- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- સામ્યવાદી દેશોનો માનવ અધિકારો અંગેનો રેકોર્ડ અત્યંત નેગેટીવ સાબિત થયો છે
820 કરોડની વસતી ધરાવતા જગતનો સરાસરી વૃદ્ધિદર લગભગ 3 ટકા છે જ્યારે જગતની વસતી વધારાનો દર એક ટકાથી થોડોક ઓછો છે. ટૂંકમાં જગતનું અર્થકારણ ખાડે ગયું નથી. ઓઇસીડીના રીપોર્ટ મુજબ ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમા જગતનો આર્થિક વૃદ્ધિદર ૩.૨ ટકા હતો જે ૨૦૨૬મા ઘટીને ૨.૯ ટકા રહેવાની શક્યતા છે. ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમા ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૬.૭ ટકા હતો જે ૨૦૨૬મા થોડોક ઘટીને ૬.૨ ટકા અપેક્ષિત છે. ચીન અત્યારે અમેરિકા પછીનો મહાસત્તાશાળી દેશ ગણાય છે અને જગતનું વર્કશોપ પણ ગણાય છે પરંતુ ૨૦૨૫માં તેનો આર્થિક વૃદ્ધિ દર ભારતના ૬.૭ ટકાના આર્થિક વૃદ્ધિ દર કરતા નીચો (પાંચ ટકા) હતો અને ૨૦૨૬માં તે ૪.૪ ટકા રહેવાનુ અનુમાન છે. ટૂંકમાં દુનિયાની અર્થવ્યવસ્થા સુધરી રહી છે પરંતુ ્ત્યારના જગતનો મુખ્ય પ્રશ્ન જગતના દેશો વચ્ચે અને દરેક દેશની અંદર આર્થિક અસમાનતાનો છે. વળી આર્થિક વૃદ્ધિ દરનો બેઝ (પાયો) નીચો હોય જેમ ભારતનો છે તો ઉંચો આર્થિક વૃદ્ધિ દર આપણને ગેરમાર્ગે દોરે છે. ધારો કે તમારો માસીક પગાર એક લાખ રૂપિયા છે અને તેમા દસ ટકાનો વધારો થયો તો તમારો પગાર એકલાખ માંથી વધીને એક લાખ દસ હજાર થઇ ગયો પરંતુ જેમનો પગાર વાર્ષિક પાંચ લાખ હોય અને તેમને તમારી જેમ દસ ટકા નહી પરંતુ માત્ર ચાર ટકાનો જ ઇજાફો મળે તો પણ તેમનો પગાર મહીને વીસ હજાર વધી જાય. ટૂંકમાં પગારમા કે જીડીપીનો બેઝ કેટલો છે તે આર્થિક વૃદ્ધિ દર માટે અગત્યની બાબત છે. અમેરીકા સરાસરી માત્ર ત્રણ ટકાના દરે આર્થિક પ્રગતી કરે છે પરંતુ તેનો જીડીપીનો બેઝ પ્રચંડ મોટો હોવાથી તેનો ત્રણ ટકાનો વૃદ્ધિ દર હોવા છતાં પણ અત્યારે અમેરીકાની માથાદીઠ આવક લગભગ ૯૦,૦૦૦ ડોલર્સની નજીક પહોંચી ગઈ છે જ્યારે ભારતના ૬૬ ટકાથી વધુ આર્થિક વૃદ્ધિ દર છતા ભારતની સરાસરી માથાદીઠ આવક માત્ર ૨૮૮૦ ડોલર્સ છે. અને ચીન ભલે જગતમા બીજા નંબરની આર્થિક સત્તા હોય તેમ છતા તેની માથાદીઠ વાર્ષિક આવક હજી ૧૪,૦૦૦ ડોલર્સ સુધી પણ પહોંચી નથી. ઝેરી ફૂફાડા મારતા રશયાની સરાસરી માથાદીઠ આવક પણ ૧૫,૦૦૦ ડોલર્સની આજુબાજુ જ છે. ઇરાનની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક માત્ર ૪૨૫૦ ડોલર્સ છે. બીનલોકશાહી અને કટ્ટર શીયામુસ્લીમ રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ધરાવતા ઇરાનની વસતી ૯.૨૦ કરોડ છે જેના કરતા ભારતની વસતી લગભગ ૧૬ ગણી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે જગતનું અર્થકારણ ડહોળાઈ ગયું છે. ૧૯૯૧મા રશિયાનું વિઘટન થયું તે પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી. ૧૯૩૯થી ૧૯૪૫ જગતમા બીજુ વિશ્વયુદ્ધ ચાલ્યુ તેની પણ પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) જગતના દેશો વચ્ચેની 'હોટ વોર' હતું હવે ડોનાલ્ડ ટ્રમ્પે જગતના દેશો સામે ટેરીફ વોર શરૂ કરી છે અને છેક છેલ્લે ગ્રીનલેન્ડને પડાવી લેવા માટે ઇમ્પીરીયાલીસ્ટ (શાહીવાદી) વોર શરૂ કરી છે. ઇમ્પીરીયાલીઝમ એટલે કોઈ અન્ય દેશ પર કબજો લઇને તેના લોકોનું અને તે દેશના સંસાધનોનું આર્થિક શોષણ કરવું. ટૂંકમાં ટ્રમ્પ જગતમાં નીઓ ઇમ્પીરીઆલીઝમની શરૂઆત કરી રહ્યા છે તેમ જણાય છે. અમેરીકાના આનીઓઇમ્પીરીઆલીઝમને કારણે ૩૨ દેશોનું બનેલું નાટો તૂટી પડે તેની પણ ટ્રમ્પને ચિંતા નથી. ટ્રમ્પને હવે રશિયાનો બીલકુલ ડર નથી કારણ કે રશિયા આર્થિક દ્રષ્ટિએ મહાસત્તા રહ્યું નથી. રશિયાની જીડીપી તો ભારતની જીડીપી લગભગ અડધી છે તેથી હવે અમેરીકા ચીનની આર્થિક સત્તા અને રશિયાના પરમાણુ બોમ્બથી જ ડરે છે. ચીન પાસે એઆઈ માટે અનિવાર્ય દુર્લભ ખનિજોનો ભંડાર છે તે બાબતથી ડોનાલ્ડ ટ્રમ્પ ગભરાયા છે અને એ ગભરાટમાં જ તેમણે દુર્લભ ખનિજનો સંભવિત મોટો જથ્થો ધરાવતા ગ્રીનલેન્ડને હડપી લેવાનું નક્કી કર્યું છે.
જગતના સામ્યવાદી દેશોનો માનવ અધીકારો અંગેનો રેકોર્ડ અત્યંત નેગેટીવ સાબીત થયો છે તો ધર્મઆધારીત રાષ્ટ્રો (જેમ કે ઇરાન અને અફઘાનીસ્તાન)નો પણ માનવઅધીકારો અંગેનો રેકોર્ડ બહુ ભૂંડો છે. જગતમાં સામ્યવાદ આર્થિક સમાનતાની બાબતમાં નિષ્ફળ નીવડયો છે.


