- ઊભી બજારે - દિલીપ શાહ
- ઓપેકે ઉત્પાદન વૃદ્ધિ જાળવી રાખીઃ સાઉદી અરેબિયાએ એશિયા માટે ભાવ પણ ઘટાડયા
ક્રૂડતેલમાં વિશ્વ બજારમાં તાજેતરમાં ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી છે. બજારમાં ઉછાળા આવે છે પરંતુ ઊભરા જેવા નિવડે છે. સામે ભાવ ઘટે ત્યારે નીચા મથાળે બજારને સપોર્ટ પણ મળતો જોવા મળે છે એવું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના નીચામાં ૬૫થી ૬૫.૫૦ ડોલર તથા ઉંચામાં ભાવ ૬૭થી ૬૭.૫૦ ડોલર વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૨ ડોલર તથા ઉંચામાં ૬૩ ડોલર વચ્ચે અથડાતા રહ્યા હતા. રશિયાના ક્રૂડતેલ વિરોધી અમેરિકાની નીતિના પગલે વિશ્વ બજારમાં તાજેતરમાં ક્રૂડ સપ્લાયના સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. જે દેશો રશિયાનું ક્રૂડતેલ ખરીદશે એ દેશો સામે અમેરિકા વધુ ટેરીફ લાદશે એવી નીતિ અમેરિકાએ અપનાવી છે.આજ નીતિના પગલે અમેરિકાએ ભારત માટે પણ આકરી ટેરીફ લાદવાનું નક્કી કર્યું છે. વૈશ્વિક સ્તરે રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટે તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પ્રયત્નો કર્યા હતા પરંતુ આ પ્રયત્નો તથા વિવિધ મિટિંગનો દોર પછી પણ રશિયા તથા યુક્રેન વચ્ચે છાશવારે છમકલાઓ થતા રહ્યાના વાવડ મળ્યા છે અને તેની અસર ક્રૂડતેલની બજાર પર પણ દેખાઈ હતી. દરમિયાન, ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની મિટિંગ તાજેતરમાં મળી હતી અને આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ક્રૂડતેલમાં વૈશ્વિક માગ ધીમી રહેવાનો અંદાજ જોતાં ક્રૂડના ઉત્પાદનમાં હવે પછી થનારી વૃદ્ધીનો વેગ પણ ઓકટોબરથી ધીમો પાડવાનો નિર્ણય ઓપેક દ્વારા લેવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. આની અસર પણ વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર તાજેતરમાં દેખાઈ હતી. ઓપેક દ્વારા આ પૂર્વે ઘણા સમયથી ક્રૂડનું ઉત્પાદન ઘટાડયા પછી આ વર્ષે એપ્રિલ મહિનાથી ઉત્પાદનમાં વૃદ્ધી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તથા દર મહિને ઉત્પાદન વૃદ્ધીનો નિર્ણય એપ્રિલ મહિનાથી કરવામાં આવ્યો હતો. આ વર્ષે જૂન તથા જુલાઈમાં આવી ઉત્પાદન વૃદ્ધી દૈનિક ધોરણે ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની કરાયા પછી ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માટે આવી દૈનિક ઉત્પાદન વૃદ્ધી પાંચ લાખ ૫૫ હજાર બેરલ્સની કરવામાં આવી હોવાના સમાચાર આ પૂર્વે આવ્યા હતા અને હવે ઓકટોબરમાં આવી ઉત્પાદન વૃદ્ધી માત્ર ૧ લાખ ૩૭ હજાર બેરલ્સ કરવાનું ઓપેકે તાજેતરની મિટિંગમાં નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. એશિયાની ક્રૂડતેલની ખરીદી યુરોપના દેશો ઘટાડી રહ્યાના વાવડ પણ મળ્યા હતા તથા ૨૦૨૮ સુધીમ આવી ખરીદી યુરોપના દેશો દ્વારા સંપૂર્ણ બંધ કરી દવામાં આવશે એવી ગણતરી વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકાથી સાઉથ કોરિયા તરફ ઓકટોબરમાં આશરે ૫૪થી ૫૫ લાખ બેરલ્સ ક્રૂડતેલની નિકાસ કરવામાં આવશે એવા નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા. અમેરિકાએ ભારતમાંથી આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન, ક્રૂડ ઓઈલ વિષયક વિવિધ ઉત્પાદનોની આશરે દોઢ અબજ ડોલરની આયાત કરી હોવાના સમાચાર પણ મળ્યા હતા. એક તરફ અમેરિકા ભારતને રશિયાથી ઓઈલ આયાત કરવાની ના પાડે છે ત્યારે બીજી તરફ અમેરિકા આવા ઓઈલના ઉત્પાદનો ભારતમાંથી ઈમ્પોર્ટ પણ કરે છે એ વિશે જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ ક્રૂડ ઓઈલના ભાવ આગળ ઉપર આ વર્ષે બેરલના ૬૦ ડોલરની અંદર ઉતરી જવાની શક્યતા છે તથા આવતા વર્ષે ભાવ ૫૫ ડોલર સુધી જવાની શક્યતા જણાય છે. વૈશ્વિક સ્તરે આગામી સમયમાં ક્રૂડતેલમાં માગ કરતા સપ્લાય વધુ રહેવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. આવતા વર્ષે ભાવ ઘટશે ત્યારે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ફરી ઘટાડાની નીતિ અપનાવવામાં આવશે એવી શક્યતા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. વોલસ્ટ્રીટના જાણકારો ક્રૂડના ભાવ આગળ ઉપર ૬૦ ડોલરની નીચે જવાની શક્યતા આ પૂર્વે બતાવી રહ્યા હતા.


