Get The App

આર્થિક અસમાનતા અને વસ્તી વધારો ભારતની મોટી નબળાઈ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
આર્થિક અસમાનતા અને વસ્તી વધારો ભારતની મોટી નબળાઈ 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- બ્રીક્સની રચના અને વિસ્તરણથી ગભરાયેલા ટ્રમ્પે ઊંચા ટેરિફ લાદયા

અમેરિકન જીવનશૈલી અત્યંત ખર્ચાળ છે. અમેરિકનો દેવું કરીને પણ ઘી પીવે છે અને તેથી અમેરિકા જંગી વ્યાપારી ખાધ ભોગવે છે જે એક ટ્રીલીયન ડોલર્સ પર પહોંચી ગઈ છે જ્યારે ભારત અને ચીન તથા ઘણા દેશો અમેરિકા સામેના વિદેશી વ્યાપારમાં સરપ્લસ ભોગવે છે.

જગતમાં ક્રૂડ તેલનો સૌથી વધુ વપરાશ અમેરિકા (જગતમાં ક્રુડ તેલના વપરાશના ૧૯ ટકા) કરે છે. તે પછી ચીન (૧૬.૪ ટકા) અને તે પછી કોઈ યુરોપીયન દેશનો નહીં પરંતુ ભારતનો નંબર લાગે છે અને ભારત જગતના કુલ ક્રૂડ તેલના વપરાશનો ૫.૮ ટકા વપરાશ કરે છે.

 જગતના કોઇપણ યુરોપીયન દેશ કરતા ભારત ક્રૂડ તેલનો વધુ વપરાશ કરે છે આથી તે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ તેલ મેળવે તે ભારતના આર્થિક વિકાસ માટે જરૂરી છે. ભારતને જગતના કોઇપણ મોટા દેશ કરતા આર્થિક વૃધ્ધિ દરને કેમ કરીને સૌથી વધુ ઝડપી બનાવવો તેની કુશળતા પ્રાપ્ત કરી લીધી છે. અમેરિકા સરાસરી ત્રણ ટકાના દરથી આર્થિક વૃધ્ધિ કરી રહ્યું છે તો ભારત ૬ ટકાથી પણ વધારે દરથી પ્રગતી કરી રહ્યું છે. ભારતને ફુગાવો કેમ કરીને કાબુમા લેવો તે કુશળતા પણ પ્રાપ્ત થઈ ચૂકી છે.

ભારતને અર્થકારણને લગતી તમામ કુશળતાઓ હસ્તગત છે પરંતુ ભારતની સૌથી મોટી (અને મરણતોલ) નબળાઈ એ છે કે ભારતને વસતી વધારો કેમ કાબુમાં રાખવો તેની તલભારની ફીકર નથી અને તલભારની આવડત પણ નથી.

ભારતની બીજી સૌથી મોટી નબળાઈ એ છે કે તે દેશમાં આર્થિક અસમાનતાને દૂર કરી શકી નથી. અમેરિકન સમાજની પણ આ સૌથી મોટી નબળાઈ છે.

અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જો એક બાબત પર સૌથી વધુ ગુસ્સે થયા હોય તો તે બ્રીક્સની રચના અને તેના વિસ્તાર પર છે.

ટ્રમ્પને ડર છે કે રશિયન રીંછ, ચાઇનીઝ ડ્રેગન અને ભારતીય વાઘ (બેંગાલ ટાયગર) તે અમેરિકન ગીધ હવામાથી પ્રહાર કરીને મારી નાખશે અને ખાઈ જશે.

 બ્રીટીશ લાયનને અમે બીજા વિશ્વ યુદ્ધ બાદ ખતમ કરી નાખ્યો તેમ તમારી શું વિસાત ? ટ્રમ્પ એ બાબતથી પણ ગભરાય છે કે રશિયા, ચીન અને ભારત એ ત્રણે દેશો પાસે અણુ તાકાત છે એટલે જગતમાં બેલેન્સ ઓફ પાવર અમેરિકાની તરફેણમાં નથી. પરંતુ જગતમાં 'બેલેન્સ ઓફ ટેરર' છે. જગત અમેરિકા કેન્દ્રી નથી પરંતુ હવે જગત બહુકેન્દ્રી બની ગયું છે. જેથી જગતમાં અમેરિકાનો રોફ નહીં ચાલે.

અમેરિકનો ભોગવાદી જીવન જીવવા ઉપરાંત અન્ય શોખ જગતની સરકારો પર કાબુ મેળવવાનો છે અને શક્ય હોય ત્યાં જગતના દેશોમાં પોતાની કઠપૂતળી સરકારો સ્થાપવામાં છે આ માટે અમેરિકા પાસે જંગી મીલીટરી તાકાત છે.

અમેરિકાના ૭૦૦ જેટલા મીલીટરી થાણાઓ જગતભરમાં ફેલાયેલા છે. જેથી જગતના કોઈપણ દેશ પર એક, બે કે ત્રણ કલાકમાં કોઇને કોઈ પોતાના મીલીટરી બેજ પરથી અમેરિકા હવાઈ હુમલો કરી શકે છે. દુશ્મન પર અમેરિકાથી જ નીકળેલુ બોમ્બર વિમાન હુમલો કરશે તે અમેરિકા માટે અનિવાર્ય નથી. અમેરિકા પાસે જંગી મીલીટરી તાકાત છે. 

ગાય જ્યારે ગાંડી થઈ જાય ત્યારે ભલભલાને અડફેટે ચઢાવે છે તે ડોનાલ્ડ ટ્રમ્પના ઉદાહરણ દ્વારા જગતને જાણવા મળ્યું એ બાબતમાં કોઈ શક નથી કે ભારતે ચીન અને રશિયા સાથે વ્યૂહાત્મક જોડાણ સિવાય તેઓની વિચારસરણી સ્વીકારવાની જરૂર નથી. ભારત લોકશાહીને વળગી રહ્યું છે.