Get The App

સિમેન્ટની માગમાં ફરી વૃધ્ધિ થવાની શક્યતા

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
સિમેન્ટની માગમાં ફરી વૃધ્ધિ થવાની શક્યતા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- જોકે માગ વૃધ્ધિ સામે દેશમાં સિમેન્ટની ઉત્પાદન ક્ષમતામાં પણ થયેલી વૃધ્ધિ

દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. આ વર્ષે આરંભના મહિનાઓમાં સિમેન્ટની માગ સારી રહી હતી અને ત્યારબાદ જૂન મહિનાથી ચોમાસાની મોસમ શરૂ થતાં ૩થી ૪ મહિના દરમિયાન આવી માગ ધીમી પડી ગઈ હતી. જોકે હવે ચોમાસાની મોસમ સમાપ્ત થઈ ગયા પછી તથા તહેવારોની મોસમ શરૂ થઈ જતાં દેશના સિમેન્ટ બજાર તથા ઉદ્યોગમાં માગમાં ફરી ચહલપહલ જોવા મળી રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સામાન્ય પણે મોનસૂન દરમિયાન દેશમાં બાંધકામ ક્ષેત્રે એકટીવીટી ધીમી પડી જતી હોય છે તથા તેના પગલે સિમેન્ટની માગની પણ આ ગાળામાં ધીમી પડતા હોય છે. દરમિયાન, દેશમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટ માટે સરકાર વિવિધ પ્રોત્સાહનો આપી રહી છે અને તેના પગલે આ ક્ષેત્રે ગ્રોથ વધતાં તેના પગલે દેશમાં તાજેતરમાં સિમેન્ટ ઉપરાંત સ્ટીલની માગ વધતી જોવા મળી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં વાર્ષિક ધોરણે સિમેન્ટની માગ સરેરાશ ૭થી ૮ ટકાના દરે વધી રહી હોવાનું તાજેતરમાં યુબીએસના સર્વેમાં જણાવવામાં આવ્યું છે. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કોમર્શિયલ પ્રોજેક્ટોની માગ સિમેન્ટ ક્ષેત્રે વધતી જોવા મળી છે. દરમિયાન, દેશમાં એક તરફ સિમેન્ટની માગમાં વૃધ્ધિ જોવા મળી છે ત્યારે બીજી તરફ સિમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષમતામાં પણ વૃધ્ધિ થઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. જીડીપી ગ્રોથ કરતાં સિમેન્ટની  માગનો ગ્રોથ ઉંચો રહેવાની શક્યતા પણ અમુક જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં ૨૦૨૪- ૨૫ના નાણાંવર્ષમાં સિમેન્ટના બજારભાવ દબાણ હેઠળ રહ્યા હતા. પરંતુ ૨૦૨૫- ૨૬ તથા ૨૦૨૬- ૨૭ના નાણાંવર્ષમાં ભાવ ઉંચા જવાની ગણતરી જાણકારો બતાવતા હતા. તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં સિમેન્ટના બજારભાવ જુલાઈની સરખામણીએ જળવાઈ રહ્યા હતા જ્યારે પાછલા વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભાવ ઉંચા રહ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન ભારતના  પૂર્વીય વિસ્તારોમાં વહેલા વરસાદના કારણે સિમેન્ટની ગુણીદીઠ રૂ.૩૫૩ આસપાસ અથડાતા રહ્યા હતા જ્યારે   દેશના દક્ષિણના વિસ્તારોમાં સિમેન્ટના બજાર ભાવ ગુણીદીઠ રૂ.૧૦ ઉંચા રહ્યા હતા. દેશના કોમર્સ તથા ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે જુલાઈ મહિનામાં સિમેન્ટના ઉત્પાદનમાં ૧૧થી ૧૨ ટકાની વૃધ્ધિ થઈ છે. જ્યારે એપ્રિલથી જુલાઈના ચાર મહિનાના ગાળામાં આવી ઉત્પાદન વૃધ્ધિ આશરે ૮થી ૯ ટકા થઈ છે. એકંદરે સિમેન્ટની સપ્લાય વધી છે. ભારતમાં હવે પછીના ત્રણ  વર્ષમાં વાર્ષિક ધોરણે સિમેન્ટની માગમાં સરેરાશ સાત ટકાની વૃધ્ધિ થવાની ગણતરી એચએસબીસી ગ્લોબલ રિસર્ચના સૂત્રો બતાવી રહ્યા હતા. દેશમાં સિમેન્ટની કુલ માગ દેશના ચાર મોટા સિમેન્ટ ઉત્પાદકો પુરી પાડે છે! 

દરમિયાન, સિમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ સિમેન્ટમાં જીએસટીના દરમાં ઘટાડો કરાતાં ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતા વધવાની શક્યતા જણાય છે. જીએસટીમાં ઘટાડાના પગલે દેશમાં બાંધકામ ક્ષેત્રમાં તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં વિકાસનો વેગ મળવાની ગણતરી પણ જાણકારો  બતાવી રહ્યા હતા. તાજેતરમાં ભારતમાં જીએસટી કાઉન્સિલ દ્વારા સિમેન્ટ પરના જીએસટીના દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યા હતા. આના પગલે દેશમાં એફોર્ડેબલ હાઉસિંગના બાંધકામને પણ પ્રોત્સાહન મળવાની શક્યતા બજારમાં બતાવાઈ રહી હતી. આ ક્ષેત્રે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટમાં કન્સ્ટ્રકશન મટીરીયલ્સનો હિસ્સો આશરે ૩૦થી ૩૫ ટકા જેટલો રહે છે.

ભારતમાં સિમેન્ટ ઉદ્યોગમાં કુલ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા વાર્ષિક આશરે ૭૦ કરોડ ટન જેટલી રહી છે. સિમેન્ટના મોટા ઉત્પાદકો તાજેતરના વર્ષોમાં નાની કંપનીઓને હસ્તગત કરતા જોવા મળ્યા છે તથા આના પગલે સિમેન્ટ ઉદ્યોગમાં કન્સોલીડેશન થતું પણ જોવા મળ્યુ ંછે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર તથા ગ્રામિણ- રુરલ હાઉસિંગ ક્ષેત્રમાં સરકાર દ્વારા સ્પેન્ડીંગ વધ્યું છે.