ઘઉંમાં સરકારની ખરીદી વધી ચાર વર્ષની ટોચે
- ઊભી બજારે - દિલીપ શાહ
- દેશમાં નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનનો તખ્તો ગોઠવાયો
દેશના અનાજ બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા રહ્યા છે. ઘઉંમાં માગ જળવાઈ રહી છે. સરકારની ખરીદી આ વર્ષે સારી રહી છે. સરકાર પાસે ઘઉંનો સ્ટોક પણ વધ્યો છે. સરકારે ઘઉંની ખરીદી આ વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ કરી હતી તથા જૂન સુધીમાં આવી સરકારી ખરીદીનો આંકડો વધી ૩૦૦ લાખ ટન સુધી પહોંચ્યો હતો. રાજસ્થાનમાં સરકારી ખરીદી આ વર્ષે વિશ ેષ જોવા મળી હતી. આ વર્ષે સરકાર દ્વારા ઘઉંની ખરીદીમાં ચાર વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઘઉંમાં સરકારની આવી ખરીદી ૨૦૨૧-૨૨ની મોસમમાં ૪૩૩થી ૪૩૪ લાખ ટન થતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જો કે ત્યારબાદ ૨૦૨૨-૨૩ની ઘઉં મોસમમાં સરકારની ઘઉંમાં આવી ખરીદી નોંધપાત્ર ઘટતી જોવા મળી હતી.૨૦૨૨-૨૩ની મોસમ માટેો સરકારે ઘઉંની ખરીદીનો ટારગેટ ૪૪૪ લાખ ટનનો નક્કી કર્યો હતો પરંતુ હકીકતમાં સરકારની આવી ખરીદી એ મોસમમાં માત્ર ૧૮૭થી ૧૮૮ લાખ ટન થઈ હતી. ત્યારબાદ ૨૦૨૩-૨૪ની ઘઉંની મોસમમાં સરકારે ખરીદીનો લક્ષ્યાંક ૩૪૧થી ૩૪૨ લાખ ટનનો નક્કી કર્યો હતો જ્યારે આવા લક્ષ્યાંક સામે હકીકતમાં સરકાર દ્વારા ઘઉંની ખરીદી એ વર્ષમાં ૨૬૨ લાખ ટન નોંધાઈ હતી. ૨૦૨૪-૨૫માં ઘઉં ખરીદીનો ટારગેટ સરકારે ૩૭૩ લાખ ટનનો નક્કી કર્યો હતો પરંતુ ખરીદી ૨૬૬થી ૨૬૭ લાખ ટન ઘઉંની થઈ શકી હતી. વર્તમાન ઘઉં મોસમમાં સરકારે ઘઉંની ખરીદીને પ્રાથમિક લક્ષ્યાંક ૩૩૩થી ૩૩૪ લાખ ટનનો નક્કી કર્યો હતો. આની સામે જૂન સુધીમાં ૩૦૦ લાખ ટન ઘઉંની ખરીદી સરકાર દ્વારા કરી લેવામાં આવી હતી તથા આ વર્ષે રાજસ્થાનમાંથી આવી સરકારી ખરીદી ઊંચી કરી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે ૧૧૫૫ લાખ ટન આસપાસ અંદાજાઈ રહ્યું છે.
દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ ૨૦૨૫-૨૬માં અમેરિકા દ્વારા ઘઉંની નિકાસ વધી પાંચ વર્ષની ટોચે પહોંચશે એવા નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાંથી ઘઉંની નિકાસ તાજેતરમાં બંગલાદેશ તથા વેનેઝુએલા ઉપરાંત મેક્સિકો, નાઈજીરીયા વિ. તરફ વધ્યાના વાવડ મળ્યા હતા.
દરમિયાન, ભારતમાં નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનની રચનાનો તખ્તો ગોઠવાયો છે. જમીનની ફળદ્રુપતા વધારવાનો તથા ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો હેતુ આ મિશનમાં સામિલ કરવામાં આવ્યો છે. આવા મિશનના કુલ ખર્ચમાં કેન્દ્ર સરકાર ૧૫૮૪ કરોડનો ફાળો આપવાની છે જ્યારે વિવિધ રાજ્યોની સરકારે આવો ફાળો રૂ.૮૯૭ કરોડનો આપવાની છે એવું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં આ વર્ષે ઘઉં તથા ડાંગર (ચોખા)નો પાક બમ્પર થયો છે. તથા સોયાબીન અને મગફળીનું ઉત્પાદન પણ વધ્યું હોવાનું કૃષી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. હવે રવિ મોસમ પર નજર રહી છે. સપ્ટેમ્બરમાં નવી દિલ્હહી ખાતે રવિ સંમેલનનું આયોજન ૧૫થી ૧૬મી તારીખે કરવામાં આવનાર છે. આ પછી ઓકટોબરમાં ડેવલપ્ડ એગ્રીકલ્ચર સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવનાર છે. ભારત ઘઉં તથા ચોખાની બાબતમાં સ્વાવલંબી બની ગયું છે પરંતુ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં હજી પણ આપણે દરિયાપારથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે. આવો આયાય પરનો આધાર ઘટાડવા હવે સરકાર ગંભીર પ્રયત્નો કરતી જોવા મ ળી છે. જોકે આવા સરકારી પ્રયત્નોને કેવી સફળતા આગળ ઉપર મળે છે તેના પર કૃષી બજારોના તજજ્ઞાોની નજર રહી છે. ભારતમાં ૨૦૨૪-૨૫ની ઘઉં મોસમમાં ઉત્પાદન ૧૧૫૩ લાખ ટન સરકાર દ્વારા અંદાજાયું છે.આ વર્ષે એપ્રિલમાં ઘઉંની નવી મોસમ શરૂ થઈ એ પૂર્વે માર્ચ અંતે સરકાર પાસે ઘઉંનો સિલ્લક સ્ટોક ૧૪૪થી ૧૪૫ લાખ ટનનો અંદાજાયો હતો. બફર સ્ટોકના ધારાધોરણો કરતા મુજબ આવો સ્ટોક ૭૪થી ૭૫ લાખ ટનનો હોવો જોઈએ એ જોતાં સરકાર પાસે ઘઉંનો સ્ટોક બફર સ્ટોકના ધારાધોરણ કરતા ઉંચો રહ્યો હતો.