Get The App

ખાંડ બજારમાં તહેવારો પૂર્વે ભાવ ઉંચકાયા

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
ખાંડ બજારમાં તહેવારો પૂર્વે ભાવ ઉંચકાયા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

દેશના ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ઊનાળામાં ખાંડની માગ ખાસ કરીને બલ્ક વપરાશકારો તથા ઠંડાપીણાના ઉત્પાદકો તરફથી વિશેષ જોવા મળી  હતી. જો કે ત્યારબાદ ચોમાસાના  આગમન વચ્ચે ખાંડ બજારમાં નવી માગ ધીમી પડી હતી. હવે જો કે દેશ માં વિવિદ તહેવારો નજીક આવતાં તથા તહેવારોની મોસમ હવે શરૂ થઈ રહી છે ત્યારે ખાંડ બજારમાં માગ તથા પૂછપરછો ફરી વધતી જોવા મળી છે. ખાંડના ભાવ પણ ઉંચા સજતાં જોવા મળ્યા છે. નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં ભાવ વધી કિવ.દીઠ રૂ.૪૦૩૦થી ૪૦૯૦ તથા સારા માલોના ભાવ રૂ.૪૦૮૦ થી ૪૧૬૦ આસપાસ બોલાતા થયા હોવાનું જથ્થાબંધ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિના માટે ખાંડ મિલો માટે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા ૨૨ લાખ ૫૦ હજાર ટનનો છૂટ્ટોકરવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. જુલાઈ મહિનામાં જે ક્વોટા સિલ્લક રહી ગયો  હોય તેવા ક્વોટાને સરકારે એક્સટેન્શન  આપ્યું નથી એવું જાણકારો જણાવી  રહ્યા હતા.  આ પૂર્વે જુલાઈ મહિનાનો ક્વોટા ૨૨ લાખ ટનનો આપવામાં આવ્યો હતો અને   એ વખતે જૂન મહિનાનો જે ક્વોટા સિલ્લક રહી ગયો હોય એ ક્વોટાને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું ન હતું.  એકંદરે જુલાઈ મહિનાની સરખામણીએ સરકારે ઓગસ્ટ મહિના માટે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા વધુ છૂટ્ટો કર્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.  દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૨૦૧૭-૧૮થી ૨૦૨૪-૨૫ દરમિયાનના  આશરે સાત વર્ષના ગાળામાં ૨૨થી ૨૩ ટકા ઘટયાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. જો કે આ ગાળામાં ત્યાં શેરડીના વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યો હતો પરંતુ ત્યાંની ખાંડ બજારના જાણકારોના જણાવ્યા મુજબ શેરડીનો નોંધપાત્ર જથ્થો ત્યાં ખાંડસરી ઉત્પાદન તરફ જતો રહેતાં ત્યાં આ ગાળામાં ખાંડના ઉત્પાદનમાં પીછેહટ દેખાઈ હતી. ત્યાં આ ગાળામાં ખાંડનું ઉત્પાદન ૧૨૦થી ૧૨૧ લાખ ટનથી ઘટી ૯૨થી ૯૩ લાખ ટન આસપાસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશમાં ખાંડસરીનું ઉત્પાદન એકમો ધમધમતા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યુંહતું.

દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં બ્રાઝીીલની ખાંડની સપ્લાય વધવાના અંદાજ વચ્ચે ન્યુયોર્ક બજારમાં રો-સુગરના ઙાવ ઘટી ચાર સપ્તાહના તળિયે ઉતરી ગયા હતા. પાકિસ્તાને એક લાખ ટન સુગર ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર  તાજેતરમાં બહાર પાડયાના સમાચાર આવ્યા હતા. ભારતમાં શેરડીના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા વર્ષે ૫૫ લાખ ૬૮ હજાર હેકટર્સ હતો તે  આ વર્ષેવધી ૫૭ લાખ ૩૧ હજાર હેકટર્સ ખરીફ મોસમમાં તાજેતરમાં નોંધાયો હતો. ગયા વર્ષે મ્ટેમ્બર અંતે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે૭૯ લાખ ટનનો નોંધાયો હતો તથા ૨૦૨૪-૨૫ની નવી ખાંડ મોસમ ઓકટબોર ૨૦૨૪થી શરૂ થઈ હતી તથા આ ૨૦૨૪-૨ની વર્તમાન ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ઘટી આશરે ૨૬૧ લાખ ટનનો અંદાજાયો હતો.  આની સામે દેશમાં ખાંડની આંતરીક માગ વાર્ષિક ૨૮૦ લાખ ટનની અંદાજાઈ છે. તાજેતરમાં જૂનના અંતે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૧૧૨ લાખ ટન અંદાજાયો હતો. દરમિયાન, દેશમાં ખાંડની હવે પછી ૨૦૨૫-૨૬ની મોસમની નવી આવકો નવમ્બર મહિનાથી શરૂ થઈ જવાની શક્યતા જાણકારો બતાવતા હતા.  આ વર્ષે સપ્ટેમ્બરના અંતે ૨૦૨૪-૨૫ની  મોસમ પૂરી થશે ત્યારે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે બાવન લાખ ટન જેટલો રહીસ જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. આવી સ્થિતિમાં ખાંડની ૨૦ લાખ ટનની નિકાસ કરવાની મંજૂરી સરકારે આપવી જોઈએ એવી માગણી તાજેતરમાં  શરૂ થઈ હતી. આ ઉપરાંત ઈથેનોલના ઉત્પાદન તરફ આશરેૅ ૫૦ લાખ ટનના ડાઈવર્ઝનની શક્યતા પણ બતાવાઈ હતી. ભારતે તાજેતરમાં ટેરીફ-રેટ ક્વોટા યોજના હેઠળ યુરોપમાં આશરે ૫૮૦૦થી ૫૯૦૦ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. આવી મંજૂરી ૨૦૨૫-૨૬ માટે આપવામાં આવી હતી.