Get The App

સમગ્ર વિશ્વમાં વસતી વધારા કરતા આવક વૃધ્ધિ દર વધારે

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
સમગ્ર વિશ્વમાં વસતી વધારા કરતા આવક વૃધ્ધિ દર વધારે 1 - image


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- વિવિધ દેશોની સરાસરી આવકમાં જોવા મળતી ખૂબ મોટી અસમાનતા

જગતમા બે સારી બાબતો બની રહી છે. જગત ખાડે નથી ગયું. જગતમાં પ્રથમ સારી બાબત એ બની રહી છે કે જગતના લોકોનું સરાસરી આયુષ્ય વધી રહ્યું છે. હવે લોકો વધુ લાંબુ જીવે છે. ઇસ. ૧૯૦૦ એટલે કે આજથી માત્ર ૧૨૫ વર્ષ પહેલા જગતનો સરાસરી આવરદા માત્ર ૩૨ વર્ષ હતો તે ૨૦૨૩મા વધીને ૭૨.૬ વર્ષ થયો છે. જગતમા લગભગ તમામ દેશોમા પુરૂષો કરતા સ્ત્રીઓ ૩થી ૫ વર્ષ વધુ જીવે છે. જગતના ફેમીનીસ્ટો માટે આ સારા સમાચાર છે. ભારતમા સરાસરી આયુષ્યમા વધારો થયો હોવા છતા તે જગતના સરાસરી જીવનઆવરદા કરતા નીચો છે. ઇ.સ. ૨૦૦૦મા ભારતીયજનનો સરાસરી જીવનઆવરદા ૬૩.૨ વર્ષ હતો તે ૨૦૨૧મા વધીને ૬૭.૩ વર્ષ થયો છે. જે વૈશ્વીક સરાસરી જીવનઆવરદા કરતા લગભગ ૫ વર્ષ પાછળ છે. ભારતમા પુરૂષોનો સરાસરી જીવનઆવરદા ૬૭.૮ વર્ષ હતો. જ્યારે સ્ત્રીઓમાં સરાસરી જીવનઆવરદા ૭૦.૪ વર્ષ હતો. આ આંકડા ઇ.સ. ૨૦૧૭ના છે. તે પછી તેમા સુધારા થયા છે. બીહાર અને ઝારખંડને બાદ કરતા ભારતના તમામ રાજ્યોના પુરૂષો કરતા સ્ત્રીઓ વધુ જીવે છે.

જગતમા એક બીજી સારી બાબત એ બની રહી છે કે જગતમા વસતી વધારાના દર કરતા જગતની આવક (વર્લ્ડ ઇનકમ) વધરાનો દર વધારે છે. જગતની વસતી સરાસરી એક ટકાથી કાંઈક ઓછા દરે (૦.૮૬ ટકા) વધી રહે છે. જ્યારે જગતનો આર્થિકવૃદ્ધીદર સરાસરી ૩ ટકાના દરથી વધી રહ્યો છે. તેમા વધઘટ થયા કરે છે. કોવિડના ૨૦૨૦ના વર્ષમા જગતનો વૃદ્ધિદર નેગેટીવ થઇ ગયો હતો.

ઇ.સ. ૧૮૦૦મા જગતની વસતી માત્ર ૧૦૦ કરોડ હતી. ૨૦૨૫મા જગતની વસતી ૮૨૦ કરોડ પર પહોંચી ગઈ છે. ઇ.સ. ૨૦૮૫મા એટલે કે આજથી ૬૦ વર્ષ બાદ જગતની વસતી અનુમાનિત ૧૦૩૦ કરોડ પર પહોંચી જશે. જગતની વસતી કઇ સંખ્યા પર સ્થિર થઇ જશે તેની ખબર પડતી નથી. ભારતે વસતી વધારામા બધી મર્યાદાઓ તોડી નાખી છે. યાદ રહે કે જગતમા સૌથી વધુ વસતી ધરાવતો દેશ ચીન નથી પણ કમનસીબ ભારત છે. ભારતની વસતી અનુમાનીત ૧૪૬ કરોડ, ચીનની ૧૪૧ કરોડ અને અમેરીકાની ૩૪.૭ કરોડ ઇન્ડોનેશીયાની ૨૮.૬ કરોડ અને પાકિસ્તાનની ૨૫.૫ કરોડ છે.

જગતમા રાષ્ટ્રવાદે ગંભીર રોગનું સ્વરૂપ લીધુ છે. ગંભીર રોગ કદાચ મરી પણ જાય કે મરણ પણ લાવી શકે. મારૂ રાષ્ટ્ર જગતનું શ્રેષ્ઠ રાષ્ટ્ર છે તે માન્યતા કદાચ ત્રીજા વિશ્વયુદ્ધમાં પણ પરીણમે તે શક્ય છે. જગતમા વસતી વધારો ગંભીર પ્રશ્ન છે પરંતુ જગતની આવક લગભગ ત્રણ ટકાના દરેક વધતી હોવાથી જગત ગરીબીમા ધકેલાઈ નહી જાય. જગતનો અત્યારે મુખ્ય પ્રશ્ન આર્થિક અસમાનતાનો છે. ભારતની હાલની સરકાર અસમાનતાના પ્રશ્નને બદલે ગરીબી દૂર કરવાના પ્રશ્નને મહત્વ આપે છે. જગતમાં રાષ્ટ્રના લોકો વચ્ચે જ નહી પરંતુ રાષ્ટ્રો વચ્ચે સરાસરી માથાદીઠ આવકમા જબરજસ્ત અસમાનતા છે. જગતમા કેટલાક નાના રાષ્ટ્રોની સરાસરી માથાદીઠ આવક આપણી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય એટલી મોટી છે. 

માત્ર સાતલાખની વસતી ધરાવતા લગ્ઝમબર્ગની સરાસરી માથાદીઠ જગતમા સૌથી વધારે છે. ૨૦૨૫મા સૌથી વધુ સરાસરી માથાદીઠ આવક ધરાવતા દેશોની સરાસરી માથાદીઠ આવક નીચે મુજબ છે. લગ્ઝમબર્ગ (૧,૫૪,૯૧૫ ડોલર), સીંગાપોર (૧,૫૩,૬૦૯ ડોલર), આયર્લેન્ડ (૧,૩૧,૫૪૮ ડોલર) કતાર (૧,૧૮૭૬૨ ડોલર), નોર્વે (૧,૦૬,૫૪૦ ડોલર), સ્વીત્ઝરલેન્ડ (૯૮,૧૪૪ ડોલર), બૂ્રનેઇ (૯૫,૦૩૮ ડોલર) ગીયાના (૯૧,૩૮૩ ડોલર), યુએસએ (૮૯,૬૭૭ ડોલર), અને છેલ્લે ડેન્માર્ક (૮૫,૭૮૮ ડોલર). ભારતની માથાદીઠ સરાસરી આવક ૨૦૨૫ના અંતે અનુમાનીત ૨૮૭૮ ડોલર્સ અને પાકીસ્તાનની અનુમાની સરાસરી માથાદીઠ આવક ૧૭૧૭ ડોલર છે. અમુક નશીબવંતા આરબ દેશો પણ તેલના અને ગેસના ભંડારો મળી આવ્યા છે.

Tags :