- ઊભી બજારે - દિલીપ શાહ
દેશના લોખંડ-પોલાદ-સ્ટીલ બજારો તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. દેશમાં આ વર્ષે મોનસૂનનવી મોસમ લાંબો સમય ચાલી છે તથા તાજેતરમાં નવરાત્રીના તહેવારો વખતે પણ વરસાદ જોવા મળ્યો હતો. સામાન્ય પણે વરસાદની મોસમમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગતિવિધીઓ ધીમી પડી જતી હોય છે અને તેના પગલે ખાસ કરીને સ્ટીલ તથા સિમેન્ટની માગ પણ આ ગાળામાં ધીમી પડી જતી હોય છે. જો કે હવે મોનસૂનની વિદાયના પગલે આ બજારોમાં માગ તથા પૂછપરછો ફરી વેગ પકડશે એવી શક્યતા બજારોના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં દીમી માગ તથા ભાવમાં પીછેહટ વચ્ચે દેશના નાના તથા મધ્યમ કદના ઘઙણા સ્ટીલ ઉત્પાદકોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યાના વાવડ પણ મળ્યા હતા. જો કે દેશમાં સ્ટીલની માગ એકંદરે વધતી રહી છે. ૨૦૨૫ તથા ૨૦૨૬ના વર્ષમાં આવી માગ વાર્ષિક ધોરણે સરેરાશ ૯ ટકા જેટલી વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વર્લ્ડ સ્ટીલ એસોસીયેશનના સૂત્રોના જણાવવ્યા મુજબ ભારતમાં આવી માગ વધતી જોવા મળી છે. વૈશ્વિક સ્તેર સ્ટીલની માગ ૨૦૨૫માં આ વર્ષે આશરે ૧ અબજ ૭૫ કરોડ ટન જેટલી રહેવાનો અંદાજ બતાવાયો છે. જો કે ૨૦૨૬ના આવતા વર્ષે સ્ટીલની વૈશ્વિક માગ વધી ૧ અબજ ૭૭ લાખ ટન થવાની ગણતરી સૂત્રો બતાવી રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા આ વર્ષે વૈશ્વિક સ્તરે ટેરીફમાં છાશવારે નવી નવી જાહેરાતો કરાતી રહેતાં સ્ટીલના વૈશ્વિક બજારોમાં અજંપો પણ જોવા મળ્યો હતો. વિશ્વના સ્ટીલના વિવિધ ઉત્પાદક દેશોમાં ભારત બીજા ક્રમાંકે આવે છે. ૨૦૨૪માં ગયા વર્ષે ભારતમાં સ્ટીલનું ઉત્પાદન વધી ૧૪.૯૬ કરોડ ટન થયું હતું જે ૨૦૨૩ની સરખામણીએ આશરે ૬થી ૭ ટકા ઊંચું રહ્યું હતું. વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારત ઉપરાંત ચીન, જાપાન, અમેરિકા તથા રશિયામાં વિશેષ ઉત્પાદન થાય છે તથા આ દેશો વૈશ્વિક સ્તરે મુખ્ય ઉત્પાદક દેશો ગણાય છે. ભારતમાં માગ વધતી રહી છે. દેશમાં સ્ટીલની માગ જે ૨૦૨૦માં જોવા મળી હતી તેની સરખામણીએ ૨૦૨૬માં આવી વાર્ષિક માગમાં આશરેે ૭૫૦ લાખ ટનની વૃદ્ધી થવાનો અંદાજ તાજેતરમાં જાણકારોએ દર્શાવ્યો હતો.
ભારતમાં સ્ટીલની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હાલ આશરે ૨૦ કરોડ ટન જેટલી રહી છે તે વધી ૨૦૩૦ સુધીમાં ૩૦ કરોડ ટન વાર્ષિક ધોરણે થઈ જવાની ગણતરી આ ક્ષેત્રના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. ભારત સરકાર દેશમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષોેત્રની પીઠબળ આપવા વિવિદ પ્રોત્સાહહનો આપી રહી છે તથા આના પગલે ઘરઆંગણે સ્ટીલની માગ ઉંચી જઈ રહી છે તથા વધતી માગને પહોંચી વળવા સ્ટીલ ઉત્પાદકો દ્વારા ઉત્પાદન ક્ષમતા પણ વધારતા જોવા મળ્યા છે. ભારતમાં માગ વધી રહી છે ત્યારે ચીનમાં ૨૦૨૫માં સ્ટીલની માગમાં આશરે બે ટકાની પીછેહટ દેખાઈ છે તથા ૨૦૨૬ના નવા વર્ષમાં પણ ચીનમાં આવી માગ ધીમી રહેવાની ભીતિ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકાની ટેરીફ નીતિના પગલે ભારત તથા યુરોપ વચ્ચે સ્ટીલ ઉપરાંત વિવિધ ક્ષેેત્રે સહયોગ તથા વેપારના વિકાસ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકાએ ૫૦ ટકા ટેરીફ લાદતાં ભારતમાંથી સેનીટરી કાસ્ટીંગની નિકાસ કરતા કલકત્તાના સ્ટીલ ફાઉન્ડ્રીઝ ક્ષેત્રના સાહસિકો મુંઝવણમાં મુકાયા છે. અમેરિકાએ સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ૫૦ ટકા ટેરીફ લાદી છે. ભારતમાંથી અમેરિકા તરફ આયર્ન, સ્ટીલ તતા એલ્યુમિનિયમ ઉત્પાદનોની નિકાસ આશરે ૪ અબજ ૫૬ લાખ ડોલર જેટલી ગયા વર્ષે ૨૦૨૪માં થઈ હતી તથા આ વર્ષે ટેરીફના પગલે આવી નિકાસમાં પીછેહટ જોવા મળી છે. આના પગલે ઘરઆંગણે બજારભાવ પણ દબાણ હેઠળ રહ્યા છે. આ દરમિયાન ભારતમાં ચીન ખાતેથી સ્ટીલનું ડમ્પીંગ પણ વધ્યું હતું. કાર્બન ટેક્સનો પ્રશ્ન પણ સ્ટીલ નિકાસકારોને મુંઝવી રહ્યો છે. ભારત તથા અમેરિકા વચ્ચે પણ વેપાર કરાર વિષયક વાટાઘાટો શરૂ થઈ છે. વિયેતનામથી આવતી આયાતો પર સરકારે ઓગસ્ટમાં એન્ટી ડમ્પિંગ ડયુટી નાંખી હતી.


