- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- અર્થશાસ્ત્ર સમસ્યાઓ સમજાવે ખરું પણ ઉકેલે એકેય નહિ!
અર્થશાસ્ત્રનાં ખેરખાંઓ ભેગા થયા.
પહેલા અર્થશાસ્ત્રી કહે, 'આ ટ્રમ્પે તો આખી દુનિયાની ઈકોનોમી ઉપરતળે કરવા માંડી છે. તેનો કોઈ ઉકેલ લાવવો જોઈએ.'
બીજા વડીલ અર્થશાસ્ત્રી કહે, 'માફ કરજો યંગ મેન, પણ અર્થશાસ્ત્ર ફીફાં ખાંડવાનું શુદ્ધ એકેડમિક શાસ્ત્ર છે. ઉકેલનું એપ્લાઈડ સાયન્સ નહિ. અર્થશાસ્ત્ર સમસ્યાઓ સમજાવે, સમસ્યા ઉકેલે નહિ.'
ત્રીજા અર્થશાસ્ત્રી કહે, 'સાહેબો જરા સમજો. ટ્રમ્પ તો દુનિયાનાં દરેક પ્રકારનાં અર્થશાસ્ત્રીય સિદ્ધાંતોને અતિક્રમી ગયા છે. તેમને સમજવા માટે એકેય શાસ્ત્ર કામ લાગે તેમ નથી.'
ચોથા અર્થશાસ્ત્રી કહે, 'મને એક આઇડિયા આવે છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે એક નવો જ કોર્સ ડિઝાઈન કરીએ. નામ આપીએ, 'એમબીએ ઈન ટ્રમ્પોનોમિક્સ'. મને ખાતરી છે કે દુનિયાભરના મોટા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ આ કોર્સ કરવા માટે પડાપડી કરી શકશે.'
બાકીના બધા અર્થશાસ્ત્રીઓ માથું ખંજવાળવા લાગ્યા. પેલા વડીલ અર્થશાસ્ત્રી કહે, 'આ નવી નવાઈનાં કોર્સમાં શું હશે તે તો કહો? અને અર્થશાસ્ત્ર અને એમબીએ? આ તો તમે બધી ભેળસેળ કરી નાખી.'
પેલા યંગ અર્થશાસ્ત્રી કહે, 'વડીલ, હવે ભેળસેળનાં અર્થશાસ્ત્રનો જ જમાનો છે. જુઓ, આ ટ્રમ્પ આપણા દોસ્ત છે કે દુશ્મન તે સમજવામાં જ આપણા વિચારોની કેવી ભેળસેળ થઈ ગઈ? હવે તેના કારણે આપણો રુપિયો પણ ગોથાં ખાય છે અને શેરબજારો રોજ રડે છે.'
નવા કોર્સનો આઇડિયા આપનારા અર્થશાસ્ત્રી કહે, 'એમબીએ ઈન ટ્રમ્પોનોમિક્સનો ફંડા બહુ સિમ્પલ હશે. ટ્રમ્પને સમજવા ભલે અઘરા હોય પણ આ કોર્સમાં કશું અઘરું નહીં. હોય. આ કોર્સના પહેલા મોડયુલમાં તો સૌએ પ્રાર્થના કરતાં શીખવાની રહેશે કે હે ભગવાન, હવે આજે ટ્રમ્પ કાંઈ નવો ઉત્પાત ન મચાવે તો સારું. જુઓ પ્રેક્ટિકલી ટ્રમ્પના કિસ્સામાં પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી.'
જરા શ્વાસ ખાઈને તેમણે આગળ ચલાવ્યું. 'પછીના મોડયુલમાં સૌએ ટ્રમ્પની યથામતિ ભક્તિ કરવાની રહેશે. જે આપણા અનેક દેશવાસીઓ અગાઉ પણ કરી ચૂક્યા છે. લાગ્યુું તો તીર નહિ તો તુક્કોની જેમ કદાચ તે કામ કરી જાય.'
ત્રીજાં મોડયુલમાં જરા સામૂહિક પઠન કરવું પડશે. મોટી સંખ્યામાં બધા લોકોએ ભેગા થઈને 'સ્વદેશી જય જય.. સ્વદેશી જય જય..' એવા નારા પોકારવાના રહેશે. જેમ 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'ના નારાથી એકાદ માઈક્રો સેકન્ડ માટે પણ ટ્રમ્પનું દિલ પીગળ્યું હતું તેમ આ સ્વદેશીના પોકારો સાંભળીને ટ્રમ્પનું હૈયું કદાચ ફફડે પણ ખરું.'
પેલા યંગ અર્થશાસ્ત્રી વચ્ચે દખલ કરતાં કહે, 'આ જ મોડયુલમાં સાથે સાથે 'નમસ્તે ટ્રમ્પ...નમસ્તે ટ્રમ્પ' એવો નારો પોકારવાનું પણ ગોઠવો. જરુર પડે ક્લાસરુમને બદલે કોઈ સ્ટેડિયમમાં પણ આ નારાબાજી ગોઠવી શકાય.'
વડીલ અર્થશાસ્ત્રીને આ બધી ચર્ચા પસંદ ન પડી. તેઓ ચિઢાઈને કહે, 'તમારા આઇડિયા જોતાં તમે એકાદું મોડયુલ તો કદાચ પેલા જિનપિંગની તસવીર સામે લટૂડાપટૂડા કરવાનું પણ રાખશો. જાણે કેમ તેનાથી ટ્રમ્પના દિલ પર કરવત ફરવાની હોય.'
યંગ અર્થશાસ્ત્રી કહે, 'વાહ, તમારું સૂચન ઉમદા છે. સાથે સાથે પુુતિનના ફોટા સામે જોઈને જોર જોરથી હસવાનું પણ ગોઠવીએ તો...'
..અને મોટાભાગે ગંભીર મુખમુદ્રા જ રાખતા અર્થશાસ્ત્રીઓ પણ આ સાંભળી હસી પડયા.
સ્માઈલ ટિપ
કદાચ ટ્રમ્પનાં પણ દસ માથાં છે, પણ લોચો એ છે કે દસેદસ ખાલી છે!


