Get The App

રૂનો પાક 11 લાખ ગાંસડી વધુ આવવાનો અંદાજ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
રૂનો પાક 11 લાખ ગાંસડી વધુ આવવાનો અંદાજ 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

દેશમાં કોટન બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ભારતમાં આ વર્ષે ચોમાસાનો આરંભ વહેલો થયો છે તથા હવે વરસાદની ચાલ પર બજારની નજર રહી છે. દરમિયાન, ઘરઆંગણે રૂના પાકનો અંદાજ પણ બદલાતો જોવા મળ્યો છે. ભારતમાં વર્તમાન કોટન વર્ષ ૨૦૨૪-૨૫માં રૂના પાકનો અંદાજ તાજેતરમાં વધારી ૩૧૧ લાખ ગાંસડી વધુ રજૂ કરવામાં આવ્યાના સમાચાર હતા. કોટન એસોસીયેશન ઓ ફ ઈન્ડિયા દ્વારા આ અંદાજ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હોવાનું રૂ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ પૂર્વે જે અંદાજ બહાર પાડવામાં આવ્યો હોવાનું રૂ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  આ પૂર્વે જે અંદાજ બહાર પાડવામાં આવ્યો હતો તેની સરખામણીએ તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અંદાજમાં આશરે ૧૦ લાખ ૨૫ હજાર ગાંસડી પાકીનો વધુ અંદાજ રજુ કરવામાં આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય રાજ્યોમાં રૂનો પાક હવે અગાઉના અંદાજથી વધુ આવવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા અને તેના પગલે દેશવ્યાપી રૂના પાકનો તાજેતરનો અંદાજ હવે વધારવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પૂર્વે જૂન મહિનામાં રૂના પાકનો અંદાજ ૩૦૧ લાખ ૧૫ હજાર ગાંસડીનો રજૂ કરવામાં આવ્યો હતો તે હવે વધારીને ૩૧૧ લાખ ૪૦ હજાર ગાંસડી મૂકવામાં આવ્યો છે. જૂનના અંદાજ સામે તાજેતરમાં રજૂ કરા.ેલા અંદાજમાં મહારાષ્ટ્રમાં પાક પાંચ લાખ ગાંસડી હવે વધુ આવવાની શક્યતા બતાવાઈ હતી જ્યારે ગુજરાત તથા મધ્ય-પ્રદેશમાં આ અંદાજ બન્ને રાજ્યોમાં દોઢ-દોઢ લાખ ગાંસડી વધુ મૂકવામાં આવ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણાા તથા રાજસ્થાનમાં પણ હવે રૂનો પાક અગાઉના અંદાજ કરતાં વધુ આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, ૨૦૨૪-૨૫ની વર્તમાન કોટન મોસમ ઓકટોબરમાં શરૂ થઈ હતી અને ત્યારબાદ આ વર્ષના જૂન અંત સુધીના ગાળામાં બજારમાં નવા રૂની આવકો આશરે ૨૯૬થી ૨૯૭ લાખ ગાંસડી આવી ગયાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. તથા આ ગાળામાં દેશમાં રૂની આયાત આશરે ૩૦ લાખ ગાંસડી થઈ છે ઉપરાંત ૨૦૨૪-૨૫ની નવી મોસમ જે ગયા વર્ષે ઓકટોબરમાં શરૂ થઈ હતી એ વખતે પાછલી મોસમનો રૂનો સિલ્લક સ્ટોક આશરે ૩૦થી ૩૧ લાખ ગાંસડીનો નોંધાયો હતો એ ગણતરીમાં લેતાં જૂન અંતના ગાળામાં દેશમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૫૬થી ૩૫૭ લાખ ગાંસડી રહ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આની સામે આ ગાળામાં દેશમાં રૂની માગ આશરે ૨૩૩થી ૨૩૪ લાખ ગાંસડી તથા રૂની નિકાસ આશરે ૧૫થી ૧૬ લાખ ગાંસડી ગણતાં જૂનના અંતે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે  ૧૦૮થી ૧૦૯ લાખ ગાંસડીનો અંદાજાયો છે. આ સ્ટોક પૈકી આશરે ૩૨ લાખ ગાંસડીનો સ્ટોક કાપડ મિલો પાસે રહ્યો છે. આ વર્ષે રૂની સમગ્ર મોસમમાં કોટનની કુલ સપ્લાય આશરે ૩૮૦થી ૩૮૧ લાખ ગાંસડી ઉપલબ્ધ રહેનાર છે. જેમાં રૂનો પાછલી મોસમનો સિલ્લક સ્ટોક લતથા વર્તમાન રૂ વર્ષનો પાક અને આયાત વિ. સપ્લાયનો સમાવેશ રહ્યો છે. આની સામે રૂનો વપરાશ ૩૦૮ લાખ ગાંસડી તથા નિકાસ આશરે ૧૭ લાખ ગાંસડી અંદાજાતાં આ વર્ષે સપ્ટેમ્બરના અંતે પુરી  થનારી રૂ મોસમમાં દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૫૫થી ૫૬ લાખ ગાંસડી રહી જવાની શક્યતા જણાય છે જેની સામે ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતે આવો સ્ટોક આશરે ૩૦થી ૩૧ લાખ ગાંસડીનો સિલ્લક રહ્યો હતો.  દરમિયાન, નોર્થ ઈન્ડિયામાં કોટન યાર્ન-સૂતરના વેપારમાં તાજેતરમાં માગમાં સુસ્તાઈ જોવા મળી છે. નાણાં પ્રવાહીતા ઘટી છે અમેરિકાની  ટેરીફ વિષયક અનિૅશ્ચતતાની અસર કોટન યાર્ન બજાર પર દેખાઈ છે. રૂની ઉંચી કોસ્ટ મિલો ગ્રાહકો સુધી ખાસ કરી શકતી નથી કારણ કે લોકલમાં માગ તથા નિકાસ માગ ધીમી પડી હોવાનુ ત્યાંના યાર્ન બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં અમેરિકા ખાતેથી ચીનમાં આવતી રૂની આયાત આશરે ૮૧થી ૮૨ ટકા ઘટી છે. ટ્રમ્પના આગમન પછી આવી સ્થિતિ સર્જાઈ છે.

Tags :