Get The App

કઠોળના ઉત્પાદનને વેગ મળે તે જરૂરી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
કઠોળના ઉત્પાદનને વેગ મળે તે જરૂરી 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- દેશમાં ૨૦૨૪-૨૫માં લગભગ ૭.૩ મિલ્યન ટન કઠોળની આયાત કરવી પડી હતી

આજે ભારત વિશ્વમાં કઠોળનું સૌથી મોટું ગ્રાહક છે અને સાથે સાથે ઉત્પાદક પણ છે. પરંતુ માગની સામે પુરવઠો ઓછો છે. દેશમાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં કઠોળનું ઉત્પાદન ૧૬.૩૨ મિલ્યન ટન હતું, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને અંદાજે ૨૪.૪૯ મિલ્યન ટન થઈ ગયું હતું. ગત ત્રણ વર્ષોમાં સરેરાશ ઉત્પાદન ૨૫-૨૬ મિલ્યન ટન રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં આશરે ૭.૩ મિલ્યન ટન કઠોળની આયાત કરવી પડી હતી. એનું મૂલ્ય આશરે ૫.૫ અબજ ડૉલર હતું. સાથે સાથે જમાવવાનું કે ૨૦૨૩-૨૪માં આયાતનું પ્રમાણ ૪.૮ મિલ્યન ટન હતું. એનો અર્થ એવો થયો કે પછીના વર્ષે આયાતમાં ૪૦ ટકાનો વધારો થયો. ત્રણ વર્ષમાં સરેરાશ આયાત બમણી થતી ગઈ હોવાનો અંદાજ છે. 

પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ સરકાર ટેકાના ભાવે કઠોળનું પ્રોક્યોરમેન્ટ કરે છે, જેથી ખેડૂતોને સારા ભાવ મળી રહે. આ યોજના એમ તો ૨૦૨૪-૨૫ માટે હતી, પણ એને બીજાં ચાર વર્ષ વધારવામાં આવી છે. સરકારે તુવેર, અડદ અને મસૂરની દાળ માટેની આ યોજના હેઠળના પ્રોક્યોરમેન્ટની મર્યાદા દૂર કરી દીધી હોવાથી આ કઠોળના ખેડૂતોનો સંપૂર્ણ માલ ટેકાના ભાવે વેચાઈ શકે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં કઠોળની આત્મનિર્ભરતા માટે ૧,૦૦૦ કરોડ રૂપિયાની યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરના વાવેતર માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજના ૨૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં મૂકવામાં આવી છે. યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવાનો છે. એના માટે વાવેતરને લગતું માર્ગદર્શન આપવામાં આવે છે અને ઉંચી જાતનું બિયારણ પૂરું પાડવામાં આવે છે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે છેલ્લાં ૧૦-૧૧ વર્ષોમાં દેશમાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા માટે સતત હાકલ કરી છે અને એમાં સહયોગ આપવાની નીતિ અપનાવી છે. આયાતમાં સતત વધારો કરવો પડી રહ્યો છે એ પરિસ્થિતિ દર્શાવે છે કે સરકારના પ્રયાસો છતાં હજી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાઈ નથી. સરકારે તુવેર, વટાણા, ચણા, અડદ અને પીળા વટાણા સહિતના મુખ્ય કઠોળની આયાત માટે મુક્ત નીતિ અપનાવી છે, કારણ કે દેશમાં ઉત્પાદન ઓછું હોવાને લીધે ભાવ વધારે રહે છે. દેશમાં થતી કઠોળની કુલ આયાતમાં પીળા વટાણા અને મસૂરની દાળનો હિસ્સો ૭૦ ટકા કરતાં પણ વધારે છે. ક્યારેક એવું પણ થાય છે કે આ કઠોળની માગ અચાનક ઘટી જવાથી આયાતી જથ્થો ગોદામોમાં પડી રહે છે. આવા સંજોગોમાં સરકાર સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આવશ્યકતા પ્રમાણે જ આયાત થાય અને ઉત્પાદક ખેડૂતને યોગ્ય ભાવ મળે એવી નીતિઓ સાથે આગળ વધી રહી છેઃ 

છેલ્લે, કહેવાનું કે ભારતની કઠોળની બજાર પર અસર કરનારું મોટું પરિબળ એટલે ચોમાસું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેવાની ધારણા છે. પ્રારંભિક અહેવાલો મુજબ આ વર્ષે કઠોળના વાવેતરનો વિસ્તાર વધીને ૯.૩ મિલ્યન હેક્ટર થયો છે, જે ગયા વર્ષે ૮.૯૯ મિલ્યન હેક્ટર હતો. મગના વાવેતરનો વિસ્તાર ૦.૪૨ મિલ્યન હેક્ટર અને મઠનો ૦.૩૧ મિલ્યન હેક્ટર વઘ્યો છે. તુવેર અને અડદનો વાવેતરનો વિસ્તાર અનુક્રમે ૦.૩૧ મિલ્યન હેક્ટર અને ૦.૧૨ મિલ્યન હેક્ટર ઘટયો છે. વાવેતર કરનારાં રાજ્યોની પેટર્ન બદલાતી હોવાનું આ પરિણામ છે. અમુક પ્રદેશમાં વરસાદ મોડો પડયો હોવાથી વાવેતર ઘટયું છે. 

ભારતમાં હજી પણ કઠોળની ઊપજ ઓછી છે, કારણ કે હજી પણ ધાર્યા પ્રમાણેનું સંશોધન થઈ રહ્યું નથી તથા સંસ્થાકીય સહયોગ અપૂરતો પુરવાર થઈ રહ્યો છે. પરિસ્થિતિ સુધરતાં હજી વાર લાગશે એવું દેખાઈ રહ્યું છે.