Get The App

સમગ્ર વિશ્વની GDPમાં US ટોચે જ્યારે વસતીનું પ્રમાણ ખૂબ જ ઓછું

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
સમગ્ર વિશ્વની GDPમાં US ટોચે જ્યારે વસતીનું પ્રમાણ ખૂબ જ ઓછું 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- બીજા વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરીકન વર્લ્ડ ઓર્ડરની શરૂઆત થઈ હતી

બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) પછી જગતમા બ્રીટીશ વર્લ્ડ ઓર્ડર તૂટી પડયો અને અમેરીકન વર્લ્ડ ઓર્ડરની શરૂઆત થઈ ઃ બ્રીટીશ વર્લ્ડ ઓર્ડર એટલે તૂટી પડયો કે ૧૯૪૫મા બીજા વિશ્વ યુદ્ધ બાદ જગતમાંથી વસાહતવાદ (ઇમ્પીરીઆલીઝમ)નો અંત આવ્યો. ૧૯૪૭માં ભારત બ્રીટનથી આઝાદ થયુ અને એશીયા અને આફ્રીકાના ઘણા દેશો માત્ર બ્રીટનની જ નહી પરંતુ સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, બેલ્જીયમ વગેરે શાહીવાદી (ઇમ્પીરીઆલીસ્ટ) દેશોની ચુંગાલમાંથી એક પછી એક છૂટયા. માનવજગતમા આ સૌથી મોટી ક્રાંતિ ગણાય. આ પહેલા ૧૯૧૭મા રશિયામા 'ઓક્ટોબર રીવોલ્યુશન'ના નામથી ઓળખાતી શ્રમીકોની ક્રાંતી થઇ હતી જેને પરિણામે રશિયા ૧૯૧૭ બાદ જગતનુ સૌથી રીપ્રેસીવ (દમનકારી) રાષ્ટ્ર બની ગયું. ઇ.સ. ૧૯૧૭ પહેલા રશિયામા ઝાર એક ક્રૂર રાજા હતા પરંતુ સોવિયેટ રશિયા ૧૯૧૭ની ક્રાંતિ બાદ લેમીને અને સ્ટેલીને હેઠળ ચંગીઝખાનની ક્રૂરતાને શરમાવે તેવી ક્રૂરતા દર્શાવી. સામ્યવાદી સોવિયેટ રશિયામા અને સામ્યવાદી ચીનમા જે સરકારો ઊભી થઈ તેઓમા લોકશાહીનો છાંટો ન હતો. ટૂંકમાં બ્રીટીશ વર્લ્ડ ઓર્ડર જે શાહીવાદી શોષણપ્રથા પર ઊભો થયો હતો તે બીજા વિશ્વયુદ્ધ બાદ તૂટી પડતા જગતમા અમેરીકન વર્લ્ડ ઓર્ડર ઊભો થયો. અમેરીકન વર્લ્ડ ઓર્ડર શાહીવાદ (કોલોનીઆલીઝમ)નો સખત વિરોધી હતો. કારણ કે અમેરીકા પોતે જ બ્રીટનની એક કોલોની હતુ પરંતુ એ ભૂલવાનું નથી કે અમેરીકામા વર્ષો સુધી ગુલામી પ્રથા હતી અને ૧૮૬૦મા અમેરીકામા જે સીવીલ વોર થઇ તે પાંચ વર્ષ ચાલી અને ૧૯૬૫ પછી જ અમેરીકામાંથી ગુલામી પ્રથા નાબૂદ થઇ. અત્યારે જે અમેરીકન વર્લ્ડ ઓર્ડર ઊભો થયો છે તે અમેરીકાની અર્થકારણના ક્ષેત્રમા જડબેસલાક અદ્વિતીય સર્વોપરીતા પર ઊભો થયો છે. અત્યારે અમેરિકાની જીડીપી સમસ્ત જગતની જીડીપીના ૨૫ ટકા કરતા પણ વધારે છે જ્યારે જગતની અત્યારની ૮૧૨ કરોડની વસતીમા અમેરીકાની વસતી માત્ર ૩૪ કરોડ એટલે કે જગતની કુલ વસતીના પાંચ ટકાથી પણ ઓછી છે. અમેરીકાની જીડીપીની સરખામણીમા બીજા વિશ્વયુદ્ધ પહેલાનું બ્રીટન જે બ્રીટીશ લાયન ગણાતુ હતુ તે બકરીનું બચ્ચું બની ગયું છે. બ્રીટન કરતા તો જગતના બે મુખ્ય દેશો રશિયા અને ચીનમા આર્થિક પ્રગતીમા સડસડાટ આગળ વધી ગયા છે.

