- ઊભી બજારે - દિલીપ શાહ
- મધ્ય-પ્રદેશમાં અડદ ઉગાડતા ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત ક્વિ.દીઠ રૂ.600નું બોનસ આપવા નિર્ણય
ભારતમાં વિવિધ દાળ તથા કઠોળની માગમાં નોંધપાત્ર વૃધ્ધિ તાજેતરના વર્ષોમાં થતી જોવા મળી છે. ખાસ કરીને કોરોનાકાળ પછીના ગાળામાં લોકોમાં આરોગ્ય વિશે સભાનતા વધતાં દાળ- કઠોળનો વપરાશ વધતો દેખાયો છે. ભારતમાં દાળ- કઠોળમાં ઘરઆંગણે જેટલું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ કઠોળ- દાળની સ્થાનિક માગ વધુ રહેતાં આપણે દરીયાપારથી આવતા માલો પર આધાર રાખવો પડે છે. જોકે દેશમાં ઉત્પાદન વધારવા તથા આયાત પરનો આધાર ઘટાડવા સરકાર ગંભીર પ્રયત્નો તાજેતરમાં કરતી દેખાઈ છે. દરમિયાન, ભારતમાં વિવિધ કઠોળની કુલ આયાત ૨૦૨૫માં આશરે સાડા ચાર ટકા જેટલી ઘટી હોવાનું ઈન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઈન્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૫માં ભારતમાં આવી આયાત ઘટી આશરે ૬૫ લાખ ૬૯થી ૭૦ હજાર ટન આસપાસ થયાનું જાણકારોએ ઉમેર્યું હતું . દેશમાં ૨૦૨૫માં જોકે ચણા અને અડધની આયાતમાં વૃધ્ધિ થઈ હતી પરંતુ સામે પીળા વટાણાની ઈમ્પોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થતાં એકંદરે કુલ ઈમ્પોર્ટમાં પીછેહટ જોવા મળી હતી. ભારતમાં ૨૦૨૪મા ં વિવિધ કઠોળની કુલ આયાત આશરે ૬૮ લાખ ૭૫ હજાર ટન થઈ હતી તે ૨૦૨૫માં ઘટી ૬૫ લાખ ૬૯ હજાર ટન નોંધાઈ હતી. સરકારે પીળા વટાણાની આયાત પર ૩૦ ટકા ડયુટી લાદતાં ઘરઆંગણે પીળા વટાણાની ઈમ્પોર્ટમાં ખાસ્સી પીછેહટ જોવા મળી છે. જોકે આની સામે દેશમાં અડધ તથા ચણાની આયાતમાં વિશેષ વૃધ્ધિ પણ જોવા મળી હતી. પીળા વટાણાની ઈમ્પોર્ટ આશરે ૫૫થી ૫૬ ટકા ઘટી ૨૦૨૫માં ૧૨ લાખ ૯૦ હજાર ટન નોંધાઈ હતી જ્યારે ૨૦૨૪માં આ આંકડો ૨૯ લાખ ૩૯થી ૪૦ હજાર ટન આસપાસ નોંધાયો હતો.
ભારતમાં પીળા વટાણાની ઈમ્પોર્ટ મુખ્યત્વે કેનેડાથી કરવામાં આવે છે. આ ઉપરાંત આવી આયાત રશિયા તથા લેટવીયા અને આર્જેન્ટીના ખાતેથી પણ કરવ ામાં આવતી હોવાનું દાળ- કઠોળ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, ચણાની ઈમ્પોર્ટમાં ચાર ગણી વૃધ્ધિ થઈ હતી. આવી આયાત ૨૦૨૪માં ૩ લાખ ૯૪ હજાર ટન હતી તે ૨૦૨૫માં ૧૫ લાખ ૮૧ હજાર ટન જેટલી થઈ હતી. દેશમાં ચણાની ઈમ્પોર્ટ વિશેષ રૂપે ઓસ્ટ્રેલીયા, તાન્ઝાનિયા તથા બર્મા ખાતેથી કરવામાં આવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અડદની આયાત ૪૦થી ૪૧ ટકા વધી છે. દેશમાં આવી આયાત મુખ્યત્વે બ્રાઝીલ તથા મ્યાનમાર ખાતેથી કરાઈ હતી. ભારતમાં બ્રાઝીલથી અડદની ઈમ્પોર્ટ ૨૦૨૫માં ૨ લાખ ૩૭ હજાર ટન થઈ છે તે ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં વધુ ૨૪થી ૨૫ ટકા વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. બ્રાઝીલમાં આ વર્ષે અડદનો પાકનો અંદાજ ઉંચો મુકાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. બ્રાઝીલમાં અડધનો નવો પાક મેથી જૂન મહિનામાં નિકળશે તથા આ વર્ષે ભારતમાં બ્રાઝીલના અડદની આયાત વધી આશરે ૩ લાખ ટનને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. બ્રાઝીલમાં અડદનું વાવેતર ફેબુ્રઆરી- માર્ચમાં કરવામાં આવે છે તથા ૯૦ દિવસમાં નવો પાક તૈયાર થઈ જાય છે. બ્રાઝીલમાં અડદની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે સારા ભાવ ઉપજ્યા હતા તથા તેના પગલે ત્યાં ખેડૂતઓ દ્વારા નવા પાક માટે અડદના વાવેતરનો વિસ્તાર વધ્યો હોવાના નિર્દેશો મળ્યા હતા. ભારતના અનાજ- કઠોળ બજારમાં તાજેતરમાં અડદના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. ઘરઆંગણે બજારોમાં તેલંગણા તથા આંધ્રના અડદની આવકો પણ વધતી જોવા મળી છે. મધ્ય પ્રદેશમાં સરકારે અડ ઉગાડતા ખેજૂતોને ટેકાના રૂ.૭૮૦૦ના ભાવ ઉપરાંત ક્વિન્ટદીઠ રૂ.૬૦૦નું બોનસ આપવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા.ભારતમાં ૨૦૨૫માં અડદની કુલ આયાત વધી ૧૦ લાખ ટનની સપાટીને આંબી ગયાના વાવડ હતા.


