Get The App

નવી ગુજરાતી ફિલ્મ : એફડી તારાં વળતાં પાણી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
નવી ગુજરાતી ફિલ્મ : એફડી તારાં વળતાં પાણી 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- ફિલ્મ માટે બેન્કવાળાને સલાહકાર તરીકે રોક્યા તો એ  કહેવા લાગ્યા કે આ એનપીએ પ્રોજેક્ટ છે

ગુજરાતી ફિલ્મોના એેક  ડિરેક્ટરે પ્રોડયૂસરને આઇડિયા આપ્યો. 'બોસ, એક આર્થિક વિષય પરથી ફિલ્મ બનાવીએ.'

પ્રોડયૂસર શૂન્યાવકાશમાં તાકતાં કહે, 'ગુજરાતી ફિલ્મ બનાવવામાં આર્થિક વિષય જ સૌથી ગંભીર હોય છે. કાયમ બજેટના ઈશ્યૂ નડે છે.'

સહ નિર્માતા કહે, 'સાચી વાત. આપણે આપણી પાછલી ફિલ્મના પ્રિમિયરમાં બધા રિવ્યૂઅર્સ બ્લોગર્સને સમોસા ને બદલે ફક્ત બે-બે વેફરથી જ પતાવવું  પડયું હતું. તો  પણ બિચારા બધા સારા માણસો કે રિવ્યૂ તો હેવી બિગ સાઈઝ સમોસા પ્રમાણે જ આપ્યા. આપણા એટલાં પાછલાં પ્રિમિયરોનાં પુણ્ય બીજું શું.'

ડિરેક્ટરે પુણ્ય શબ્દ પકડી લીધો.'જુઓ, હું જે  સબ્જેક્ટ લઈને આવ્યો છું એ પુણ્યનું જ કામ છે. અત્યારે બેન્કોવાળા એફડીના રેટ ઘટાડવા માંડયા છે. આપણે કોઈ સિનિયર સિટિઝન કપલને લઈને  ફિલ્મ બનાવીએ. 'બેન્ક એફડી,તારાં વળતાં પાણી' એવું ટાઈટલ રાખશું. વાર્તા એવી કે કપલે એમ વિચાર્યુ ંહોય  ઘડપણમાં એફડીના વ્યાજમાંથી ખર્ચા કાઢશું. પણ, એને બદલે એફડીના રેટ ઘટતા જ જાય, ઘટતા જ જાય એમાં એમને ચા-પાણીનો ખર્ચો કાઢવો પણ અઘરો પડી જાય તેવી કરુણ સ્ટોરી.'

પ્રોડયૂસરનું દિમાગ ચાલવા લાગ્યું. 'સારું છે. કોઈ યંગ કપલને બદલે સિનિયર સિટિઝન  કલાકારોને ે પૈસા ચૂકવવા પડે.   બેન્કના સેટ પર ખર્ચો નહિ કરીએ. એના  બદલે ઓનલાઈન   બેંકિંગ જ બતાવશું.  હવે તો દરેક ગામ ને દરેક એરિયામાં  સિનિયર સિટિઝન  એસોસિએશનો ચાલે છે એટલે એ ઓડિયન્સ તો પાકું જ.'

ડિરેક્ટર ખિસ્સામાંથી રુમાલ કાઢીને આંખો લૂછતાં કહે, 'બોસ, ઘરડાંઓની વ્યથા જોઈને લોકો રડશે. આજકાલ જનરેશન ઝેડ માટે બનતી રોમાન્ટિક ફિલ્મો હોય કે આવી ઘરડાઓની ફિલ્મ, જેમાં થિયેટરમાં ઓડિયન્સ રડતું હોય એ ફિલ્મ સુપરહિટ..જૂની નિવડેલી ફોર્મ્યૂલા છે. '

'આવી  ઈકોનોમિક ફેમિલી રોનાધોના ફિલ્મમાં વિલન કોને રાખવાના ?'  સહ નિર્માતાએ ફરી મમરો મૂક્યો. 

'અરે બેન્ક એફડીની સ્ટોરીમાં તો અનેક વિલન આવશે. એક એડવાઈઝર એમ કહેશે કે હવે  બચ્યા ખુટયા પૈસા છે એ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો, બીજો એડવાઈઝર કહેશે કે એના કરતાં તો ઈક્વિટીમાં જ રોકી દો. એકાદો સલાહકાર  એમ પણ કહી જશે કે આના કરતાં તો ક્યાંક દુકાન લઈને ભાડે ચઢાવી દો તો બેઠી ઈન્કમ થશે. ચોથો  એડવાઈઝર કહેશે  કે આટલા પૈસા પ્રાઈવેટમાં વ્યાજે ફેરવવા માંડો તો બે પાંદડે થઈ જશો. ' આ બધી સલાહમાં આ કપલ  કન્ફ્યૂઝ થઈ જશે. આડેધડ કોઈને પૈસા આપી દેશે અને સરવાળે  દુઃખી થશે.' ડાયરેક્ટરે વાર્તા આગળ વધારી

'પણ મને લાગે છે કે  પહેલાં આપણે એકાદ બેન્કવાળાને સલાહકાર તરીકે રોકીએ તો સારું.' ફરી સહ નિર્માતાએ ડહાપણ ડહોળ્યું. 

ડાયરેક્ટર ગરમ થઈને  કહે,'કોઈ બેન્કવાળાને સલાહકાર ન બનાવશો. મારો અનુભવ છે. કોઈપણ ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટમાં એ લોકો શરુઆતથી જ કહી દે છે કે આ એનપીએ   પ્રોજેક્ટ છે. '

પ્રોડયૂસર ચિંતાના  સૂરે કહે, 'એવું છે? તો આપણા આ પ્રોજેક્ટમાં પૈસા કોણ રોકશે?'

ડાયરેક્ટર લાળ ટપકાવતાં કહે,'બોસ, એ જ તો આપણી ફિલ્મનો ક્લાઈમેક્સ અને ભવિષ્યની ફિલ્મોના ફાઈનાન્સની વ્યવસ્થા છે. એન્ડમાં એવું  બતાવશું કે  આ કપલની દીકરીનો બોયફ્રેન્ડ એક ફિલ્મ  બનાવે છે. તે આ ઘરડાં કપલને ફાઈનાન્સ કરવા સમજાવી લે છે. ફિલ્મ હિટ થાય છે અને કપલના બધા આર્થિક પ્રોબ્લેમ પૂરા થાય છે. આ એન્ડ જોઈને ભવિષ્યમાં આવાં કેટલાંય કપલ એફડીને બદલે આપણને રોકાણ તરીકે પૈસા આપવા તૈયાર થઈ જશે.'

પ્રોડયૂસરના મોઢામાં પાણી આવ્યું. આસિસ્ટન્ટ પ્રોડયૂસરે આગાહી કરી,પછી નવી ફિલ્મ બનાવશું, 'રોકાણકાર, તારી આંખમાં પાણી.'

આ વાત પર ડાયરેક્ટર અને પ્રોડયૂસર બંનેએ તેને તાળી આપી.

- સ્માઈલ ટિપ

 એફડીના વ્યાજના દરો આમ જ ઘટતા રહેશે તો કહેવતકોશમાંથી 'મૂડી કરતાં વ્યાજ વ્હાલું' કહેવત કાઢી નાખવી પડશે.