Get The App

સામાજીક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાન વચ્ચે ખૂબ મોટો ફરક

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
સામાજીક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાન વચ્ચે ખૂબ મોટો ફરક 1 - image


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- સમાજશાસ્ત્ર બનાવ બની ગયા પછી તેનું પૃથ્થકરણ કરવામાં નિષ્ણાંત

ફીઝીક્સ કેમીસ્ટ્રી અને બાયોલોજીને નેચરલ સાયન્સીઝ એટલે કે કુદરતી વિજ્ઞાનો કહેવામાં આવે છે. તેમા ભવિષ્યકથન શક્ય છે. હાઈડ્રોજનના બે કણો અને ઓક્ઝીજનનો એક કણ ભેગા મળે તો પાણી બને તે ભવિષ્યકથન સાચુ પડે છે.ગુરૂત્વાકર્ષણના નિયમને આધારે અનેક ભવિષ્યકથનો થયા છે જે સાચા પડયા છે અને તેને આધારે સેંકડો સેટેલાઇટ્સ આકાશમાં ભ્રમણ કરે છે. આ એટલા માટે શક્ય છે કે યુનવર્સ ઇઝ લો-ગર્વન્ડ એટલે કે સમસ્ત બ્રહ્માંડ કુદરતના નિયમો હેઠળ ચાલે છે. જગતભરના વૈજ્ઞાનિકો આ નિયમો ખોળવા માટે રાતદિવસ મહેનત કરે છે. આ નિયમો સ્વયંભૂ છે, ભગવાને ઘડયા નથી પરંતુ માનવ સમાજે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સમાજવિજ્ઞાનો ઉભા કર્યા છે તેમા ગમે તેટલો ઊંડો અભ્યાસ કે ઊંડુ સંશોધન કરવા છતા સો ટકા સાચુ ભવિષ્યકથન થઇ શક્તુ નથી. તેઓ ભવિષ્યકથન કરી શક્તા નહી હોવાથી તેમને વિજ્ઞાન નહી પરંતુ શાસ્ત્ર એટલે કે પધ્ધતિસરનો અભ્યાસ કરતું ફીલ્ડ ઓફ સ્ટડી કહે છે. દા.ત. સમાજશાસ્ત્રો અત્યારે પ્રેડીક્ટીવ શક્તી ધરાવતા નથી પરંતુ એકવાર બનાવ બની જાય પછી તેનુ નખશીખ પૃથ્થકરણ કરવામા નિષ્ણાત હોય છે.

૧૯૨૯મા અમેરીકામા મહામંદી (ગ્રેટ ડીપ્રેશન) આવી તેનું કે વીસમી સદીમા જગત બે મહા વિશ્વયુદ્ધો (૧૯૧૪-૧૯૧૮ પ્રથમ વિશ્વ યુદ્ધ અને ૧૯૩૯થી ૧૯૪૫મુ બીજુ વિશ્વયુદ્ધ) મા ફસાઈ ગયું તેની પણ કોઇએ આગાહી કરી ન હતી. ઇ.સ. ૨૦૨૫નુ વર્ષ અત્યારે ચાલુ છે તો ૭૫ વર્ષ પછી ઇ.સ. ૨૧૦૦ની દુનિયા કેવી હશે તેનું ચોક્કસ ભવિષ્ય કથન કરી શક્તા નથી. સદાય તેની રૂપરેખા આપી શકીએ અને કદાચ એવુ પણ બને કે ત્રીજા વિશ્વયુદ્ધને કારણે માનવજાત પથ્થરયુગમા પણ પ્રવેશી ચૂકી હોય.

સમાજશાસ્ત્રો ભવિષ્યકથનમા કાચા પડે છે તેઓ પોસ્ટ ડીક્ટીવ હોય છે. અંગ્રેજીમા પોસ્ટ એટલે કે બનાવ પછીનું અને ડીક્ટીવ એટલે કશુ કથન કરવું. લગભગ તમામ માનવશાસ્ત્રો કે સમાજશાસ્ત્રો બનાવ બની ગયા પછી તેનુ પૃથ્થકરણ કરવામા નિષ્ણાતી જ્ઞાન ધરાવતા હોય છે. દા.ત. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫)ની રજેરજ માહિતી મેળવીને બીજા વિશ્વયુદ્ધની સમીક્ષા કરી શકે છે પરંતુ કોઈપણ સમાજશાસ્ત્રી (અર્થકારણ, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે) બીજુ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થશે કે તેના ક્યારે અંત આવસે કે તેના કયા દેશો હારશે કે જીતશે તેની સ્પષ્ટ આગાહી કરી શક્યા નથી.

ઇ.સ. ૧૯૨૯મા અમેરીકા તે જમાનામા જગતની સૌથી મોટી મંદી (ધ ગ્રેટ ડીપ્રેશન) મા ફસાઈ ગયું તેની કોઇએ આગાહી કરી ન હતી. કોઇએ એવી આગાહી કરી ન હતી કે અમેરિકાને મહામંદીમાંથી બચાવનાર પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટની 'ન્યુ ડીલ'ની પોલીસી ઉપરાંત ૧૯૩૯મા શરૂ થયેલ બીજુ વિશ્વયુદ્ધ હતું જેણે જગતમા શસ્ત્રો માટે એટલી પ્રચંડ 'ડીમાન્ડ' ઉભી કરી કે અમેરીકામાંથી મહામંદી ભાગી ગઈ. બીજા વિશ્વયુદ્ધે અમેરીકાને બચાવી લીધુ અને ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધના અંત બાદ અમેરીકા સુપરપાવર બની ગયું અને એક વખત આખા જગત પર રાજ કરનારૂ બ્રીટન સેકન્ડ રેટ રાષ્ટ્ર બની ગયું.

રાજકારણ અને અર્થકારણ ગાઢ રીતે સંકળાયેલા છે તેથી સમાજશાસ્ત્રોમા પોલીટીકલ ઇકોનોમી નામનું અભ્યાસક્ષેત્ર ઉભુ થયું. ફીઝીક્સ અને કેમીસ્ટ્રીએ ભેગા મળીને ફીઝીકલ કેમીસ્ટ્રીની રચના કરી. બાયોલોજી અને સાયકોલોજીએ ભેગા મળીને બાયોસાયકોલોજી અને સોશીયોલોજી અને સાયકોલોજીએ ભેગા મળીને સોશીઓસાયકોલોજીની રચના કરી. બાયોલોજી અને કેમીસ્ટ્રીનુ લગ્ન તબીબી સારવારમા પુષ્કળ અગત્યનુ સાબીત થયુ. કારણ કે બાયોકેમીસ્ટ્રી એ તબીબી જગતમા અગત્યનું અભ્યાસક્ષેત્ર બની ગયું છે. જ્યોગ્રોફી અને પોલીટીકલ સાયન્સે ભેગા મળીને જીઓપોલીટીક્સ નામનું અભ્યાસક્ષેત્ર ઊભુ કર્યું ઇકોનોમીક્સે સ્ટેટીસ્ટીક્સ સાથે ભેગા મળીને ઇકોનોમેટ્રીક્સની રચના કરી હતી.

Tags :