Get The App

મોબાઈલ સૌથી પાપી ચીજ છે, એના પર જીએસટી વધારો

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
મોબાઈલ સૌથી પાપી ચીજ છે, એના પર જીએસટી વધારો 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- દેશમાં ધર્મ જ મુખ્ય મુદ્દો બની ગયો છે તો જીએસટી માટે પાપી ચીજોની યાદી બનાવવાનું કામ ધર્મગુરુઓને જ સોંપી દઈએ

'ચાલો  મગજ દોડાવો અને કઈ કઈ ચીજો પર જીએસટી ઘટાડવાનો છે તેની યાદી બનાવવા માંડો,' મોટા સાહેબે હુકમ કર્યો. 

'સર,  મગજ પણ દોડાવવાનું અને જીએસટીના રેટ પણ નક્કી કરવાના? એ બંને વિરોધાભાસી વસ્તુ સાથે કેમ થાય?' એક અધિકારીએ તરત સવાલ ઉઠાવ્યો. 

બીજા અધિકારીએ પણ સૂર પુરાવ્યો, 'સર, મગજ દોડાવી એ ે તો આપણે બ્રાન્ડેડ દહીં પરથી પણ જીએસટી કાઢી નાખવો પડે. આપણે મગજ નહોતું દોડાવ્યું એટલે તો હેલ્થ ઈન્શ્યોરન્સ પર ૧૮ ટકા જીએસટી નાખ્યો હતો.'

ત્રીજા અધિકારીએ  બોલ્યા,'સર,  આપણું મગજ ટેક્સ વધારવા જ ટેવાયેલું છે.રેટ ઘટાડવા માટે તો મારા સહિત સમગ્ર સ્ટાફના  બ્રેઈનનું રિવાયરિંગ કરાવવું પડશે.'

સાહેબે  મગજ પર જરાક બે-ચાર ટપલી  મારીને કહ્યું, 'યુ આર રાઈટ.  એક કામ કરીએ . આપણને આમ પણ અમુક ચીજો પર ૪૦ ટકા  'સિન ટેક્સ' નાખવાનું કહ્યું જ છે. એવી પાપી ચીજો કે સેવાઓની યાદી બનાવો, જેના પર ટેક્સ વધારી શકાય.'

'સર, આપણે જીએસટી રેટ કન્સલ્ટન્ટ તરીકે ધર્મગુરુઓની માનદ નિયુક્તિ કરી દઈએ. એ લોકો પાપી ચીજો અને સેવાઓની ફટાફટ યાદી આપી દેશે. આજકાલ દેશમાં ધર્મ જ મુખ્ય અને મહત્ત્વનો મુદ્દો છ ેતો  જીએસટી રેટ નક્કી કરવાનું પણ ધર્મગુરુઓને સોંપી દઈએ,' નિવૃત્તિના આરે પહોંચેલા એક અધિકારીએ ધરાર ખુરશીમાં  લંબાવતાં કહ્યું. 

જોકે, એક યંગ અધિકારી કહે, 'સર, આપણા દેશની ખુશનસીબી એ છે કે અહીં ધર્મગુરુઓની  સંખ્યા જરા વધારે છે. બધાની પોતપોતાની પાપ-પુણ્યની અલાયદી વ્યાખ્યાઓ છે. કોઈ ધર્મગુરુના મતે નોનવેજ પાપ છે પણ કોઈ ધર્મગુરુના મતે તો ડુંગળી લસણ પણ પાપ છે, કેટલાક ધર્મગુરુ તો વળી ચા ને પણ પાપ ગણે છે. કોઈ એક-બે ધર્મગુરુને કન્સલ્ટ કરવા રહેશું તો બાકીના ગુરુઓના અનુયાયીઓ નારાજ થઈ જશે.'

એક અધિકારી કહે , 'મોટાભાગના  ધર્મુગુરુઓ કહે છે કે  સૂર્યાસ્ત પછી ભોજન લેવું એ પાપ છે. તો આપણે લંચ પર નોર્મલ  જીએસટી અને ડિનર પર ૪૦ ટકા સિન ટેક્સ નાખી શકીએ. લોકો રાતે ખાવા તો જવાના જ છે. એ બહાને આપણી આવક વધશે.'

બીજા અધિકારી કહે, 'ધર્મગુરુઆ ે અને આ  ડિનરવાળી વાત પરથી યાદ આવ્યું. શ્રાવણ મહિનામાં  તો લંચ, ડિનર, બ્રેકફાસ્ટ દરેકને  પાપ ગણી ૪૦ ટકા જીએસટી નાખી દેવો જોઈએ.'

પેલા વરિષ્ઠ અધિકારી વાળ પર હાથ ફેરવતાં ફેરવતાં  કહે,'એમ તો  મોટાભાગના ધર્મગુરુઓ ફિલ્મો જોવાને પાપ જ ગણે છે.'

પેલા યંગ અધિકારી  મોબાઈલ મચડતાં મચડતાં  બોલ્યા, 'એમ તો માથે ડાઈ લગાડી લોકોને ગેરમાર્ગે દોરવા એ પણ પાપ છે. ઉંમર છૂપાવવા મેક અપ કરવો એ પણ પાપ જ છે. મેકઅપનાં  સાધનો અને ડાઈ પર નાખો, ૪૦ ટકા જીએસટી.'

વરિષ્ઠ અધિકારી બોલવા જાય એ પહેલાં બોસ બોલ્યા, 'આ તે સરકારી મીટિંગ છે કે વ્હોટસ એપ,  ફેસબુક પરની ચર્ચા?  મને તો લાગે છે કે  મોબાઈલને જ પાપી ચીજ ગણીને એના પર ૪૦ ટકા જીએસટી નાખી દઈએ. આખો  દેશ એ વાત ેસંમત થશે કે મોબાઈલ  આવ્યા પછી  ઉલ્ટાના કકળાટ વધ્યા છે, પણ સાથે સાથે કોઈ મોબાઈલ વાપરવાનું  પણ નહીં છોડે. આ રીતે આપણે બીજા બધામાં રેટ ઘટાડીનેે જેટલી આવક ગુમાવીશું  અ ે બધી જ મોબાઈલ  ફોન પર અને મોબાઈલનાં  બિલ પર ૪૦ ટકા જીએસટીમાં સરભર થઈ જશે.'

બધા અધિકારીઓએ જોરજોરથી ટેબલ થપથપાવ્યું. તેમાં ટેબલની ધાર પર પડેલો બોસનો મોબાઈલ નીચે પડયો અને એની   સ્ક્રીન પર તિરાડો પડી ગઈ. બોસે મોઢું વકાસી  મીટિંગ બરખાસ્ત કરી દીધી.

- સ્માઈલ ટિપ

સરકારી વ્યાખ્યાઃ આડેધડ જીએસટી નાખ્યો એ પાપ ન હતું, પણ જીએસટી ઘટાડાશે એ પુણ્ય જરુર છે.