અત્યારે જગતના અર્થકારણ અને રાજકારણમાં અમેરીકાનો દબદબો માત્ર તેની ઊંચી રાષ્ટ્રીય આવકને લીધે જ છે જે નથી પરંતુ અમેરિકાની જંગી મીલીટરી તાકાતને કારણે છે.

સૌ પ્રથમ સરાસરી માથાદીઠ વાર્ષીક આવકની વાત કરીએ તો ભારતની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક ૨૦૨૪મા લગભગ ૨૯૦૦ ડોલર્સ છે તો અમેરિકાની ૯૦,૦૦૦ ડોલર નજીક છે ક્યાં ૯૦,૦૦૦ ડોલર્સ અને ક્યા ૨૯૦૦ ડોલર્સ ? તેવી જ રીતે શું જોઇને રશિયા, ચીન અને ઉત્તર કોરિયા અમને યુદ્ધ માટે પડકાર આપતા હશે ? અમારી માથાદીઠ સરાસરી ૯૦,૦૦૦ ડોલર્સની વાર્ષિક આવકની સરખામણિમા તેમની ૨૦૨૪ના વર્ષમા માથાદીઠ આવક રશિયાની ૧૪,૭૯૪ ડોલર્સ, ચીનની ૧૩,૩૦૬ ડોલર્સ અને ઉત્તર કોરિયાની તો ભારત કરતા પણ ઓછી એટલે કે માત્ર ૧૧૪૭ ડોલર્સ જેટલી નીચી છે. અમેરિકાની મીલીટરી તાકાત આગળ અન્ય દેશો બકરી બેં છે. ૨૦૨૪મા જગતનું મીલીટરી બજેટ ૨૭૧૮ બીલીયન ડોલર્સ હતુ તેમાથી એકલા અમેરિકાનું મીલીટરી બજેટ સમસ્ત જગતના ત્રીજા ભાગથી પણ વધારે એટલે કે ૯૯૭ બીલીયન ડોલર્સ હતું જ્યારે ચીનનુ ૩૧૪ બીલીયન ડોલર્સ અને રશિયાનુ માત્ર ૧૪૯ બીલીયન ડોલર્સ હતું. જ્યારે ભારનતું ડીફેન્સ બજેટ બચુકડું ૭૪ બીલીયન ડોલર્સ હતું પરંતુ રૂપિયામા તેની ગણતરી કરીએ તો ભારતનું મીલીટરી બજેટ ઇ.સ. ૨૦૨૪મા ૬.૨૨ લાખ કરોડ રૂપિયાનું હતું. જગતમા સૌથી વધુ ન્યુક્લીયર બોમ્બ અને અન્ય પ્રકારના ન્યુક્લીયર શસ્ત્રોનો જથ્થો અમેરીકા પાસે છે. તેથી તે જગત પર દાદાગીરી કરે છે. અમેરિકા પોતે જ એક જમાનામા બ્રીટનની કોલોની હોવાથી અમેરીકા કોલોનીઆલીઝમમા માનતું નથી. પરંતુ જગતમા ઠેકઠેકાણે પોતાના મીલીટરી થાણા નાખી જે તે દેશની સરકારને દબાવવા માગે છે. કેટલીક વાર તેમને નહી ગમતી સરકારોને ઉથલાવી પણ નાખે છે.