Get The App

વિશ્વમાં 'બેલેન્સ ઓફ ટેરર'ની સ્થિતિનું સર્જન થવાની આશંકા

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વમાં 'બેલેન્સ ઓફ ટેરર'ની સ્થિતિનું સર્જન થવાની આશંકા 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- અમેરિકા પાસે જગતનું એક જબરજસ્ત હથિયાર છે અને તે છે 'નાટો'

ઈ. સ. ૨૦૨૫માં ભારત, ચીન અને રશિયાની કુલ વસતી (ચીનની ૧૪૦ કરોડ + ભારતની ૧૪૬ કરોડ + રશિયાની ૧૪.૬ કરોડ) અનુમાનીત ૩૦૦ કરોડ છે. જે જગતની ૨૦૨૫માં કુલ ૮૨૦ કરોડની અંદાજીત વસતીના લગભગ ૩૭ ટકા થાય છે. માનવ સંખ્યા બળ ભારતના પક્ષે છે ઉપરના ત્રણ દેશોની ૩૦૦ કરોડની સંયુક્ત વસતીની સરખામણીમાં અમેરિકાની ૩૪ કરોડની વસતી ખૂબ ઓછી ગણાય. પરંતુ યુધ્ધમાં જીત માટે વસતી નહી પરંતુ આર્થિક સમૃધ્ધિની જરૂર પડે છે. અમેરિકાની ૨૦૨૫મા કુલ જીડીપી ૩૦.૫૦ ટ્રીલીયન ડોલર્સ, ચીનની ૧૯.૨૩ ટરીલીયન ડોલર્સ, ભારતની ૪.૨ ટ્રીલીયન ડોલર્સ અને રશિયાની ભારત કરતા પણ લગભગ અડધી ૨.૨ ટ્રીલીયન ડોલર્સ હતી. રશિયન રીંછ જગતમાં ભલે દાદાગીરી કરવા જાય પરંતુ ચાઈનીઝ ડ્રેગન આગળ અને અમેરિકન ઇગલ (ગીધ) આગળ તે બકરી બેં છે. રશિયા પાસે વર્ષોથી ન્યૂકલીઅર પાવર છે તે જ માત્ર તેનું પ્લસ પોન્ટ છે. બાકી પુટીન જગત પર દાદાગીરી કરવા જાય કે અમેરિકાને કે ચીનને કન્ફ્રન્ટ કરે તો બૂરે હાલે પછડાય તેમાં કોઈ શંકા નથી. અલબત્ત ન્યુકલીઅર વોર થાય તો રશિયા હાર્યું કે અમેરિકા હાર્યું કે ભારત હાર્યું કે ચીન હાર્યુ એ પ્રશ્ન 'ઇરેલેવન્ટ' થઈ જાય. કદાચ વર્લ્ડ વોર થ્રીમાં આખુ વિશ્વ ખલાસ થઈ જાય એટલો બધો 'ઓવર કીલ' પાવર અમેરિકા, રશિયા, ચીન અને ભારત પાસે છે. યુ.કે. અને જર્મની પાસે પણ છે અને ઇઝરાયેલ પાસે પણ છે. જો ઇરાન સફળતાપૂર્વક એટમ બોમ્બની રચના કરી શકશે (અત્યારે તે એટમ બોમ્બ બનાવવા પાછળ પડયું છે.) તો જગતમાં ઇસ્લામિક અણુ તાકાત વધતા જગતમાં 'બેલેન્સ ઓફ પાવર' નહી પરંતુ 'બેલેન્સ ઓફ ટેરર' ની સ્થિતિનું સર્જન થશે જે મોટે ભાગે અત્યારે થઈ જ ગયું છે. ટ્રમ્પને હવે પસ્તાવો થાય છે કે તેમણે મૂર્ખામી કરીને ભારતને ચીન અને રશિયાના ખોળામાં મુકી દીધું છે.

અમેરિકા પાસે જગતનું એક જબરજસ્ત હથિયાર છે અને તે છે 'નાટો'. આ સંગઠનમાં ૩૨ રાષ્ટ્રો જોડાયેલા છે. છેલ્લે તેમાં સ્વીડન (માર્ચ ૨૦૨૪માં) અને ફીનલેન્ડ (એપ્રીલ ૨૦૨૩માં) જોડાયા છે. નાટો એક મીલીટરી સંગઠન છે. અને તેમાં જોડાવાની મુખ્ય શરત એ છે ક જો કોઇપણ શત્રુ દેશ નાટોના ૩૨ દેશોમાંથી કોઈપણ સભ્ય દેશ પર લશ્કરી હુમલો કરશે તો નાટોના તમામ ૩૨ દેશો એક થઇને હુમલાખોર દેશનો કચ્ચરઘાણ વાળી દેશે. છે રશિયાની કે ચીનની એટલી તાકાત કે તેઓ કોઈ નાટો દેશને છંછેડે ? ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં નાટો એક બ્રહ્માસ્ત્ર છે. ચીન પણ નાટોથી થરથર કાંપે છે. ઇ.સ. ૧૫૪૩ માં ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનીકસે પુરાવા આપ્યા હતા કે પૃથ્વી એક ગ્રહ છે અને અન્ય ગ્રહોની જેમ સૂર્યની આસપાસ ફરે છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમ માનતા લાગે છે કે પૃથ્વી પરના તમામ દેશો અમેરિકાની ગોળગોળ ફર્યા કરે છે અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના કહ્યા મુજબ પોતાની ગતિમાં અમેરિકાને માફક આવે તેવા ફેરફારો કરવા જોઈએ. આવુ, ટ્રમ્પ કેન્દ્રી વીઝન જગતના અન્ય રાષ્ટ્રો ચલાવી લેવા તૈયાર નથી તેથી ટ્રમ્પને આશ્ચર્ય થાય છે કે આ દેશો અમેરિકાના અધધધ મીલીટરી પાવરથી પણ ડરતા નથી ? અલબત્ત અમેરિકાએ ૨૦મી સદીમાં નવી નવી શોધોનો નાયગ્રાનો ધોધ જગતમાં છોડયો છે તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી જ્યારે ભારતે છેલ્લા ૭૫ વર્ષમા વસતી વધારાનો નાયગ્રા ધોધ જગતમાં વહેતો મુક્યો કારણ કે ભારતદેશમાં જન્મ મેળવવો દુર્લભ છે તેવું વિધાન ભારતમા સર્વમાન્ય છે. આ બાબતમાં ભારતની તમામ સરકારોએ દુર્લક્ષ સેવ્યું છે.

ભારત એક લોકશાહી દેશ છે અને ભારતમાં લોકશાહી છેલ્લા ૭૫ વર્ષથી (૧૯૫૨માં જનરલ ચૂંટણી થયા પછી) સતત ટકી રહી છે તે ભારતનું ગૌરવભર્યું પાસુ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતને માન આપવું જોઈએ તેને બદલે તેમણે ભારતીય સમ્માનને ઠેસ પહોંચાડી છે અને ભારત જાણે ખંડિયું રાજ્ય હોય તેમ તેની સામે ટ્રમ્પે વર્તન કર્યું છે.ભારતના ચીન અને રશિયા સાથેના સંબંધો ભારતીય લોકશાહીને નબળી નહીં પાડે તેવી ભારતની સરકારને ખાતરી છે.