પાંખા કામકાજો પાછળ તાંબામાં સ્થિર વલણ
- ઊભી બજારે - દિલીપ શાહ
તાંબુ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. વીજવહન,ડેટા સેન્ટરો, વીજળીની લાઈનો, પાણીની પાઈપો, નવીન ઉર્જા સાધનો, સોલાર પેનલ અને ઈલેક્ટ્રિક વાહનોમાં તેનો ઉપયોગ વધતો જાય છે. આજના યુગમાં જ્યારે દુનિયા સ્વચ્છ ઊર્જા તરફ વળી રહી છે ત્યારે તાંબુ *જરૂરી ધાતુ* બની ગયું છે.પરંતુ તાંબાનું ખાણકામ એટલું સહેલું નથી!
તાંબાની નવી ખાણ શરૂ કરવા માટે મોટી મૂડી, લાંબો સમય અને મોટા રિસ્ક લેવાં પડે છે. ખાણ શોધાય ત્યારથી લઈને તેને ઉત્પાદન માટે તૈયાર કરવામાં ઘણીવાર ૨૦ થી ૨૫ વર્ષ સુધીનો સમય લાગી જાય છે.
યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (અંકટાડ)ના અંદાજ મુજબ ૨૦૩૦ સુધી વધતી માગને પહોંચી વળવા માટે લગભગ ૨૫૦ અબજ ડોલરનું રોકાણ જરૂરી થશે અને વિશ્વભરમાં ઓછામાં ઓછી૮૦ નવી ખાણો શરૂ કરવી પડશે.
સમગ્ર વિશ્વના અડધા કરતાં વધુ તાંબાના ભંડારો પાંચ દેશોમાં જ સીમિત છેઃચિલી, પેરુ, ઑસ્ટ્રેલિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો અને રશિયા. જો કે ખનિજથી સમૃદ્ધ દેશો હોવા છતાં, એમને તાંબામાંથી પૂરો નફો મળતો નથી કારણ કે મોટાભાગનું વિતરણ અને શુદ્ધીકરણ ચીન જેવા દેશો કરે છે. ચીન વિશ્વના લગભગ ૬૦% તાંબાના કાચા માલની આયાત કરે છે અને ૪૫% કરતાં વધુ તાંબું શુદ્ધ કરે છે. આથી તાંબાનો કાચો માલ ચીન જાય છે અને ત્યાંથી શુદ્ધ અને તૈયારી થયેલા તાંબાના ઉત્પાદનો આખી દુનિયામાં વિતરીત થાય છે.
અંકટાડે એવું જણાવી દીધું છે કે હવે ઉત્પાદન કરનારા દેશોએ ખનિજ શુદ્ધીકરણ, પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે સઘન પગલાં લેવાં જોઈશે.
આ દેશોએ ઔદ્યોગિક પાર્કો વિકસાવવાનું તથા ટેક્સ ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કરવું જોઈએ, વેપાર માટેસારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ અને એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી દેશની અંદર જ વધારે ઉત્પાદન થાય. આમ નહીં થાય તો આ દેશો ફક્ત કાચા માલના સપ્લાયર તરીકે જ રહી જશે. અંકટાડના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં આયાત પર લાદવામાં આવતી ટેરિફનો પ્રશ્ન ઘણો ગંભીર બની ગયો છે.શુદ્ધ તાંબા પર ટેરિફ માત્ર બે ટકા હોય છે, જ્યારે એમાંથી બનેલા તૈયાર માલ પરની ટેરિફ આઠ ટકા જેટલી થઈ જાય છે. આમ, જે દેશો તાંબામાંથી મૂલ્યવધત ઉત્પાદનો કરવા ઈચ્છે છે એમની સમસ્યા વધી જાય છે.
અગાઉ જોયું એમ, તાંબાની નવી ખાણો કાર્યરત કરવામાં લાંબો સમય લાગી શકે છે. આવામાં આ ધાતુનું રિસાયકલિંગ કરવામાં આવે એ અગત્યનું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં વિશ્વના તાંબાના કુલ ઉપયોગમાંથી ૪.૫ મિલ્યન ટન એટલે કે ૨૦ ટકા તાંબુ રિસાયકલિંગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. હાલ અમેરિકા, જર્મની અને જાપાન તાંબાના ભંગારના સૌથી મોટા નિકાસકાર દેશો છે. બીજી બાજુ, ચીન, કેનેડા અને દક્ષિણ કોરિયા મોટા આયાતકાર છે. વિકસનશીલ દેશો માટે તાંબાનો ભંગાર એક મહત્ત્વપૂર્ણ જણસ બની શકે છે અને તેઓ એમાંથી પૈસા બચાવી પણ શકે છે અને કમાઈ પણ શકે છે.
તાંબાના બજારની વાત કરીએ તો, હાલ ભાવ સ્થિર છે અને ટ્રેડિંગ સાધારણ છે. તાંબામાં ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ સ્થિર છે. તાંબાના ભાવ પણ દૈનિક ધોરણે સાંકડી વધઘટ પામે છે. આમ, હાલમાં બજારના સહભાગીઓ સાવધાનીપૂર્વક કામકાજ કરી રહ્યા છે. ટેક્નિકલ સંકેતો પણ બજાર સંતુલિત હોવાનું દર્શાવે છે. જો કે, મઘ્યમ ગાળા માટે રોકાણકારોને તાંબામાંથી કમાઈ લેવાની શક્યતા દેખાઈ રહી છે. નોંધનીય છે કે છેલ્લા થોડા વખતથી અમેરિકન ડોલર નબળો ચાલી રહ્યો હોઈ તાંબાના ભાવને ટેકો મળેલો છે. તાંબાનો ભાવ ડોલરમાં ચાલે છે અને તેથી બીજાં ચલણ વાપરનારને આવી વસ્તુનો ભાવ સસ્તો પડે છે. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એ સ્થિતિમાં ડોલરનું મૂલ્ય હજી ઘટી શકે છે. આથી તાંબા જેવી ધાતુની માગ વધી શકે છે.