Get The App

ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં કૃષિ ઊત્પાદકતા ચીન કરતા ઓછી

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં કૃષિ ઊત્પાદકતા ચીન કરતા ઓછી 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- AI, ડીજીટલ સહિતના અન્ય રીવોલ્યુશનનો જન્મ પશ્ચિમ જગતે કર્યો

જગતના ઘણા દેશો ખેતીપ્રધાન યુગમાંથી બહાર આવી ગયા છે અને ઉદ્યોગપ્રધાન યુગમાંથી પણ બહાર આવીને માહિતી યુગમાં પ્રવેશી ચૂકયા છે. હવે પશ્ચિમ જગત ડીજીટલ અથવા માહિતી યુગમાંથી આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના યુગમાં પ્રવેશી ચૂકયુ છે પરંતુ ભારતની જીડીપીમાં ખેતી ક્ષેત્રે (જેમાં ખેતપેદાશો, વન્ય પેદાશો, દૂધ ઉત્પાદન, પશુપાલનનો સમાવેશ થાય છે) કામ કરતા લોકોની સંખ્યા પ્રચંડ મોટી છે છતાં જગતમાં સૌથી વધુ દુધનું ઉત્પાદન ભારત કરે છે. ભારત કઠોળનું પણ મોટુ ઉત્પાદક છે.

આમ ભારત ગામડામાં વસે છે તે ગૌરવની બાબત નથી પણ તે હીણપતભરી બાબત છે. ગામડાના જીવન વિષે રોમાંચકારી અને નોસ્ટેલ્જીક સાહિત્યનું સર્જન કરતા મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોનું બાળપણ કે કિશોરાવસ્થા ગામાડમાં વીત્યા હતાં. તેથી તેઓ જ્યારે ગામડાના આલ્હાદક જીવનની વાતો કરે છે ત્યારે તે ખરેખર પોતાના બાળપણની કે કિશોરાવસ્થાની વાતો કહેતા હોય છે. તેઓ હિન્દુ ધર્મથી તરબોળ છે પરંતુ ભારતમાં વર્ષોથી ગામડાનું જીવન 'નેસ્ટી, પુઅર, બુ્રટીશ એન્ડ ર્શોટ' રહ્યું છે.

ગુજરાતી સાહિત્યકારો માંથી ભાગ્યે જ ગામડામાં બાળપણ વીતાવીને તેઓ ફરી પાછા ગામડામાં જઈને વસ્યા છે.ભારતમાં ગામડાઓનું ગ્લોરીફીકેશન ગાંધીયુગથી પણ ઘણુ વહેલુ શરૂ થયું છે. સાહિત્યકારોએ તેમાં હદ કરી નાખી છે.આટલી આડ વાત કર્યા પછી એક આંખે ઊડીને વળગે તેવી વાત એ છે કે ભારતના ખેતીક્ષેત્રે કામ કરતા લોકોની ટકાવારી ભારત કુલ વર્કફોર્સમાં ૨૦૧૭-૨૦૧૮ માં તેમજ ૨૦૨૧માં ૪૪.૧ ટકા હતી અને ૨૦૨૩માં ૪૫.૮ ટકા હતી.

જો ખેતીવાડી ક્ષેત્રે ભારતમાં આટલો મોટો વર્ક ફોર્સ કામ કરતો હોય તો તેનો જીડીપીમાં ફાળો પણ મોટો હોવો જોઈએ. પરંતુ તે માત્ર હાસ્યાસ્પદ ૧૬ ટકા છે.ભારતના ખેતી ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓની ટકાવારી કુલ કૃષિ વર્ક ફોર્સમાં ૫૭ ટકા હતી તે ૨૦૨૩-૨૦૨૪માં વધીને ૬૪.૪ ટકા પર પહોંચી છે. વળી આ પહેલાય અહેવાલ જણાવે છે કે ભારતમાં ખેતીક્ષેત્રનો તેની જીડીપીના ૧૬ ટકા છે અને તે ભારતના કુલ વર્ક ફોર્સના ૪૬ ટકા ખેતીક્ષેત્રે કામ કરે છે.

ચીન હજી ખેતીવાડી ક્ષેત્રે પ્રચંડ ઉત્પાદન કરે છે તેટલું જ નહીં પરંતુ ખેતીક્ષેત્રે તેનો પ્રોડકટીવીટી રેટ એટલે કે ઉત્પાદકતાનો દર ઉપર જોયું તેમ ભારત કરતા લગભગ બમણો છે. સાથે સાથે ચીને ઔદ્યોગિક ઉત્પાદનમાં એટલી પ્રગતી કરી છે કે અત્યારે 'વર્કશોપ ઓફ ધ વર્લ્ડ' ગણાય છે.

ભારતમાં ઉપર જોયું તેમ તેની જીડીપીમાં ખેતીક્ષેત્રનો ફાળો ૧૬ ટકા છે તો ચીનમાં તે ૬.૯ ટકા, અમેરિકામાં ૧ ટકો, ફ્રાંસમાં ૧.૭૪ ટકા, જર્મનીમાં .૮૪ ટકા (પૂરો એક ટકો પણ નહીં), યુ.કે.માં તો માત્ર .૫૮ ટકા અને જાપાનમાં પણ તે માત્ર .૯૪ ટકા છે. જગતના સમૃધ્ધ દેશો (ઓઇલથી સમૃધ્ધ થયેલા દેશોને બાદ કરતા) આ ખેતીક્ષેત્ર અને ગ્રામ્યજીવન તદ્દન માર્જીનલ બની ગયા છે. ત્યાંનું જીવન મુખ્યત્વે શહેરી અને સર્બબન (પરામાં) જીવન છે. ભારત ગ્રામ્યજીવન પ્રધાન દેશ હોવાથી લોકો રીલીજીયસ માયથોલોજીને હકીકત માનીને જીવે છે.

ભારતમાં એક બાબત ઘણી સારી બની રહી છે.ભારતની જીડીપી ભલે ખેતીવાડી ક્ષેત્રનો ફાળો માત્ર ૧૬ ટકા હોવા છતાં મેન્યુફેકચરીંગ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રોનો ફાળો ૨૫ ટકાની આજુબાજુ છે. પરંતુ ભારતમાં સર્વીસીઝ સેકટરનો ફાળો ૫૫ ટકા કે તેનાથી વધારે છે. સર્વીસીઝ સેકટરમાં બેંકીંગ, ફાઇનાન્સ, એન્ટરટેનમેન્ટ, વીજળી, પાણી પુરવઠો, વીમા ઉદ્યોગ, હોસ્પિટલ અને હોસ્પિટાલીટી ઉદ્યોગ, ટુરિઝમ, સરકારી સેવાઓ દરેક કક્ષાનું એજયુકેશન, ડીફેન્સ ક્ષેત્ર અને હવે મુખ્યત્વે આઇટી સર્વીસીઝનો સમાવેશ થાય છે.ભારતમાં આઇટી સર્વીસીઝ જે ૧૯૮૦ પહેલા શૂન્ય હતી તેનો પ્રચંડ વિકાસ થયો છે.

યાદ રહે કે જગતમાં ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુશન, ઇન્ફર્મેશન રીવોલ્યુશન, ડીજીટલ રીવોલ્યુશન અને એઆઇ રીવોલ્યુશનનો જન્મ પશ્ચિમ જગતે કર્યો છે.