય પણ છે, પરંતુ હવે પર્યાવરણને બચાવવા માટેની સસ્ટેઇનેબિલિટીની જાગરૂકતા ફેલાઈ રહી હોવાથી નેચરલ રબર તરફ નજર જઈ રહી છે. આ કુદરતી પોલીમર પોતાની વૈવિધ્યતાને લીધે ટાયર અને વાહનોના ભાગોથી માંડીને તબીબી ઉપકરણો અને કન્ઝયુમર ગુડ્સ સુધીનાં અનેક ક્ષેત્રે ઉપયોગી થાય છે. એ પેટ્રોલિયમમાંથી મેળવાયેલા કૃત્રિમ પદાર્થોનો ટકાઉ વિકલ્પ છે. નેચરલ રબરમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતી એ બન્ને મહત્ત્વના ગુણધર્મો છે. રબર ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્રને નેચરલ રબરની આયાત પરની કસ્ટમ ડયુટી ઘટાડવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં કાચા માલના વધતા જતા ભાવને કારણે ઉદ્યોગ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. નેચરલ રબર પરની આયાત ડયુટી લગભગ ૨૫ ટકા અને ૩૦ રૂપિયા પ્રતિ કિલો એ બન્નેમાંથી જે વધારે હોય એટલી છે. નેચરલ રબર લેટેક્સને ૭૦ ટકાના દરે આયાત ડયુટી લાગુ પડે છે. જો આયાત ડયુટી દૂર કરવી શક્ય ન હોય, તોપણ ઘટાડીને ૧૦ ટકા કરવી એવી માગણી છે. ઓટોમોટિવ ભાગો માટેના રબર અને થર્મોપ્લાસ્ટિક ઉત્પાદનો માટેના રબર પરનો જીએસટીનો દર એકસમાન હોવો જોઈએ, એવું કહેવામાં આવ્યું છે. મેડિકલ ગ્લોવ્સ, સજકલ અને પરીક્ષા ગ્લોવ્સ, ફોલીના કેથેટર્સ અને સામાન્ય લોકો માટે જરૂરી ઉત્પાદનો જેમ કે ફોમથી બનેલા પલંગ અને બાળકો માટે ફુગ્ગાઓ માટે'ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રક્ચર' દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા પણ વિનંતી કરવામાં આવે છે.