ગ્રીન ફ્લાયના અને આબોહવાના પરિવર્તનના જોખમ સામે પણ ઉપાયો કરવાની આવશ્યકતા
- ઊભી બજારે - દિલીપ શાહ
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે અટકી પડેલી ભારતીય ચાની નિકાસ હવે યુદ્ધવિરામની જાહેરાત બાદ શરૂ થઈ જતાં ચાના નિકાસકારો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.ભારતમાંથી ઈરાનમાં પરંપરાગત રીતે મોટા પ્રમાણમાં ચાની નિકાસ થાય છે. લગભગ ૧ મિલિયન ટન ઓર્થોડોક્સ ચાના લગભગ ૫૦ કન્ટેનર તાજેતરમાં ઈરાનના અબ્બાસ બંદર ખાતે પહોંચી ગયાં છે. નોંધનીય છે કે રશિયા પછી ભારતીય ચાનો બીજા ક્રમાંકનો આયાતકાર દેશ ઈરાન છે. વર્ષ ૨૦૨૪માં ઈરાનમાં ભારતની ચાની કુલ નિકાસનો આશરે ૨૦ ટકા હિસ્સો મોકલવામાં આવ્યો હતો. ઈરાનમાં એકંદરે ૩૧ મિલિયન કિલો ચાની નિકાસ કરાઈ હતી.
દરમિયાન, ચાના નાના ખેડૂતોએ વાજબી ભાવની માગ કરી છે. ચાના લગભગ અડધા ભાગનું ઉત્પાદન કરનારા આ નાના ખેડૂતોએ સરકાર સમક્ષ લઘુતમ ટેકાના ભાવ જેવી પારદર્શક વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે. એમણે વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને ચાના વાજબી ભાવ મળે એવી વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો છે. અહીં જણાવવું રહ્યું કે ચાના લીલા પાનની સરેરાશ કિંમત પ્રતિ કિલો ૨૨-૨૫ રૂપિયા હોય છે, જ્યારે ઉત્પાદન ખર્ચ પ્રતિ કિલો ૧૭-૨૦ રૂપિયા થાય છે. આમ, ખેડૂતો પાસે પ્રતિ કિલો ફક્ત ૫રૂપિયાનું પાતળું માજન બાકી રહે છે. એમાંથી વચેટિયાઓ પ્રતિ કિલો લગભગ ૨ રૂપિયાનો ગાળો લઈ લે છે. આમ, ખેડૂતોને ઉચિત ભાવ મળતો નથી.
હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ દેશના મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં અનુકૂળ હવામાનને કારણે મે ૨૦૨૫માં ભારતનું ચાનું ઉત્પાદન વાષક ધોરણે લગભગ ૪૦ ટકા વધીને ૧૩૦.૬૦ મિલિયન કિલો થયું. આસામનું ઉત્પાદન વધીને ૬૨.૫૯ મિલિયન કિલો થયું છે. પશ્ચિમ બંગાળમાં ઉત્પાદનમાં ૪૭ ટકાનો વધારો જોવા મળ્યો.દક્ષિણ ભારતમાં પણ તમિલનાડુ અને કેરળમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી. જોકે, આ તેજી અલ્પજીવી રહી અને જૂનમાં ખરાબ હવામાન, ભારે વરસાદ અને ઓછા સૂર્યપ્રકાશને કારણે પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો. મે ૨૦૨૫માં સીટીસી ચાનું ઉત્પાદન ૧૧૨.૨૯ મિલ્યન કિલો અને ઓર્થોડોક્સ ચાનું ૧૬.૭૬ મિલ્યન કિલો તથા ગ્રીન ટીનું ૧.૫૫ મિલ્યન કિલો થયું હતું.
આબોહવામાં પરિવર્તન અને જીવાતોના ભયનો ઓથાર
ચાના ઉત્પાદન સામે આબોહવાનું પરિવર્તન એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. અતિશય તાપમાન અને અણધાર્યા વરસાદને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ વર્ષે મુખ્ય લણણીના મહિનાઓ દરમિયાન સરેરાશ ઉત્પાદનમાં ૨૦ ટકા ઘટાડો થયો છે. આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના બગીચાઓમાં ગ્રીન ફ્લાયનો ઉપદ્રવ વઘ્યો છે. એને લીધે અમુક પ્રદેશોમાં ઊપજ ૫૫ ટકા ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક વધુ આક્રમક ગ્રીનફ્લાય સ્ટ્રેનનો ભય પણ છે, જેનાથી જૈવિક-આક્રમણની ચિંતાઓ વધી રહી છે.
વૈશ્વિક પડકારો વચ્ચે નિકાસમાં વધારો
ઉત્પાદનના પડકારો હોવા છતાં, ભારતની ચાની નિકાસ ૨૦૨૪માં લગભગ ૧૦ ટકા વધારો થયો હતો, જે એક નવો રેકોર્ડ હતો. ઇરાક જેવાં બજારોમાંથી પણ મોટો ફાયદો થયો છે, જે હવે ભારતની ચાની નિકાસમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં ચાની ગુણવત્તા સુધારવા માટેનાં અનેક પગલાં લેવાયાં છે. સાથે સાથે માર્કેટિંગનો વ્યૂહ પણ ઘડવામાં આવ્યો છે.
ચાના મિશ્રણનો વિવાદ
જો કે, નોંધનીય છે કે આફ્રિકાના દેશો, ખાસ કરીને કેન્યામાંથી સસ્તી ચા મગાવીને એનું ભારતની ઉચ્ચ ગુણવત્તાની ચાની સાથે મિશ્રણ કરીને ભારતીય પ્રીમિયમ ચા તરીકે નિકાસ કરવામાં આવતી હોવાની ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. ભારતીય નિકાસકારોની આ ચાલબાજી સત્તાવાળાઓના ઘ્યાનમાં આવી છે અને તેથી જ એમણે આવી ગેરરીતિ કરનારા નિકાસકારોનાં લાઇસન્સ રદ કરવામાં આવશે એવી ચેતવણી આપી છે.