500ની નોટની ફેરવેલ પાર્ટીમાં તડાફડી
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- એક, બે ને પાંચ રુપિયાની નોટો અદ્રશ્ય થઈ ગઈ એનો કોઈએ ખરખરો કર્યો ખરો?
બેન્કની કરન્સી ચેસ્ટમાં સવાર સવારમાં ધુ્રસ્કું સંભળાયું.
૫૦૦ની નોટ : ચાલો ત્યારે બધાને મારું ગૂડબાય..આટલો સમય તમારી સાથે રહીને સારું લાગ્યું. મને પ્રેમથી ફેરવેલ આપી દો.
૧૦૦ : કેમ પાછી નોટબંધી જાહેર થઈ કે શું, એવું હોય તો તું શું કામ રડે છે. ગઈ નોટબંધી વખતે તો ૧૦૦૦ની નોટની કાયમી વિદાય થઈ ગઈ હતી. તું તો રંગરુપ બદલીને પાછી જ આવી ગઈ હતી.
૨૦૦ : એમ, તારાં પોટલાં સમેટાયાં ? હાશ, ચાલો હવે મારી ક્યાંક મોટી નોટ તરીકે ગણતરી તો થશે. અત્યાર સુધી તો હું સૌથી અનવોન્ટેડ નોટ હતી. મોટો ખર્ચો કરનારાને પણ ન ગમું ને નાનો ખર્ચો કરવો હોય એને પણ ન ગમું.
૫૦૦ : ધીરી બાપુડિયા ધીરી..મુજ વિતી તુજ વિતશે. જેમ મારો એકડો નીકળી ગયો એમ કોઈ દિવસ તારો પણ વારો આવશે.
૫૦ : કોણે કોનો વારો કાઢ્યો. જરા ફોડ પાડીને વાત કરો. આપણે નોટ છીએ,અર્થશાસ્ત્રી નહિ કે બધું મભમમાં હાંકે રાખીએ.
૫૦૦ : કાંઈ નહિ. એ તો હમણા રિઝર્વ બેન્કે બધી બેન્કોેને સૂચના આપી છે કે એટીએમમાંથી ૫૦૦ની નોટો ઓછી કરો અને ૧૦૦-૨૦૦ની નોટો વધારો. સંકેત સાફ છે. આ જ રીતે એટીએમમાંથી બે હજારની નોટો નીકળતી બંધ થઈ ગઈ હતી, પછી છાપવાનીય બંધ થઈ ગઈ. હવે મારો પણ વારો આવવાનો છે. સાચું કહું મને અત્યારે પ્રાયશ્ચિત થાય છે. હજારની નોટ ગઈ પછી બે હજારની નોટ આવી ત્યારે મને મારા ઉપર કોઈ મોટી નોટ આવે એ ગમ્યું ન હતું. પણ, હવે આજે સમજાય છે. ટોચ પછી સીધી ખીણ જ હોય છે.
૨૦ : લે.આનું તો જાવા ટાણું આવ્યું એમાં મોટીવેશનલ સ્પીકર થઈ ગઈ.
૧૦૦ : શું યાર ઝિંકે રાખે છે. આપણે નોટોએ મોટિવેશનલ સ્પીકર બનવાના ધખારા રાખવાની કોઈ જરુર નથી. આપણે ખુદ કરોડો કરોડો લોકોનું મોટિવેશન છીએ. બધા કહેવાતા મોટિવેશનલ સ્પીકરોનું અસલી મોટિવેશન પણ આપણે જ છીએ.
૧૦ : એ મોટાભાઈ, એટલિસ્ટ તમે તો ૫૦૦નું દર્દ સમજો. જો આજે ૫૦૦નો જમાનો પૂરો થતો હોય તો મતલબ કે પછી ૨૦૦નો વારો આવશે અને પછી ભગવાન ન કરે ને તમારો પણ વારો આવી શકે. મને તમારો વારો આવે એમાં કોઈ રસ નથી. પણ, આ તો એક સાથી નોટ તરીકે ચેતવણી છે.
૨૦ : શેની સાથી નોટ ? આ બધી મોટી નોટો ફાટીને ધૂમાડે ગઈ હતી. મને અને તને કોઈ દિવસ સાથી નોટ ગણી નથી. એ બધી તો એટીએમની એક ટ્રેમાં અરસપરસ બગલમાં ગોઠવાઈ જાય છે. કોઈ દિવસ મારો, તારો કે આ ૫૦ની નોટનો એટીએમમાં સેટ થવાનો વારો આવવા દીધો ? કોઈનીય દયા ખાવાની જરુર નથી. સૌ સૌનુ કર્યું ભોગવશે.
૫૦ : સાચી વાત છે. મોટી પોસ્ટવાળા રિટાયર થાય એટલે એનો ભપકાદાર વિદાય સમારંભ થાય ને બિચારા નાની પોસ્ટ વાળા તો ક્યાં ખોવાઈ જાય કોઈ નોંધ પણ લેતું નથી. આ સાથી નોટવાળી વાર્તા કરો છો તો એક-બે અને પાંચ રુપિયાની નોટ ક્યાં અદ્રશ્ય થઈ ગઈ તેનો કોઈએ ખરખરો પણ કર્યો ખરો? હું તો ઈચ્છું છું કે ૫૦૦ની નોટ વિદાય ન થાય પણ જે રીતે મોંઘવારી વધી છે તે જોતાં સરકાર બે હજારની, પાંચ હજારની, દસ હજારની અને ૫૦ હજારની પણ નોટ બહાર પાડે. પછી ૫૦૦ની નોટને સમજાશે કે નાની કે વચલી નોટ તરીકે રહેવાનું દર્દ શું હોય છે.
૫૦૦ : હે ઈશ્વર, નોટબંધી કાલે આવતી હોય તો આજે આવી જાય.
૨૦૦ની નોટે આ સાંભળી નિસાસો નાખ્યો...૧૦૦ની નોટ ચૂપ રહી..બાકી બધી નોટોએ એકબીજાને આંખ મિચકારી.
સ્માઈલ ટીપ
પૈસો હાથનો મેલ છે, એટીએમ ચાર્જીસ બેન્કોના મગજનો મેલ છે.