- ઊભી બજારે - દિલીપ શાહ
- નવી મોસમમાં ઘરઆંગણે ઉત્પાદન વધી 350 લાખ ટન થવાની આશા
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે તથા નવરાત્રી અને દશેરાની પુર્ણાહુતી પછી હવે બજારના ખેલાડીઓની નજર દિવાળીના તહેવારો પર રહી છે. તહેવારોના પગલે ખાંડ બજાર તથા ઉદ્યોગમાં મોસમી રિટેલ માગ તથા બલ્ફ વપરાશકારોની માગમાં વૃદ્ધી જોવા મળી છે. બજાર ભાવ પણ મક્કમ રહ્યા છે. નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં તાજેતરમાં ક્વિ.દીઠ ભાવ નીચામાં રૂ.૪૦૨૫થી ૪૦૭૫ તથા ઉંચામાં ભાવ રૂ.૪૦૬૫થી ૪૧૪૫ આસપાસ બોલાતા જોવા મળ્યા છે. દરમિયાન, ખાંડ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં દિવાળીના તહેવારોમાં દેશમાં મિઠાઈનો વપરાશ ઘટયો છે તથા સામે સૂકામેવાનું તથા ચોકલેટનો વપરાશ વધ્યો છે. આવા બદલાતા સમીકરણોની અસર ખાંડની માગ પર પણ પડતી જોવા મલી છે. દેશમાં ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર રાજ્ય મહત્ત્વનું મનાય છે. મહારાષ્ટ્રના તાજેતરમાં મળેલા સમાચાર મુજબ મહારાષ્ટરના મુખ્ય પ્રદાનની અધ્યક્ષતામાં મંત્રીઓની સમિતિની મિટિંગ મળી હતી તથા આ મિટિંગમાં મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગમાં શેરડીના પિલાણની મોસમ ૧લી નવેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ૨૦૨૪-૨૫ની મોસમમાં ૨૯૫ લાખ ટન અંદાજાયું છે તેની સામે ૨૦૨૫-૨૬ની નવી મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન વધી ૩૪૯ લાખ ટન આસપાસ થવાની શક્યતા ખાંડ ઉદ્યોગના જાણકારો તાજેતરમાં બતાવી રહ્યા હતા. આવા માહોલમાં સરકારે ખાંડ માટે એમએસપીના દર વધારવા જરૂરી છે ઉપરાંત ખાંડની નિકાસ માટે સરકારે પોઝીટીવ અભિગમ બતાવવો જરૂરી છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ વૈશ્વિક સ્તરે ખાંડનું કુલ ઉત્પાદન ૨૦૨૫-૨૬માં વધીને ૧૮૦૦ લાખ ટનની સપાટી પાર કરી ૧૮૦૬ લાખ ટન આસપાસ થવાની શક્યતા વિશ્વ બજારના સૂત્રોએ તાજેતરમાં દર્શાવી હતી. તાજેતરમાં વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઘટતા રહી ૪ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ પણ મળ્યા હતા. ખાંડના વૈશ્વિક ભાવ છેલ્લા છ મહિનાથી દબાણ હેઠળ જોવા મળ્યા છે. ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશનના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ૨૦૨૫-૨૬માં ખાંડનું કુલ ઉત્પાદન ૧૮૦૬ લાખ ટન તથા ખાંડનો કુલ વપરાશ ૧૮૦૮ લાખ ટન આસપાસ થવાની શક્યતા જણાય છે. બ્રાઝીલમાં ઉત્પાદન વધવાનો અંદાજ બતાવાયો છે. દરમિયાન ઘરઆંગણે અમુક વર્ગના જણાવ્યા મુજબ ખાંડનું ઉત્પાદન ૨૦૨૫-૨૬ની નવી મોસમમાં આશરે ૨૦ લાખ ટન નિકાસ તથા ૪૫ લાખ ટન સુગરને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવામાં આવવે એવી શક્યતા જોતાં રહી મોસમના અંતે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૫૩થી ૫૪ લાખ ટન રહેવાનું અનુમાન બજારમાં બતાવાઈ રહ્યું છે. ખાંડ મિલોને શેરડીના રસમાંથી શિરપ, બી-હેવી મોલાસીસ તથા સી-હેવી મોલાસીસ ઈથેનોલ ઉત્પાદન કરવાની છૂટ આપી છે. ખાંડ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મંજબ ૨૦૨૫-૨૬માં ઈથેનોલનું ઉત્પાદન આશરે ૧૨ અબજ લીટર થવાની શક્યતા જણાઈ રહી છે. વર્તમાન વર્ષમાં ઓગસ્ટ સુધીમાં ઈથેનોલનું ઉત્પાદન ૧૧ અબજ ૩૩ કરોડ લીટર થયું હતું જે પૈકી આશરે ૩૧ ટકા ઉત્પાદન ખાંડ પર આધારીત તથા ૬૯ ટકા ઉત્પાદન અન્ય અનાજ પર આધારીત થયું હતું સુગરના મિનીમમ સપોર્ટ ભાવ (એમએસપી) ક્વિ.ના રૂ.૩૧૦૦થી વધારી રૂ.૩૯૦૦ કરવાની માગણી તાજેતરમાં નેશનલ ફેડરેશન ઓફ કોએપરેટીવ સુગર ફેકટરીઝ દ્વારા સરકારે કરવામાં આવી હતી. ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં દેશમાં ખાંડ ઉત્પાદનનો અંદાજડ અમુક વર્ગ ૨૬૧થી ૨૬૨ લાખ ટનનો મૂકી રહ્યો હતો. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ઉત્પાદન ૨૫૯થી ૨૬૦ લાખ ટન થયું છે તથા ૧૫ સપ્ટેમ્બર સુધીમાં નિકાસ શિપમેન્ટ ૭ લાખ ૭૦ હજાર ટન જેટલી થઈ છે.


