ઘઉંમાં સરકારી ખરીદી વધતા ગોદામો છલકાયા
- ઊભી બજારે - દિલીપ શાહ
- મધ્ય-પ્રદેશમાં ખરીદીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યોઃ પંજાબમાં ખુલ્લામાં પડેલા ઘઉંને વરસાદથી નુકશાનના નિર્દેશા
દેશમાં અનાજ બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઘઉંની નવી મોસમ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. નવા ઘઉંમાં સરકારી ખરીદી પણ વધી છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ નવા ઘઉંમાં દેશવ્યાપી ધોરણે સરકાર હસ્તકના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એફસીઆઈ દ્વારા નવા ઘઉંની ખરીદી વધી આશરે ૨૭૫ લાખ ટન જેટલી થઈ ગઈ છે. પાછલી મોસમમાં સરકાર દ્વારા કુલ ખરીદી ૨૬૬ લાખ ટન થઈ હતી અને આ વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગણતાં આ આંકડો આ વર્ષે પાર થઈ ગયો છે.
પાછલી મોસમમાં ગયા વર્ષના મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધીના આંકડાઓ જોઈએ તો એ વખતે આવી સરકારી ખરીદી ગાળામાં આશરે ૨૩૧થી ૨૩૨ લાખ ટન જેટલી થઈ હતી. આ વર્ષે સરકારી ખરીદી ઘઉં બજારમાં ખાસ્સી થઈ છે. દરમિયાન, કેન્દ્ર સરકારના કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૪-૨૫ની ઘઉં મોસમ (જુલાઈથી જૂન)માં ઘઉંનો પાક રેકોર્ડ ૧૧૫૪થી ૧૧૫૫ લાખ ટન જેટલો થવાની શક્યતા જણાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ઘઉંમાં સરકાર દ્વારા કુલ ખરીદી વધી ૩૧૨થી ૩૧૩ લાખ ટન થવાની આશા છે. મધ્ય પ્રદેશમાં સરકારી ખરીદીનો ટારગેટ અગાઉ ૬૦ લાખ ટનનો રાખવામાં આવ્યો હતો તે તાજેતરમાં વધારી ૮૦ લાખ ટન કરવામાં આવ્યો છે, ઓલ ઈન્ડિયા માટે ઘઉંની ખરીદીનો ટારગેટ ૩૩૨થી ૩૩૩ લાખ ટનનો નક્કી કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં ઘઉંની સરકારી ખરીદી આ વર્ષે જોરદાર થઈ છે. ગયા વર્ષે આવી ખરીદી આ ગાળામાં ૩૮થી ૩૯ લાખ ટન થઈ હતી તે આ વર્ષે વધી ૭૨થી ૭૩ લાખ ટન થઈ ગઈ હોવાના વાવડ મધ્ય પ્રદેશમાંથી મળ્યા છે.
પંજાબમાં ઘઉંમાં સરકારી ખરીદી ૧૦મી માર્ચે શરૂ થઈ હતી તથા અત્યાર સુધીમાં પંજાબમાંથી સરકારને ૧૧૧થી ૧૧૨ લાખ ટન ઘઉં મળ્યા છે. પંજાબમાં ખાનગી ક્ષેત્રનું ઘઉંમાં બાઈંગ વધુ થતાં આ વર્ષે સરકારને પંજાબમાંથી ઘઉંની ખરીદીમાં ઘઉં અપેક્ષા કરતા ઓછા મળ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, હરિયાણામાંથી સરકાર દ્વારા ઘઉંની ખરીદી અત્યાર સુધીમાં ૬૭થી ૬૮ લાખ ટન થઈ છે. રાજસ્થાનમાં આવી ખરીદીનો આંકડો ૧૨થી ૧૩ લાખ ટનનો બહાર આવ્યો છે. દરમિયાન, પંજાબ ભાટીંડાથી મળતાર્માચાર મુજબ ત્યાં સરકારે ખરીદી કરેલા આશરે ૫૪થી ૫૫ લાખ ટનની ડિલીવરી સરકારે લેવાની બાકી છે ત્યારે આ વિસ્તારમાં વરસાદ થતાં ખુલ્લામાં પડેલા ઘઉંની ગુણવત્તાને પ્રતિકૂળ અસર પડવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. પાકિસ્તાન તથા ભારતના બોર્ડર (સરહદી)વિસ્તારમાં ઘઉં ઊગાડતા ભારતના ખેડૂતોએ કાપણી વહેલી આટોપી લીધી છે. બોર્ડર વિસ્તારમાં બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી છે. ભારત સરકાર ફુડ કોર્પોરેશન મારફત ઘઉંની ખરીદી કરીને તેનો બફર સ્ટોક ઊભો કરે છે જેનો ઉપયોગ રેશન દુકાનો મારફત વિતરણ માટે કરવામાં આવે છે. આવો સ્ટોક ફૂડ ઈમરજન્સી માટે પણ કરવામાં આવે છે.
૨૦૨૨માં સરકારે રેશનદુકાનોમાં વિતરણ માટે ઘઉંનો જથ્થો ઘટાડી તેની સામે ચોખાનો જથ્થો આપવાની શરૂ કરી હતી, આવી સ્થિતિ ૨૦૨૩ તથા ૨૦૨૪માં ચાલુ રહી હતી. જો કે ૨૦૨૪ના અંતભાગમાં ઓકટોબર મહિનામ ાં સરકારે રેશનમાં ઘઉંનો જથ્થો ફરી વધારવાનું નક્કી કર્યું હતું. ઓકટોબર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ગાળા માટે સરકારે ઘઉંનો આશરે સાડા ત્રણ લાખ ટનનો વધારાનો જથ્થો છૂટ્ટો કર્યો હતો. સરકારને ઉત્તર-પ્રદેશમાંથી ઘઉંનો જથ્થો અપેક્ષાથી ઓછો મળ્યો હોવાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા.